એવું નાટક જે દરેક મહિલાએ જોવું, જોવું અને જોવું જ જોઈએ

09 March, 2024 09:24 AM IST  |  Mumbai | Ruchita Shah

સ્ત્રીઓના જીવનના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરતા અને છેક ત્રીસ વર્ષ પહેલાં અમેરિકામાં જેની શરૂઆત થઈ હતી એવા ‘ધ વજાઇના મોનોલૉગ્સ’ નામના નાટકનું ગુજરાતીકરણ થયું છે, જેનો પહેલો શો આજે તેજપાલમાં ભજવાશે

નાટકનો સીન

જરાક વિચાર કરો કે કોઈ એક નાટક અમેરિકામાં બને અને ત્રીસ વર્ષ સુધી લાગલગાટ એ દુનિયાના વિવિધ દેશોમાં ભજવાય. એને જોઈને એક ભારતીય મહિલા એનાથી પ્રભાવિત થાય અને ભારતમાં એને ભજવવાનું શરૂ કરે અને અહીં પણ બાવીસ વર્ષમાં સેંકડો શો ભજવાય અને એનું વિવિધ ભાષામાં ભાષાંતર કરીને એને જનતા સુધી પહોંચાડવાની જરૂરિયાત જણાય તો એ નાટકમાં કંઈક તો હોવાનું જ.

આપણે વાત કરી રહ્યા છીએ સ્ત્રીઓના અસ્તિત્વની અને તેની સામે ઊભા થયેલા પ્રશ્નોની અદ્ભુત છણાવટ કરતા નાટક ‘ધ વજાઇના મોનોલૉગ્સ’ની. અમેરિકન નાટ્યસર્જક ઈવ એન્સલરે ૧૯૯૬માં લખેલું નાટક આજ સુધી વિવિધ પડદાઓ પર ભજવાઈ રહ્યું છે અને ક્યાં સુધી એ ભજવાતું રહેશે એ કહેવું મુશ્કેલ છે. ભારતમાં આ નાટક લઈ આવવાનું શ્રેય જાય છે પુઅર બૉક્સ પ્રોડક્શન હાઉસ હેઠળ મહિમાલક્ષી નાટક બનાવતાં મહાબાનુ મોદી-કોતવાલ અને તેમના દીકરા કૈઝાદ કોતવાલને. ૨૦૦૩માં પહેલી વાર ભારતમાં અંગ્રેજી ભાષામાં જ આ નાટકનો પહેલો શો થયો. એ પછી એનું હિન્દી વર્ઝન આવ્યું અને હવે ભારતમાં આ નાટકની બાવીસમી વર્ષગાંઠ નિમિત્તે એની ગુજરાતી આવૃત્તિ પણ તૈયાર છે જેનો અનુવાદ કર્યો છે જાણીતાં લેખિકા અને પત્રકાર ચિરંતના ભટ્ટ અને મહાબાનુ મોદી-કોતવાલે. મહાબાનુ સાથે કૃતિકા દેસાઈ, આરજે દેવકી, ઍક્ટ્રેસ સ્વાતિ દાસ અને ગિરિજા ઓક આ પ્લેમાં કામ કરી રહ્યાં છે.

જરૂર શું પડી?

