15 November, 2025 06:32 PM IST | Mumbai | Heena Patel
પતિ મિહિર રાજડા અને દીકરી નિહિરા સાથે નીલમ પંચાલ.
બાળપણમાં પિતાની છત્રછાયા ગુમાવી દીધી, ચાર-ચાર દીકરીઓને મમ્મીએ એકલા હાથે ઉછેરી, સ્કૂલની ફી ભરવાનાં ફાંફાં, બે પૈસા રળવા ઘરે બેસીને નાનાં-મોટાં અનેક કામ કર્યાં. કમાવું જરૂરી હતું એટલે ૧૮ વર્ષની વયે અભિનય ક્ષેત્રે ઝંપલાવી દેનારાં, ‘હેલ્લારો’ માટે નૅશનલ અવૉર્ડ જીતનારાં અભિનેત્રી નીલમ પંચાલના જીવનની એક સમયની આ વાસ્તવિકતા છે.
બાળપણનો સંઘર્ષ
નીલમ પંચાલનું બાળપણ અમદાવાદમાં સંઘર્ષમાં વીત્યું છે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘પપ્પા નાગરદાસભાઈ હતા ત્યાં સુધી મારું બાળપણ મજાનું હતું. તેમનો લોખંડનો ધંધો હતો. હું સાડાચાર વર્ષની થઈ ત્યારે પપ્પા ગુજરી ગયા. અમે ચાર બહેનો અને એમાં સૌથી નાની હું. પપ્પાનું અવસાન થયું એ સમયે મમ્મી વસંતીબહેનની ઉંમર માંડ ૩૮ વર્ષ હશે. મારાં મમ્મી સાતમા ધોરણ સુધી ભણેલાં હતાં. પપ્પા હતા ત્યાં સુધી મમ્મીએ કોઈ દિવસ બહાર જઈને કામ કર્યું નહોતું. પપ્પાના ગુજરી ગયા પછી અચાનક તેમના પર એકલા હાથે ૪ દીકરીઓને ઉછેરવાની જવાબદારી આવી ગયેલી. જોકે મારાં મમ્મી ખૂબ મજબૂત હતાં. તેમને હતું કે મારે મારી ચારેય દીકરીઓને ભણાવી-ગણાવીને પગભર કરવી છે. તેમને સિલાઈકામ આવડતું હતું. તે પિયરમાં હતાં ત્યારે તેમને ૧૦ પૈસાના ડ્રૉમાં હાથસિલાઈનું મશીન લાગેલું. તેમણે બાજુમાં ટેલરિંગનું કામ કરતા ભાઈ પાસેથી સીવણકામ શીખેલું. પરણીને સાસરે આવ્યા ત્યારે પપ્પાએ તેમને સિલાઈ મશીન લઈ આપેલું. એટલે પપ્પાના ગુજરી ગયા બાદ મમ્મીએ સીવણકામને જ પોતાનો વ્યવસાય બનાવી લીધો. તેમણે લોકોનાં કપડાં સીવી-સીવીને અમને મોટાં કર્યાં. અમે જેમ-જેમ મોટાં થતાં ગયાં એમ-એમ ઘરેથી નાનાં-મોટાં સીઝનલ કામ કરીને ઘર ચલાવવામાં મદદ કરતાં થયાં. ડ્રેસનાં ગળાં ભરવાનાં હોય, અંબોડાની જાળીઓ બનાવવાની હોય, મોતીની ઝૂમખીઓ બનાવવાની હોય જેવાં અઢળક કામો અમે કર્યાં