એક દિવસ માટે તેજપાલ ઑડિટોરિયમમાં આજે ખૂલશે બ્યુટી-પાર્લર

12 January, 2025 12:13 PM IST  |  Mumbai | Rashmin Shah

નવા નાટક ઐશ્વર્યા બ્યુટી પાર્લરના પ્રીમિયરને જુદી જ રીતે ઊજવવાના હેતુથી પ્રોડ્યુસર ભરત નારાયણદાસ ઠક્કર અને વિશાલ ગોરડિયા શોના એક કલાક પહેલાં ઑડિટોરિયમમાં જ બ્યુટી-પાર્લર ઊભું કરશે, જેમાં ઑડિયન્સને બ્યુટીની અલગ-અલગ ટ્રીટમેન્ટ ફ્રી મળશે

‘ઐશ્વર્યા બ્યુટી-પાર્લર’માં લીડ રોલમાં રોહિણી હટંગડી છે

એક દિવસ માટે કોઈ બ્યુટી-પાર્લર ખૂલે અને પછી એ કાયમ માટે બંધ થઈ જાય એવું ક્યારેય બને ખરું? હા, આજે બનશે. આજે ઓપન થતા નાટક ‘ઐશ્વર્યા બ્યુટી-પાર્લર’ના પ્રીમિયર સમયે નાટકના પ્રોડ્યુસર ભરત નારાયણદાસ ઠક્કર અને વિશાલ ગોરડિયા તેજપાલ ઑડિટોરિયમમાં સાચુકલું બ્યુટી-પાર્લર ઓપન કરશે, જેનું નામ પણ ઐશ્વર્યા બ્યુટી-પાર્લર છે. મજાની વાત એ છે કે આ પાર્લરમાં ટ્રીટમેન્ટ કરાવતી વખતે એક પૈસો પણ ચૂકવવો નહીં પડે. ત્યાં રાખવામાં આવેલી બધેબધી ટ્રીટમેન્ટ ફ્રી હશે. નાટકના પ્રોડ્યુસર ભરત નારાયણદાસ ઠક્કર કહે છે, ‘અમારા નાટકની થીમને સાર્થક કરવા માટે અમે આ વિચાર કર્યો છે. સામાન્ય રીતે લેડીઝ અમુક ટ્રીટમેન્ટ પોતાના રેગ્યુલર બ્યુટી-પાર્લરમાં જ કરાવતી હોય એટલે અમે એવી ટ્રીટમેન્ટ રાખી છે જે કોઈ પણ કરાવી શકે અને એ પણ ધ્યાન રાખ્યું છે કે જલદીમાં જલદી ટ્રીટમેન્ટ થઈ જાય, જેથી નાટક શરૂ થતાં પહેલાં આવેલા તમામ લોકો એનો લાભ લઈ શકે અને સમયસર નાટક પણ શરૂ થાય.’

આજે સાંજે સાડાસાત વાગ્યે નાટકનો શો શરૂ થાય એ પહેલાં એક કલાક માટે તેજપાલ ઑડિટોરિયમની બહાર આ પાર્લર ખૂલશે જેમાં ચાર બ્યુટિશ્યન હશે અને એ મહિલાઓને હેરસ્ટાઇલથી માંડીને મેંદી, ટૅટૂ, નેઇલ-આર્ટ જેવી બ્યુટી-ટ્રીટમેન્ટ આપશે અને સાથોસાથ મેકઅપ પણ કરી આપશે. એ ઉપરાંત તેજપાલ ઑડિટોરિયમમાં જ મૅજિક મિરર બૂથ પણ બનાવવામાં આવશે અને ઇન્સ્ટન્ટ ફોટો બૂથ પણ રહેશે, જે ફોટો પડાવ્યાની ત્રીસમી સેકન્ડે પ્રિન્ટ આપી દેશે. નાટકના પ્રેઝન્ટર અને નિર્માતા વિશાલ ગોરડિયા કહે છે, ‘આજે સૅલોંમાં કે પાર્લરમાં જાઓ એટલે તમને અલગ-અલગ જાતની ગ્રીન ટી સર્વ કરવામાં આવે છે. આ થીમને ધ્યાનમાં રાખીને અમે આવતી કાલના પાર્લરટાઇમ દરમ્યાન આવનારા ઑડિયન્સને અલગ-અલગ ગ્રીન ટી પણ સર્વ કરીશું અને સાથે તેમને લાઇટ નાસ્તો પણ સર્વ કરીશું. ઑડિયન્સ માટે ‘ઐશ્વર્યા બ્યુટી-પાર્લર’ માત્ર નાટક ન બની રહે, પણ એક એક્સ્પીરિયન્સ બને એટલે અમે બીજાં પણ કેટલાંક ઍટ્રૅક્શન પ્રીમિયર શો પહેલાં રાખ્યાં છે.’