ભારતમાં જેના હજારથી વધુ શો થઈ ચૂક્યા છે એવા નાટકમાં એેવું તે શું ખાસ છે એનો જવાબ આપતાં કૈઝાદ કોતવાલ કહે છે, ‘દુનિયાની બસ્સોથી વધુ મહિલાઓના ઇન્ટરવ્યુ લઈને તેમની સમસ્યાઓને આ નાટક દ્વારા વાચા આપવાનું કામ ‘પ્લેરાઇટર ઈવે કર્યું જે હવે પોતાને તખલ્લુસ Vથી જ ઓળખાવે છે. આ નાટક જ્યારે અમે પહેલી વાર અમેરિકામાં જોયું ત્યારે લાગ્યું કે આ તો દરેકેદરેક સ્ત્રીની વાત છે. દેશ, રંગ, ઉંમર, ગરીબ, અમીર જેવા કોઈ ભેદ મહિલાઓની અમુક સમસ્યામાં આડા આવ્યા નથી. દરેક સ્ત્રી પોતાને જેની સાથે સાંકળી શકે અને સમજી શકે એવી વાતો અવેરનેસની દૃ​ષ્ટિએ પણ મહત્ત્વની છે એવું આ પ્લે જોતાં અમને લાગ્યું અને અમે એને ભારતમાં લઈ આવ્યા. સ્કૂલો, કૉલેજો, ઝૂંપડપટ્ટીની મહિલાઓ સહિત ઘણી જગ્યાએ મહિલાઓ સુધી આ વાત પહોંચાડી શકાય એ માટે અમે હિન્દી વર્ઝન લાવ્યા અને હવે ગુજરાતી વર્ઝન લાવ્યા છીએ, કારણ કે પારસી હોવાના નાતે ગુજરાતી અમારી માતૃભાષા પણ છે અને ગુજરાતી કમ્યુનિટી પ્રોગ્રેસિવ હોવાના નાતે આ વિષયની ગંભીરતા સમજી પણ શકશે.’

શું છે ખાસ?

આ નાટકમાં પાંચ મહિલાઓ સ્ટેજ પર બેસીને મહિલાઓના જીવન સાથે સંકળાયેલાં વિવિધ પાસાંઓને સ્ટોરી ફૉર્મેટમાં અભિવ્યક્ત કરે છે. કૈઝાદ કહે છે, ‘ફિઝિકલ, ઇમોશનલ, સોશ્યલ, કલ્ચરલ જેવા દરેક મોરચે મહિલાઓએ પડકારો સહેવાના છે. તેઓ ખૂલીને પોતાની વાત કરી જ ન શકે એ કેવું કહેવાય? મહત્ત્વની વાત એ છે કે એ પ્રકારની સિસ્ટમ જ ડેવલપ કરવામાં આવી છે જેમાં તેનું શોષણ થાય અને છતાં જેને નૉર્મલ જ કહેવાય. જેમ કે પેરન્ટ્સ લગ્ન પછી પોતાની દીકરીને સોંપી દે કે દાન કરે એ વાત સાંભળવામાં કેવી લાગે? પણ લગભગ દરેક જગ્યાએ એને સિસ્ટમૅટિકલી નૉર્મલાઇઝ કરી દેવામાં આપી છે. અન્યથા દીકરીનું દાન કરો કે તેને સોંપી દો જેવી ભાષાનો પ્રયોગ જ કેવી રીતે થાય? તે કોઈ વસ્તુ થોડી છે કે તમે દાન કરો કે સોંપી શકો? મૅ​રિટલ રેપ, તમારા શરીર પ્રત્યે આદરભાવ કેળવો જેવા ઘણા પ્રશ્નો એમાં આવશે અને છેલ્લે મેસેજ એ હશે કે સ્ત્રીત્વ એક ભેટ છે, એને માણો, એના પ્રત્યે આદર રાખતાં શીખો અને ખોટું થતું હોય ત્યારે એનો વિરોધ કરવાની દિશામાં જાગૃત બનો. અત્યારે તો અમે માત્ર શરૂઆત કરી છે, પણ ગુજરાતનાં વિવિધ શહેરોમાં જઈને અમારે આ નાટકના શો કરવા છે.’

તમારે જોવું છે આ નાટક?

આજે એટલે કે નવમી માર્ચે તેજપાલ ઑડિટોરિયમમાં ગુજરાતી ભાષાનો પહેલો શો સાંજે સાડાસાત વાગે ભજવાશે. એ પછી પંદરમી માર્ચે નટરાણી થિયેટરમાં અમદાવાદમાં એક શો યોજાશે.

Gujarati Natak Gujarati Drama dhollywood news entertainment news ruchita shah