છે. એવા પણ દિવસો જોયા છે કે ઘરમાં કશું જ ન હોય. ઈંધણ ન હોય કે તેલ ન હોય. એટલે મામાએ મોકલેલી બટાટાની જે વેફર્સ હોય એને પાણીમાં બૉઇલ કરીને મમ્મી અમને ખવડાવતી. સ્કૂલમાં ફી ભરવા માટે પણ પૈસા ન હોય. વરસ પૂરું થવા આવ્યું હોય ત્યાં સુધી ફી ભરવાનાં પણ ફાંફાં હોય. અમારી પાસે બુક્સ પણ ન હોય તો એ મિત્રો પાસેથી માગીને લઈ આવીએ અને બદલામાં તેમને તેમના ભાગનું હોમવર્ક કરી આપીએ. એટલે આવી બધી સ્ટ્રગલ ખૂબ જોઈ છે. જોકે એ પરિસ્થિતિએ જ અમને ઘડવાનું કામ કર્યું છે. આજે જીવનમાં ગમે એ પરિસ્થિતિ આવી જાય તો એમાંથી મજબૂતીથી કઈ રીતે બહાર નીકળવાનું એ અમને ખબર છે. અમારામાં બધાં જ કામ કરવાની આવડત પણ બહુ વિકસેલી છે. હું આજે ઍક્ટ્રેસ છું, પણ સાથે-સાથે મારું આખું ઘર સંભાળું છું. અમે ચારેય બહેનો હતી એટલે તોફાનો પણ એટલાં જ કર્યાં છે. અમારી વચ્ચે ભયંકર મારામારી થતી. વાળ ખેંચી નાખીએ, દાંત તોડી નાખીએ. મમ્મીએ દોડાદોડ દવાખાને લઈને જવી પડે. હવે તો અમે બધા પોતપોતાના જીવનમાં વ્યસ્ત છીએ અને અમારો પોતાનો પરિવાર છે. સમય સાથે અમારી પ્રાથમિકતાઓ પણ બદલાઈ ગઈ છે. હજી છ મહિના પહેલાં જ મારાં મમ્મી ગુજરી ગયાં. તેમને પિત્તનળીનું કૅન્સર ડિટેક્ટ થયેલું. મારાં મમ્મીનું ઘર ચલાવવાથી લઈને તેમની હૉસ્પિટલમાં સારવાર અને અંતિમ સંસ્કાર સુધીની બધી જ જવાબદારી મેં ઉપાડી છે એ વાતનો મને ખૂબ ગર્વ છે. હું માનું છે કે ભગવાને મને સક્ષમ માનેલી એટલે એ બધી જવાબદારી મને મળી.’
કારકિર્દીની જર્ની
૨૦૦૮થી મુંબઈ શિફ્ટ થયેલાં નીલમ પંચાલની યાદગાર ગુજરાતી ફિલ્મોમાં ‘હેલ્લારો’, ‘૨૧મું ટિફિન’, ‘વશ’, ‘રાડો’, ‘નાસૂર’ વગેરેનો સમાવેશ છે. તેમણે હિન્દી સિરિયલોમાં ‘હમારી દેવરાની’, ‘રુક જાના નહીં’, ‘એક વીર કી અરદાસ... વીરા’, ‘લાજવંતી’, ‘ઇશ્કબાઝ’ વગેરેમાં કામ કર્યું છે. હિન્દી ફિલ્મ ‘કાબિલ’માં પણ તેમણે કામ કર્યું છે. ગુજરાતી વેબ-સિરીઝ ‘યમરાજ કૉલિંગ‘, ‘રીના’સ બ્યુટી સ્ટુડિયો’માં પણ તેઓ દેખાયાં હતાં.
