સુપર ડુપર ગુજરાતી ફિલ્મ `મૈયરમાં મનડું નથી લાગતું` ફરી રિલીઝ થઇ રહી છે

04 September, 2025 04:40 PM IST  |  Mumbai | Bespoke Stories Studio

25 વર્ષ પછી ‘મૈયરમાં મનડું નથી લાગતું’ ફરીથી 12 સપ્ટેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે.

વીસ વર્ષમાંથી ફરી એક વાર સિનેમાઘરોમાં મૈયરના વિચારવાળા પલ

2001માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ 52 સપ્તાહ સુધી ચલાવાઈ, હવે 25 વર્ષ બાદ ફરીથી સિનેમાઘરોમાં આવશે.

નવી દિલ્હી [ભારત], સપ્ટેમ્બર:  તાજેતરમાં સિનેમાઘરોમાં બોલિવુડ ફિલ્મ સૈયારાએ ધૂમ મચાવી છે અને ભારે કલેકશન મેળવ્યું છે. પણ આનાથી પણ વધારે ધૂમ મચાવનારી એક ગુજરાતી ફિલ્મ 25 વર્ષ પહેલાં આવી હતી જેનું નામ હતું`મૈયરમાં મનડું નથી લાગતું`. આ ફિલ્મ એટલી સુપર ડુપર રહી હતી કે 52 સપ્તાહ સુધી ચાલી હતી અને હજુ વધારે ચાલી શકે તેમ હતું, પરંતુ બીજી ફિલ્મોને ચાનસ મળે એના માટે આ ફિલ્મ ઉતારી લેવામાં આવી હતી. એ જમાનામાં આ ફિલ્મ જોવા માટે લાઇનો લાગતી અને લોકો બ્લેકની ટિકીટ ખરીદીને ફિલ્મ જોવા જતા.

ફિલ્મ એટલી સંવેદનશીલ બનાવવામાં આવી હતી કે પ્રેક્ષકો ચોધાર આંસુએ રડતા અને છેલ્લાં ક્લાઇમેક્સમાં તો મહિલાઓ બેભાન થઇ જતી હોવાના બનાવો પણ અનેક સિનેમાઘરોમાં બનેલા. હવે ફરી એક વાર આ ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે આવી રહી છે અને 12 સપ્ટેમ્બર 2025ના દિવસે રિલીઝ થવાની છે.

કોઇ ગુજરાતી ફિલ્મને આટલો બધો ઉમળકો, આટલો બધો પ્રેમ અને આટલો બધો પ્રતિસાદ મળ્યો હોય તેવી કદાચ પહેલી ઘટના હતી. ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડયુસર સુરતના જાણીતા સ્ક્રિપ રાઇટર જશવંત ગાંગાણી હતા, ફિલ્મના મુખ્ય કલાકારો હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠી હતા.કેટલાંક લોકપ્રિય ગીતોને અરવિંદ બારોટે અવાજ આપ્યો હતો અને બાળ કલાકાર તરીકે સુરતની કલાકાર તૃષારિકા રાજ્યગુરુએ અભિનય કર્યો હતો. ગાંગાણી ફિલ્મ પ્રોડકશનના નેજા હેઠળ આ ફિલ્મ રજૂ થઇ હતી.

