કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહના

25 April, 2026 06:59 PM IST  |  Mumbai | Jigisha Jain

‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ના રોસેશના પાત્ર તરીકે જાણીતા રાજેશ કુમારે થોડા સમય પહેલાં ખેતી કરવા માટે ઍક્ટિંગ છોડી હતી, પણ ખેતીમાં મોટું નુકસાન જતાં તેઓ બે કરોડ રૂપિયાના દેવામાં આવી ગયા હતા..

રાજેશ કુમાર

‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ના રોસેશના પાત્ર તરીકે જાણીતા રાજેશ કુમારે થોડા સમય પહેલાં ખેતી કરવા માટે ઍક્ટિંગ છોડી હતી, પણ ખેતીમાં મોટું નુકસાન જતાં તેઓ બે કરોડ રૂપિયાના દેવામાં આવી ગયા હતા. આ આખા બનાવ વિશે ઇન્ટરનેટ પર ઘણી જુદી-જુદી વાતો અને વાર્તાઓ જોવા મળી રહી છે ત્યારે એના પ્રતિભાવમાં ૫૧ વર્ષના રાજેશ કુમાર કહે છે કે કુછ તો લોગ કહેંગે. આ વાતોથી જરાય અસરગ્રસ્ત ન થનાર રાજેશ કુમાર એવા જૂજ ઍક્ટર્સમાંના એક છે જેમણે ઇચ્છ્યું ત્યારે કામ છોડ્યું અને ફરી ઇચ્છા કરી ત્યારે તેમને કામ તો મળ્યું જ, પણ જે કરતા હતા એનાથી વધુ સારું મળ્યું. આજે જાણીએ આ જાણીતા ઍક્ટર વિશે કેટલુંક જાણવા જેવું...

રોસેશ સારાભાઈ તથા બીજાં ઘણાં કૉમેડી પાત્રોથી અત્યંત જાણીતા બનેલા ટીવી-ઍક્ટર અને આજકાલ OTT પર નકારાત્મક રોલ કરીને ખાસ્સી પ્રસિદ્ધિ મેળવી રહેલા ઍક્ટર રાજેશ કુમાર વિશે ઇન્ટરનેટ પર જશો તો અઢળક વાતો અને વાર્તાઓ મળી આવશે. ખાસ કરીને તેમણે પસંદ કરેલા ઍક્ટિંગ સિવાયના પ્રોફેશન ખેતી વિશેના તેમના પ્રયાસો, તેમણે લીધેલી લોન અને તેમને એમાં મળેલા ફેલ્યરના ઘણા કિસ્સાઓના લોકોએ પોતપોતાનાં વર્ઝન ઇન્ટરનેટ પર મૂક્યાં છે. કોઈએ કહ્યું કે એક ઍક્ટર એટલો ગરીબ થઈ ગયો કે સ્કૂલની બહાર શાક વેચવા બેઠો હતો. એ ખરેખર એવું હતું કે બાળકોને તેઓ ખોરાક અને ઑર્ગેનિક ફાર્મિંગ વિશે જાણકારી આપવા માગતા હતા. એક એવો સંદેશ પણ આગલી પેઢીને મળે કે કોઈ પણ કામ નાનું નથી એટલે સ્ટ્રૅટેજિકલી એજ્યુકેશન પર્પઝ સાધવા માટે આ પ્લાન થયું હતું અને એને કોઈ બીજો રંગ દેવામાં આવ્યો. ખેતીને કારણે તેમના માથે ઘણી મોટી લોન હતી અને એ ચૂકવવા માટે તેમણે તેમની જૂની ગાડી વેચવી પડી. એટલે જ્યારે તે રિક્ષાથી ટ્રાવેલ કરવા લાગ્યા ત્યારે લોકોએ કહ્યું કે બિચારો, ખેતીના ચક્કરમાં ગરીબ થઈ ગયો એટલે રિક્ષા વાપરવી પડી રહી છે. થોડા સમય પહેલાં રિલીઝ થયેલી તેમની ‘સૈયારા’ ફિલ્મ હિટ ગઈ અને એ પછી તેઓ રિક્ષામાં આવ્યા ત્યારે લોકોએ કહ્યું કે કેટલો ‘ડાઉન ટુ અર્થ’ માણસ છે. આ વાત પર હસી દેતાં રાજેશ કુમાર કહે છે, ‘કુછ તો લોગ કહેંગે. ઇન્ટરનેટ ફ્રી છે. લોકોના વિચારો પણ ફ્રી છે. દરેક વ્યક્તિ પોતાના પૉઇન્ટ ઑફ વ્યુ પ્રમાણે વિચારે છે અને વાત કરે છે જેમાં મને કશું ખોટું લાગતું નથી. મારા માટે ઍક્ટિંગ અને ખેતી બન્ને એક એક્સ્પ્લોરેશન કે પ્રયાસથી વધુ નથી. બન્ને વસ્તુ કરવાની મજા આવશે એમ વિચારીને મેં એ કર્યું છે. એકમાં સફળતા મળી, એકમાં નહીં. જોકે મને સંતોષ એ વાતનો છે કે કોઈ પણ વસ્તુ ટ્રાય કરવા માટે મને સુરક્ષા નામની બેડીઓ જકડતી નથી. પૈસા કમાવા જરૂરી છે, પણ એ જ જીવનનું લક્ષ્ય ન હોઈ શકે. માણસ તરીકે આપણે જન્મ લીધો છે તો જુદી-જુદી વસ્તુઓના અનુભવો લેતા રહેવું ખૂબ જરૂરી છે એમ હું માનું છું.’

