Nasoor Teaser : શૂન્યમાંથી સર્જન અને જીવવા મરવાની વાતો કરે છે સાયકોલોજિકલ થ્રીલર

24 January, 2024 07:00 PM IST  |  Mumbai | Rachana Joshi

Nasoor Teaser : મરવા માટે જીવવાનું હોય કે જીવવા માટે મરવાનું? હિતુ કનોડિયા અને નીલમ પંચાલની ફિલ્મ ‘નાસૂર’ આપશે જવાબ

‘નાસૂર’ના ટીઝરમાંથી લેવાયેલા સ્ક્રિન ગ્રેબ

વર્ષ ૨૦૨૪ ગુજરાતી ફિલ્મોનું હોય તેવું લાગી રહ્યું છે. એક પછી એક ગુજરાતી ફિલ્મ રિલીઝની લાઇનમાં જ છે. કોઈક ફિલ્મના ટાઇટલની જાહેરાત થઈ તો કોઈક ફિલ્મના પોસ્ટરની, તો કોઈક ફિલ્મનું ટીઝર રિલીઝ થયું. આજે હિતુ કનોડિયા (Hitu Kanodia) અને નીલમ પંચાલ (Niilam Paanchal) સ્ટારર ફિલ્મ ‘નાસૂર’ (Nasoor)નું ટીઝર રિલીઝ થયું છે. સાયકોલોજિકલ થ્રીલર ફિલ્મ ‘નાસૂર’નું ટીઝર (Nasoor Teaser) રિલીઝ થતાંની સાથે જ ચાહકોએ વધાવી લીધું છે.

‘નાસૂર’ ફિલ્મનું ઉત્તરાયણ પણ પોસ્ટર રિલીઝ થયું હતું અને ત્યારબાદ ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી કે ટીઝર રિલીઝ થશે. આજે સાંજે ‘નાસૂર’ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.

હિતુ કનોડિયા અને નીલમ પંચાલની સાથે ફિલ્મ ‘નાસૂર’માં ડેનિશા ઘુરમા (Denisha Ghumra), હેમિન ત્રિવેદી (Hemin Trivedi), હીના જયકિશન (Heena Jaikishan), વૈશાખ રતનબેન (Vaishakh Ratanben), વિશાલ ઠક્કર (Vishal Thakakr) અને જિગ્નેશ મોદી (Jignesh Modi) પણ મહત્વની ભૂમિકામાં છે.

ફિલ્મની અભિનેત્રી નીલમ પંચાલે ટીઝર સોશ્યલ મીડિયા પર શૅર કરતા કૅપ્શનમાં લખ્યું છે કે, ‘પૈસો, પાવર અને બધાથી આગળ રહેવાની ભૂખ છેલ્લે ક્યાં અટકશે? શું પૈસા થી તમારા અમૂલ્ય સબંધો અને તમારી શાંતિ ખરીદી શકશો? સતત દોડતો રહેતો માણસ ક્યાં અને ક્યારે અટકશે? આ દરેક સવાલનો જવાબ લઇને આવી રહી છે, *નાસૂર* - ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ. આપણી ભાષા આપણું ગૌરવ.’

ફિલ્મ ‘નાસૂર’ના ટીઝર પરથી સમજાય છે કે, ફિલ્મ સંબંધો અને જીવન મરણના સંઘર્ષની આસપાસ ફરે છે. ટીઝરમાં ડાયલોગ્સ મન જીતી લે તેવા છે. હિતુ કનોડિયા હોય કે નીલમ પંચાલ કે પછી ડેનિશા ઘુમરા દરેક પાત્રના ડાયલોગ્સ જબરજસ્ત છે. પાત્રોના અભિનયમાં વિવિધતા ટીઝરમાં જ જોવા મળે છે.

આ ટીઝર પરથી કહી શકાય કે જો ‘નાસૂર’નું ટીઝર આટલું જબરજસ્ત છે તો પછી ફિલ્મ કેટલી મજેદાર હશે!

‘નાસૂર’ ફિલ્મનું દિગ્દર્શન ઋષિલ જોશી (Rishil Joshi)એ કર્યું છે. જ્યારે ફિલ્મ કાજલ મહેતા (Kajal Mehta)એ લખી છે. આ ફિલ્મ ૨૩ ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થશે.

નોંધનીય છે કે, ગયા વર્ષે રિલીઝ થયેલી કૃષ્ણદેવ યાજ્ઞિક (Krishnadev Yagnik)ની ફિલ્મ ‘વશ’ (Vash) અને ‘રાડો’ (Raado) બાદ હિતુ કનોડિયા સાથે નીલમ પંચાલ ફરી એકવાર સાથે દેખાવવાના છે. ‘રાડો’ અને ‘વશ’ આ બન્ને ફિલ્મમાં તેમણે પતિ પત્નીની ભૂમિકા ભજવી હતી. હવે ફરી ત્રીજી વાર ફિલ્મ ‘નાસૂર’માં તેઓ પતિ પત્નીની ભૂમિકામાં જોડે સ્ક્રિન પર દેખાશે. આ બન્ને ફિલ્મમાં જબરજસ્ત કેમેસ્ટ્રી બાદ આવનારી ફિલ્મમાં પણ તેમની કેમેસ્ટ્રી જોરદાર લાગી રહી છે. ટીઝર જોયા પછી ચોક્કસ ફેન્સ ટ્રેલરની રાહ જોતા હશે!

nilam panchal hitu kanodia upcoming movie gujarati film entertainment news dhollywood news rachana joshi