‘ઐશ્વર્યા બ્યુટી-પાર્લર’માં લીડ રોલમાં રોહિણી હટંગડી છે, તો નાટકનું ડિરેક્શન વિપુલ મહેતાનું છે અને નાટકનાં લેખિકા સ્નેહા દેસાઈ છે. સુપરહિટ ફિલ્મ ‘લાપતા લેડીઝ’ પછી આ સ્નેહાનું પહેલું નાટક છે તો ડિરેક્ટર વિપુલ મહેતાનું ડિરેક્ટર તરીકેનું આ ૧૦૦મું નાટક છે.

શું છે નાટકની વાત?

‘ઐશ્વર્યા બ્યુટી-પાર્લર’ ભલે બાહ્ય બ્યુટીનો નિર્દેશ આપે, પણ હકીકતમાં નાટકનો વિષય છે આંતરિક સૌંદર્ય. જો તમે અંદરથી સ્વચ્છ અને ખૂબસૂરત હો તો દુનિયા તમારો સ્વીકાર કર્યા વિના રહે નહીં એ વિચાર પર ચાલતા આ નાટકમાં પાર્લરમાં આવતી અલગ-અલગ વય, દેખાવ અને સામાજિક સ્તરની મહિલાઓના જીવનની વાત છે તથા સૌંદર્યની વર્ષોજૂની વિચારધારા આશીર્વાદ છે કે અભિશાપ એ પ્રશ્ન પણ હળવાશ સાથે કરે છે.

પગમાં ફ્રૅક્ચર થવા છતાં વિપુલ મહેતાએ નાટક ડિરેક્ટ કર્યું

નાટકનાં રિહર્સલ્સને હજી તો માંડ ચારેક દિવસ થયા હતા ત્યાં ડિરેક્ટર વિપુલ મહેતાને અચાનક પગમાં દુખાવો શરૂ થતાં એક્સ-રે કરાવવામાં આવ્યો જેમાં ખબર પડી કે વિપુલ મહેતાને પગમાં ફ્રૅક્ચર છે. વિપુલભાઈને પગમાં પ્લાસ્ટર આવ્યું અને હલનચલન કરવાની ડૉક્ટરે સ્ટ્રિક્ટલી ના પાડી દીધી. ‌નિર્માતા ભરત નારાયણદાસ ઠક્કર કહે છે, ‘અમને હતું કે હવે નાટક બંધ કરવું પડશે, પણ વિપુલભાઈએ અમને ચોખ્ખી ના પાડી દીધી અને આખું નાટક તેમણે વ્હીલચૅર પર બેસીને ડિરેક્ટ કર્યું. શુક્રવારે ગ્રૅન્ડ રિહર્સલ પણ તેમણે વ્હીલચૅરમાં બેસીને જ કરાવ્યું. એકધારા પેઇન વચ્ચે પણ વિપુલભાઈએ જે ‌ડેડિકેશન રાખ્યું એ નાટકમાં તમને સતત જોવા મળશે.’ આજે પ્રીમિયરમાં પણ વિપુલ મહેતા વ્હીલચૅર અને વૉકર સાથે હાજર રહેશે.

Gujarati Natak Gujarati Drama entertainment news dhollywood news