કરીઅર 
રાજેશ કુમારે અઢળક ટીવી-સિરિયલોમાં કામ કર્યું છે. તેમણે ‘યમ કિસી સે કમ નહીં’, ‘કૉમેડી સર્કસ’, ‘કૉમેડી સર્કસ કાંટે કી ટક્કર’, ‘કૉમેડી દંગલ’માં કરેલી કૉમેડી યાદગાર ગણાય છે. આ ઉપરાંત OTT પ્લૅટફૉર્મ પર તેમની ‘ફ્રીડમ ઍટ મિડ-નાઇટ’, ‘કોટા ફૅક્ટરી’, ‘યે મેરી ફૅમિલી’ જેવી સિરીઝ ખાસ્સી પૉપ્યુલર થઈ હતી. ફિલ્મોની વાત કરીએ તો તેમણે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’, ‘હડ્ડી’, ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’, ‘બિન્ની ઍન્ડ ફૅમિલી’, ‘સૈયારા’, ‘રાવતુ કા રાઝ’, ‘નિશાનચી’, ‘મન્નુ ક્યા કરેગા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

બાળપણ 
રાજેશ કુમાર બિહારના ગયાજીના વતની છે. તેમનો જન્મ અને સ્કૂલિંગ ત્યાં થયું. રાજેશની બે મોટી બહેનો હતી. ૯૦ના દશકની શરૂઆતમાં બિહારનો માહોલ ઘણો જુદો હતો. એ વિશે વાત કરતાં રાજેશ કુમાર કહે છે, ‘એ સમયે બિહારમાં અપહરણના કેસ ઘણા વધુ હતા. મારી બહેનો તો ત્યાં જ હતી, પણ મારી સેફ્ટી માટે પપ્પાએ વિચાર્યું કે મને દેહરાદૂનની હૉસ્ટેલમાં ભણવા મૂકે. ગયાજીમાં હું એકદમ પ્રોટેક્ટેડ રીતે ઊછરેલો, પણ દેહરાદૂન જઈને મારી દુનિયા વિશાળ બની. ત્યાંની દરેકેદરેક પ્રવૃત્તિમાં હું આગળ રહ્યો. સ્પોર્ટ્સ, નાટક, ડિબેટ દરેકમાં હું રહેતો. આમ તો પહેલું નાટક મેં પ્લેસ્કૂલમાં કરેલું અને એ દિવસથી એક વસ્તુ નક્કી હતી કે મારી અંદર સ્ટેજ-ફિયર જેવું કશું હતું જ નહીં. દેહરાદૂન સમયે હું બાસ્કેટબૉલ સારું રમતો એટલે નૅશનલ્સ સુધી રમવા પણ ગયેલો. જોકે આ બધામાં મારે શું બનવું છે એવું કંઈ મેં વિચાર્યું જ નહોતું. મને જે ગમતું એ હતું લાઇમ-લાઇટ. આ બધું કરવાથી પૉપ્યુલર રહી શકાય છે એ વાત મને ખૂબ ગમતી. એ કારણ મને ખૂબ આકર્ષતું એટલે હું આ પ્રવૃત્તિઓમાં જોડાતો. ભણવામાં હું ઍવરેજ હતો.’