ફિલ્મના ડિરેક્ટર- પ્રોડ્યુસર જશવંત ગાંગાણીએ કહ્યું કે, ઘણા સમયથી સાથી મિત્રો અને મારા નાનાભાઇ રાજ ગાંગાણી સાથે ચર્ચા થતી હતી કે`મૈયરમાં મનડું નથી લાગતું` ફરી રિલીઝ કરવી જોઇએ. કારણકે ફિલ્મની જે સ્ટોરી છે એ આજના સમયમાં પણ એટલી જ અપીલ કરે તેવી છે. જશવંત ગાંગાણીએ કહ્યુ કે ફિલ્મનો પ્લોટ એવો છે કે રામ (હિતેન કુમાર) અને રતન ( આનંદી ત્રિપાઠી) બંને પ્રેમમાં પડે છે અને લગ્ન વખતે જ રામના મોંમાંથી લોહી પડે છે અને ખબર પડે છે કે, રામને કેન્સર છે. લગ્ન અધૂરા રહી જાય છે. પરંતુ રતનને રામ પ્રત્યે એટલો અનહદ પ્રેમ હોય છે એટલે રતનની રાહ જોતી હોય છે. તેને ભગવાનમાં આસ્થા હોય છે એટલે રામનું કેન્સરનું ઓપરેશન સફળ થાય છે અને સ્ટોરીનો અંત સુખદ આવે છે. આ ફિલ્મને કારણે અનેક પરિવારો તુટતા બચી ગયા છે. અમે 12 સપ્ટેમ્બરે`મૈયરમાં મનડું નથી લાગતું` ફરી રિલીઝ કરી રહ્યા છે.

ફિલ્મના મુખ્ય કલાકાર હિતેન કુમારે કહ્યુ કે, 25 વર્ષ પછી ફરી અમારી ફિલ્મ રિલીઝ થઇ રહી છે ત્યારે કોરાણે પડેલી યાદો ફરી તાજી થઇ ગઇ છે. સાથો સાથ અનહદ ખુશી પણ થઇ રહી છે. શૂંટીગ વખતે લગભગ દોઢ મહિનો અમે બધા સાથે રહીને મોજ કરી હતી એ વાતો યાદ આવી ગઇ. હિતેન કુમારે કહ્યુ કે, "મૈયરમાં મનડું નથી લાગતું"ને રજૂ થયાને ૨૫ વર્ષના વહાણા વીત્યા, પણ હજી પણ એટલી જ તરોતાજા છે આપણા સૌના હૃદયમાં.

આનંદી ત્રિપાઠી મધ્ય પ્રદેશના ઇંદોરમાં જન્મેલી છે અને તેને ગુજરાતી આવડતું નહોતું, પરંતુ તેની ફિલ્મમાં પસંદગી થઇ અને એ પછી તો તેણીએ 17 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું. આનંદીએ કહ્યું કે, બહુ ખુશીની વાત છે કે 25 વર્ષ પછી પડદા પર અમારી ફિલ્મ પાછી આવી રહી છે. ખરેખર આ ફિલ્મમાં કામ કરવાની એક અલગ મજા આવી હતી.

તૃષારિકા રાજ્યગુરુએ આ ફિલ્મમાં રતનની ભત્રીજી સોનલ તરીકે બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી. તૃષારિકા આજે તો યુવાન કલાકાર બની ગઇ છે. તૃષારિકાએ કહ્યુ કે, હું આ ફિલ્મમાં બાળ કલાકાર હતી એટલે બધા મારી સાથે બહુ સારુ રાખતા મને સાચવતા અને મારી સાથે મસ્તી પણ કરતા. મને એવી ઇચ્છા છે કે જશવંત ગાંગાણી ફરી આ ફિલ્મ બનાવે અને અને મને રતનનો રોલ ભજવવાની તક મળે.

અરવિંદ બારોટે કહ્યુ કે,આ ફિલ્મના ગીતો ગુજરાતી સંસ્કૃતિ, પ્રેમ અને પારિવારિક ભાવનાઓને પ્રતિબિંબિત કરે છે. ગીતો એટલા બધા લોકપ્રિય થયા હતા કે આજે પણ યુટયુબ પર લોકો સાંભળી રહ્યા છે. જશવંત ગાંગાણીને અભિનંદન આપવા માગું છે કે તેઓ આ જોરદાર ફિલ્મ ફરી લાવી રહ્યા છે.

gujarati film review hiten kumar gujarati film dhollywood news entertainment news regional cinema