18 January, 2026 04:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વૈશલ શાહ
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા એક દાયકામાં જે પરિવર્તન અને વ્યાવસાયિક સફળતા જોવા મળી છે, તેના કેન્દ્રમાં વૈશલ શાહનું નામ પણ આગળ આવ્યું છે. સતત હિટ ફિલ્મો આપીને અને નવા સ્ટાર્સને સ્થાપિત કરીને વૈશલ શાહ આજે ‘કિંગ મેકર’ અને ‘ધ હિટ મૂવી મેકર’ તરીકે ઓળખાય છે. મજબૂત કન્ટેન્ટ, ચુસ્ત માર્કેટિંગ અને સ્પષ્ટ વિઝનના સંયોજનથી તેમણે ગુજરાતી સિનેમાને માત્ર રાજ્યની સીમામાં નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
10 નવેમ્બર, 1984ના રોજ અમદાવાદમાં જન્મેલા વૈશલ શાહે દિવાન બલ્લુભાઈ શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું અને ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કર્યો. પરિવારનો સિંગલ સ્ક્રીન થિયેટર વ્યવસાય હોવા છતાં, પિતાની ઈચ્છા વિરુદ્ધ જઈ તેમણે ફિલ્મ પ્રોડક્શનને કારકિર્દી તરીકે પસંદ કરી. સ્કૂલ સમયથી મિત્ર રહેલા કૃષ્ણદેવ યાજ્ઞિક સાથેની મિત્રતાએ તેમને ફિલ્મોની દુનિયા તરફ વધુ આકર્ષિત કર્યા.
2015માં રિલીઝ થયેલી ‘છેલ્લો દિવસ’ ફિલ્મે ગુજરાતી સિનેમાને નવા ચહેરા આપ્યા અને બૉક્સ ઑફિસ પર મોટી સફળતા મેળવી. આ ફિલ્મ બાદ વૈશલ શાહ ‘હિટ મૅન’ તરીકે ઓળખાવા લાગ્યા. તેમનું માનવું છે કે સારી ફિલ્મ બનાવવી જેટલું જ મહત્ત્વપૂર્ણ છે, તેને યોગ્ય રીતે પ્રેક્ષકો સુધી પહોંચાડવી. આ વિચારસરણીને કારણે તેમણે માર્કેટિંગ, ઑન-ગ્રાઉન્ડ પ્રમોશન અને ડિજિટલ પ્લેટફોર્મ્સનો વ્યૂહાત્મક ઉપયોગ કરીને ફિલ્મોને વ્યાપક સફળતા અપાવી.
વૈશલ શાહના બૅનર હેઠળ બનેલી ફિલ્મોમાં છેલ્લો દિવસ (2015), કરસંદાસ પે એન્ડ યુઝ (2017), શું થયું? (2018), ચહેરે (2021), ફક્ત મહિલાઓ માટે (2022), 3 એક્કા (2023) અને ફક્ત પુરુષો માટે (2024) જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ખાસ કરીને ફક્ત મહિલાઓ માટે ફિલ્મ દ્વારા અમિતાભ બચ્ચનનું ગુજરાતી સિનેમામાં ડેબ્યુ કરાવવું એ તેમની કારકિર્દીનું મહત્વપૂર્ણ સિદ્ધિરૂપ પગલું ગણાય છે.
2025માં રિલીઝ થયેલી ‘ચણિયા ટોળી’ વૈશલ શાહની કારકિર્દીનો મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન બની છે. બૅન્ક હાઈસ્ટ પર આધારિત આ ફિલ્મે ગુજરાત ઉપરાંત વિદેશમાં વસતા ગુજરાતીઓમાં પણ નોંધપાત્ર લોકપ્રિયતા મેળવી. યશ સોની અને નેત્રી ત્રિવેદીના મજબૂત અભિનય સાથે ફિલ્મે રેકોર્ડબ્રેકિંગ બૉક્સ ઑફિસ કલેક્શન કર્યું અને સમીક્ષકો તરફથી પ્રશંસા મેળવી.
છેલ્લા દાયકામાં વૈશલ શાહે ગુજરાતી ઉપરાંત મરાઠી અને હિન્દી સિનેમામાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમની ફિલ્મો મનોરંજન સાથે પરિવારિક મૂલ્યોને સ્પર્શે છે. વૈશલ શાહનું માનવું છે કે આવનારા સમયમાં ગુજરાતી સિનેમા વધુ પ્રયોગશીલ, હૃદયસ્પર્શી અને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત બનશે. તેમના કાર્યને જોતા, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ભવિષ્ય માટે તેઓ એક મહત્વપૂર્ણ ગેમ ચેન્જર તરીકે જોવામાં આવે છે.