કૉલેજની ઓળખ 
એ પછી દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કૉલેજમાં તેમણે હિસ્ટરીમાં બૅચલર્સ કર્યું. કૉલેજમાં પણ તેઓ ઘણા પૉપ્યુલર હતા. પહેલા જ વર્ષમાં એક રૅમ્પ-શો યોજાયેલો જેમાં તેમણે રાહુલ દેવ (જાણીતા મૉડલ) જે એ સમયે તેમની કૉલેજમાં જ હતા તેમની સાથે ભાગ લીધો હતો. એ યાદ કરતાં તેઓ કહે છે, ‘રાજેશ કુમાર નામ આમ જોઈએ તો ઘણું કૉમન છે એટલે એ સમયે હિન્દુ કૉલેજમાં એ રૅમ્પ-શોને કારણે મારું નામ રાજેશ મૉડલ પડી ગયું હતું. મારા સિનિયર્સ અને હું પાસ-આઉટ થયો ત્યાં સુધી કે એ પછીના જુનિયર્સ માટે પણ હું રાજેશ મૉડલ જ રહ્યો. એ જ મારી ઓળખ હતી. વર્ષો પછી હાલમાં જ હમણાં ‘પાતાલલોક’ના પ્રોડ્યુસર સુદીપ શર્મા સાથે ઍમૅઝૉન પ્રાઇમ પરની નવી સિરીઝ માટે મારી મુલાકાત ગોઠવાઈ. હું મળ્યો ત્યારે તેણે મને ‘રાજેશ મૉડલ સર’ તરીકે સંબોધ્યો. મેં તેને પૂછ્યું કે હિન્દુ કૉલેજ? તેણે કહ્યું કે હું તમારાથી બે વર્ષ જુનિયર હતો. એ પછી તો અમે ખૂબ ગપ્પાં માર્યાં. આટલાં વર્ષે પણ લોકો એ જ ઓળખથી યાદ કરે એટલે મજા તો પડે જ.’

ઍક્ટિંગની શરૂઆત 
હિસ્ટરીની ડિગ્રી સાથે એ સમયે બે પ્રકારના કરીઅર-ઑપ્શન હતા તેમની પાસે જેમાં એક યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) હતું અને બીજું જર્નલિઝમ. માસ કમ્યુનિકેશન ભણી શકાય એમ છે એવો વિચાર ચાલી રહ્યો હતો ત્યારે રાજેશની મોટી બહેન અને જીજાજી મુંબઈ શિફ્ટ થયાં. રાજેશ કુમાર કહે છે, ‘એ સમયે દીદી પ્રેગ્નન્ટ હતી. જીજાજી કામમાં વ્યસ્ત રહેતા એટલે મને કહેવામાં આવ્યું કે તું એક-બે મહિના દીદીનું ધ્યાન રાખવા મુંબઈ આવી જા. તેઓ ગોરેગામમાં રહેતાં હતાં એ સમયે અને આજની તારીખે પણ હું અહીં જ રહું છું. એ લોકો તો મુંબઈ છોડીને અમેરિકા જતાં રહ્યાં, પણ મેં મુંબઈ ન છોડ્યું. એ સમયે અમારી સોસાયટીમાં હું ટીવી-ઍક્ટર હર્ષ ખુરાનાને મળ્યો. હર્ષ એ સમયે નાટકો કરતો હતો અને મેં તેને ક્રાઇમ પૅટ્રોલમાં ખૂબ જોયેલો. મેં તેને કહ્યું કે મેં પણ નાટકો કર્યાં છે, મને એમાં રસ છે. તો એ સમયે તેમનું એક નાટક ચાલી રહ્યું હતું ભવન્સમાં. એનાં રિહર્સલમાં આવવા કહ્યું. હું દરરોજ એમાં જતો. એક દિવસ એક કલાકાર ગેરહાજર હતો જેની જગ્યાએ મને કામ કરવાની તક મળી અને એ લોકોને મારું કામ ગમી ગયું તો એ જગ્યાએ મને જ તેમણે રાખી લીધો. ૧૯૯૮નો આ સમય હતો. હું બાવીસ વર્ષનો હતો. પહેલી વાર પ્રોફેશનલ પ્લે કર્યો. એનો અનુભવ એટલો અદ્ભુત રહ્યો કે મેં નક્કી કરી લીધું કે આપણે તો આ જ કામ કરવું છે. એ પહેલા નાટકમાંથી હું એક દિવસના ૧૦૦૦ રૂપિયા કમાયો હતો. એ પછી બીજું નાટક મળ્યું એમાં આ આંકડો ૨૫૦ રૂપિયાનો થઈ ગયો હતો. એ સમયે સાચું કહું તો ખર્ચો જ ત્રણથી પાંચ હજાર રૂપિયા હતો એટલે મને લાગ્યું કે આટલું તો થઈ રહેશે. મજા એ વાતની હતી કે કામ સરસ હતું.’