અભિનય-કારકિર્દી અને યાદગાર પાત્રો વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘સ્કૂલમાં એકપાત્રી અભિનય અને આગળ કૉલેજમાં જતાં નાટકો કરવાનું મેં શરૂ કર્યું. એ વખતે એવું લાગવા લાગેલું કે હું અભિનય કરી શકું છું. હું ભણવામાં હોશિયાર હતી એટલે BComની સાથે CAનું ભણવાનું શરૂ કરેલું, પણ બધું અધૂરું છૂટ્યું છે. મારાથી ત્રણેય મોટી બહેનોને મમ્મીએ એક પછી એક પરણાવી દીધી. એ પ્રસંગો પૂરા પાડતાં-પાડતાં ઘરની આર્થિક સ્થિતિ હલી ગયેલી. મમ્મીની પણ ઉંમર થઈ ગયેલી. તેમની તબિયત ખરાબ રહેતી. સર્વાઇવલ માટે ઍક્ટિંગ શરૂ કરવી પડે એમ હતું. એટલે કૉલેજની સાથે-સાથે જ મેં મૉડલિંગ અને ગુજરાતી સિરિયલોમાં કામ કરવાનું શરૂ કરી દીધેલું. હું માનું છું કે મૉડલિંગે મારો કૉન્ફિડન્સ બૂસ્ટ કરવાનું કામ કર્યું. એના માટે હું કેયૂર દેસાઈની આજે પણ ખૂબ આભારી છું. આગળ જતાં અનેક હિન્દી સિરિયલો, ગુજરાતી ફિલ્મો વગેરેમાં કામ કર્યું. ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’એ મને એક ઓળખ આપી, નૅશનલ અવૉર્ડ અપાવ્યો. એટલે એ તો મને જીવનભર યાદ રહેવાની જ છે. એ સિવાય ‘૨૧મું ટિફિન’ મારા દિલની ખૂબ નજીક છે. એમાં એક સીન છે જેમાં હું મારી માને સુખડી ખવડાવું છું. મને યાદ છે કે મારી મમ્મી હૉસ્પિટલાઇઝ્ડ હતાં. તેમને ડાયાબિટીઝ હતો. એમ છતાં આઇસક્રીમ ખાવાની જીદ કરતાં. હું ‘વશ’ને પણ ન ભૂલી શકું. મારી આ ફિલ્મને પણ નૅશનલ અવૉર્ડ મળેલો. એમાં મેં જાનકી બોડીવાલાની મમ્મીની ભૂમિકા ભજવી છે. એમાં એક સીન છે જેમાં મારી દીકરીને અજાણ્યા પુરુષ સામે શૉર્ટ્સ કાઢવી પડે છે. મારી પોતાની પણ એક નાની દીકરી છે એટલે તે માતાની જે વેદના હોય એ મેં એ સીનમાં અનુભવી છે. હું ભગવાનની ખૂબ આભારી છું કે આટલી સુંદર ફિલ્મો મારા ખોળે આવીને પડી.’
પ્યાર હો ગયા
નીલમનાં લવ-મૅરૅજ રાઇટર અને ઍક્ટર મિહિર રાજડા સાથે થયાં છે. બન્ને કઈ રીતે એકબીજાના પ્રેમમાં પડ્યાં એ વિશે માંડીને વાત કરતાં તેઓ કહે છે, ‘અમે બન્ને ‘હમારી દેવરાની’ સિરિયલમાં સાથે કામ કરતાં હતાં. એ સિરિયલ ૨૦૦૮થી ૨૦૧૨ સુધી ચાલેલી. એમાં મિહિર મારા જેઠની ભૂમિકા ભજવતા હતા. સાથે કામ કરતાં-કરતાં એકબીજાને પસંદ કરવા લાગ્યાં. મારા હસબન્ડ આમ પાછા ઇન્ટ્રોવર્ટ છે એટલે મેં જ તેમને સામેથી પ્રપોઝ કર્યું. એ પછી ૨૦૧૧માં લગ્ન કરી લીધાં. અમારાં લગ્ન થયાં ત્યાં સુધી સેટ પર કોઈને ખબર નહોતી કે અમે ડેટ કરી રહ્યાં હતાં. મિહિર અને હું બન્ને બેસ્ટ ફ્રેન્ડ પહેલાં અને પતિ-પત્ની પછી છીએ. અમે લોકો અલગ-અલગ જ સેટ પર આવતાં. ક્યારેય એકબીજાની રૂમમાં નહોતાં જતાં. અમે લોકો સાથે જમવા પણ નહોતાં બેસતાં. લગ્ન પછી પણ અમે સેટ પર એ રીતનું પ્રોફેશનલિઝમ જાળવી