પરિવાર 
એ પછી ધીમે-ધીમે કામ મળતું ગયું અને કરતા ગયાના હિસાબે ૨૦૦૪ સુધીમાં તો ખાસ્સી પ્રસિદ્ધિ મળી ગઈ હતી. એ સમયે તેમની પાસે મહિનાના ૪ પ્રોજેક્ટ હતા. ૨૦૦૨માં એક શૂટિંગ દરમ્યાન ઍક્ટ્રેસ માધવી ચોપડા સાથે તેમની મુલાકાત થઈ જે પાછળથી પ્રેમમાં પરિણમી અને બે વર્ષના અંતરાલ પછી તેમણે લગ્ન કરી લીધાં. માધવીનાં મમ્મી-પપ્પાનાં પોતાનાં જ લવ-મૅરેજ હતાં એટલે તેમના ઘરમાં કોઈ તકલીફ નહોતી થઈ, પણ રાજેશના ઘરમાં પ્રૉબ્લેમ આવી શકે એમ હતો એટલે તેમણે પહેલાં તેમની બન્ને બહેનો અને જીજાજીઓને પટાવ્યાં. પછી તેમણે મમ્મી-પપ્પાને મનાવ્યાં. રાજેશ અને માધવીના બે દીકરાઓ છે અહાન અને વ્યાન. એક ૧૫ વર્ષનો અને બીજો ૧૮ વર્ષનો છે. તેમને રાજેશે સીધી ‘ના’ પાડી દીધી છે કે ઍક્ટિંગને કરીઅર તરીકે લેવી નહીં. એ વિશે રાજેશ કહે છે, ‘હું ઇચ્છું છું કે મારાં બાળકો આ કામ ન કરે. તેઓ ભરપૂર મહેનત કરીને ૪૦ વર્ષ સુધી કમાઈ લે અને પછી રિટાયર થઈ જાય. જીવનમાં ઘણુંબધું છે કરવા માટે. આ એક જ કામ નથી.’

અનુભવો મેળવવા જરૂરી 
૨૦૧૭ના ઑક્ટોબર મહિનામાં ઍક્ટર રાજેશ કુમારે નક્કી કર્યું કે ઍક્ટિંગ છોડીને ખેતી કરવી છે. તેઓ ખેડૂતના દીકરા છે એટલે ખેતી સાથે લગાવ હોય એ સહજ છે, પણ ૪૨મા વર્ષે કરીઅર ચેન્જ કરવાનો વિચાર ધારીએ એટલો સરળ નથી. જોકે મનની ઇચ્છા એટલી તીવ્ર હતી કે આ અઘરું સ્ટેપ લેવું સરળ બની ગયું. એ વિશે વાત કરતાં રાજેશ કુમાર કહે છે, ‘મારા પિતા ખેડૂત છે. તેમણે તેમનું જીવન જે રીતે જીવ્યું છે એ અમારા માટે હંમેશાં પ્રેરણારૂપ રહ્યું છે. તેઓ ૪૦ વર્ષે રિટાયર થઈ ગયા હતા. જે પ્રકારનું જીવન આપણે જીવતા રહ્યા હોઈએ એવું જ જીવ્યે રાખવું એવું હોતું નથી. એમાં બદલાવ સહજ છે. મારી બે મોટી બહેનો છે. એક અમેરિકા અને બીજી ફિનલૅન્ડ પરણીને સ્થાયી થઈ હતી. એમાંથી મોટી બહેન અમેરિકા છોડીને બિહારના ગામડે રહેવા આવી ગઈ છે અને ત્યાં રહીને ખેતી સંભાળે છે. આ નિર્ણય તેણે મારા ખેતીના અનુભવ પછી લીધો. એટલે એવું પણ નથી કે મને નુકસાન થયું એ સાંભળીને તેનો નિર્ણય કંઈ બદલાયો હોય. મારી બીજી બહેન પણ એ જ રસ્તે છે. ૮૪ લાખ યોનિમાંથી પસાર થઈને જ્યારે મનુષ્યજન્મ લીધો છે તો જીવનનો સંપૂર્ણ અનુભવ કરવો જરૂરી છે. જેટલું તમે કરી શકવા સમર્થ હો એ બધું જ કરવું જોઈએ એમ હું માનું છું.’