રાખેલું. ૨૦૨૦માં અમે એક મરાઠી સિરિયલ વૈજૂ નંબર વન કરેલી. એમાં હું અને મિહિર પતિ-પત્નીનું પાત્ર ભજવતાં હતાં. એમ છતાં સેટ પર તો અમે એક પ્રોફેશનલ ઍક્ટર્સની જેમ જ વર્તતાં હતાં. અમે હંમેશાં પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને અલગ જ રાખી છે. મને મિહિર ગમવા પાછળનું કારણ એ છે કે તે બહુ અદ્ભુત માણસ છે. ઇન્ડસ્ટ્રીમાં કે ક્યાંય પણ કામ કરતાં હોઈએ ત્યારે પુરુષોને આપણે સ્ત્રીઓ વિશે ઊતરતી વાત કરતા સાંભળતા હોઈએ છીએ, પણ મેં મારા હસબન્ડને ક્યારેય કોઈ સ્ત્રી વિશે થોડું પણ ઘસાતું બોલતા સાંભળ્યા નથી. એ તેનું ચારિત્ર અને તેના સંસ્કાર બતાવે છે. આ વસ્તુને લઈને મને તેના પ્રત્યે બહુ માન છે. અમારા બન્ને વચ્ચે એવું હતું કે મિત્ર બનીને જ રહીશું, એકબીજાનો માલિક બનવાનો પ્રયત્ન નહીં કરીએ. તેણે કોઈ દિવસ મારો માલિક બનવાનો પ્રયત્ન નથી કર્યો. કોઈ વસ્તુ માટે મારે તેની પરમિશન લેવાની જરૂર નથી પડતી અને તે ક્યારેય મને કશું પૂછતો પણ નથી. મારા હસબન્ડે માંદગીમાં મારી મમ્મીની સેવા એક દીકરાની જેમ કરી છે. મારું અકાઉન્ટ ખાલી થાય એ રીતના પૈસા મેં સારવારમાં વાપર્યા છે, પણ તેણે કોઈ દિવસ મને પૈસાના મામલે કંઈ પૂછ્યું નથી. ઉપરથી તેણે મને કહેલું કે નીલમ, મારાથી જેટલું બનતું હશે એ હું કરીશ. તે જેટલો સારો પતિ છે એટલો જ સારો પિતા પણ છે. તે મારી ૧૨ વર્ષની દીકરી નિહિરાનું ખૂબ ધ્યાન રાખે છે. દીકરીને ભણાવવાની બધી જ જવાબદારી તેના પર જ છે. દુનિયાના કોઈ પણ ખૂણે તે શૂટ કરતો હોય તો પણ દીકરીને તે સ્ટડી કરાવે. મારી દીકરી અત્યારે ગ્રેડ સેવનમાં છે. તે જ્યારથી બોલતાં શીખી ત્યારથી પાંચ ભાષા એટલે કે ગુજરાતી, કચ્છી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી પર તેનું સારુંએવું પ્રભુત્વ છે. મિહિરની માતૃભાષા કચ્છી છે, જ્યારે મારી ગુજરાતી. એટલે મારી દીકરીને મેં કહી દીધેલું કે તારે મારી લાગણીઓને વાંચવા અને સમજવા ગુજરાતી ભાષા લખતાં-વાંચતાં શીખવું પડશે. હું તેની સાથે ગુજરાતીમાં જ વાત કરું છું. બાકી અંગ્રેજી તો તેમને સ્કૂલ શીખવાડી જ દે છે. મહારાષ્ટ્રમાં ભણે છે એટલે મરાઠી પણ શીખવવામાં આવે જ છે. હું તો માનું જ છું કે આપણે જે રાજ્યમાં રહેતા હોઈએ એની ભાષા આવડવી જ જોઈએ. નિહિરા પાંચ વર્ષની હતી ત્યારથી કથક શીખી રહી છે. બે વર્ષમાં તો તે વિશારદ થઈ જશે. તે ચાર વર્ષની ઉંમરથી ક્લાસિકલ વોકલ પણ શીખી રહી છે.’
જલદી ફાઇવ
હૉબી : ગરબા
અફસોસ : પપ્પાને પપ્પા કહીને બોલાવવાનો મોકો ન મળ્યો. બહુ જલદી જતા રહ્યા.
ઍક્ટર ન હોત તો? : CA હોત
ફિલોસૉફી : ખૂબ મોજ કરો. મનને જે ગમે એ કરો. ચાર લોકો શું કહેશે એની ચિંતા છોડો.
ફોબિયા : મમ્મીને ગુમાવવાનો ડર હતો.