કામનું ગણિત 
ખેતી જેવું કામ પાર્ટટાઇમ ન થઈ શકે એટલે ૨૦૧૭થી ૨૦૨૧ જુલાઈ સુધી તેમણે ઍક્ટિંગ છોડીને ખેતી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ૨૦૨૧માં તેમણે ફરી ઍક્ટિંગ કરવા ઇચ્છી. ઇન્ડસ્ટ્રી ઇચ્છો ત્યારે છોડી શકો અને ઇચ્છો ત્યારે ફરીથી કામ મળવા લાગે એટલી સરળ તો નથી. જોકે રાજેશ કુમાર માટે એ ખાસ અઘરું સાબિત થયું નહીં. એ વિશે વાત કરતાં રાજેશ કુમાર કહે છે, ‘અહીં કોઈ સગાવાદ ચાલતો નથી. તમે હામાં હા મેળવો કે માખણ લગાડો એનાથી પણ કશું થતું નથી. અહીં ફક્ત કામ બોલે છે. તમને કામ કરતાં આવડે છે તો કામ તમને મળશે. ૨૦૨૧ પહેલાંનું મારું કામ ટીવી પર જ મુખ્ય હતું. પાછો આવ્યો ત્યારે મેં ફિલ્મો અને OTT પર કામ શરૂ કર્યું. ઊલટું હું ઘણું વધુ સારું કામ કરી શક્યો. આ વર્ષે જ બીજા ૬ પ્રોજેક્ટ મારા રિલીઝ થવા પર છે એટલે હું ઘણો ખુશ છું. આમ જ સારાં-સારાં પાત્રો કરતો રહેવા માગું છું. આ કામને કારણે મારી લોન પણ હવે ચૂકવાઈ જવામાં છે. કહી શકું કે હાથી નીકળી ગયો છે, હવે પૂંછડી બચી છે.’

 શોખ : મને નવું-નવું જાણવા-સમજવાનો ખૂબ શોખ છે. પ્રકૃતિ સાથે જીવવું મને ખૂબ ગમે છે. ટ્રાવેલ કરવું પણ ગમે છે. હું લોકોને પણ કહેતો હોઉં છું કે લગેજ સાથે ટ્રાવેલ કરો, બૅગેજ સાથે નહીં. આ રીતે કહું તો જીવી લેવું મને ખૂબ ગમે છે.
 
 બકેટ લિસ્ટ : મને એવું છે કે લોકોને હું તેમના અન્ન પ્રત્યે જાગૃત કરું. આ વર્ષના અંત સુધીમાં હું મિલેટ્સ વિશે જાગરૂકતા ફેલાવવા માગું છું. આપણે ત્યાં સ્કૂલમાં જતાં બાળકોને પૂછો કે ટમેટું કેટલા દિવસમાં ઊગે તો એ તેમને નથી ખબર. તમને ખબર હોવી જોઈએ કે તમે જે ખાઓ છો એ ઊગે છે કઈ રીતે. આ વિષયમાં જાગૃતિ ફેલાવવા ઇચ્છું છું.

 અફસોસ : મને ક્યારેય કોઈ વાતનો અફસોસ થતો નથી. હું દરેક અનુભવને એક લર્નિંગની રીતે જોઉં છું એટલે મારી પાસે અફસોસ છે નહીં. છે તો બસ લર્નિંગ. 

 ઍક્ટિંગ કેમ ગમે? : ઍક્ટિંગ મને અઢળક વસ્તુઓ શીખવે છે. ‘ફ્રીડમ ઍટ મિડનાઇટ’ના શૂટિંગ વખતે મને પાકિસ્તાનના પહેલા પ્રધાનમંત્રી લિયાકત અલી ખાન બનવાનો મોકો મળ્યો.
જયપુરમાં સેટ હતો. ૫૦ ડિગ્રી ગરમીમાં એકદમ જાડી શેરવાની અને માથે ઊનની ટોપી પહેરીને શૂટિંગ કરતી વખતે મને અહેસાસ થયો કે હું આ પણ કરી શકું છું. આ પ્રોફેશનમાં રહીને હું ખુદને જુદી રીતે ઓળખી શક્યો છું.

 ખેતી કેમ ગમે? : ખેતી મારી અંદરથી આવેલો અવાજ છે જેને ફૉલો કરીને હું આ કામ કરી રહ્યો છું. એમાં પણ હું ઘણું શીખ્યો છું અને ઘણું શીખતો જઈ રહ્યો છું. આ કામ મને ધરતી સાથે જોડે છે એની જુદી મજા છે. 

rajesh kumar dhollywood news gujarati community news gujaratis of mumbai entertainment news