23 June, 2025 06:57 AM IST | Mumbai | Rashmin Shah
‘કુછ મીઠા હો જાયે’ની જાહેરખબરમાં પહેલાં ટીકુ તલસાણિયા જોવા મળતા હતા, હવે દર્શન જરીવાલા દેખાય છે.
આવું જવલ્લે જ બનતું હોય છે. એક મહિનો એકધારાં રિહર્સલ્સ કર્યા પછી ટીકુ તલસાણિયાએ આવતા રવિવારે ઓપન થનારું નાટક ‘કુછ મીઠા હો જાયે’ છોડવું પડ્યું. નાટકના ડિરેક્ટર વિપુલ મહેતાનું આ ટીકુભાઈ સાથેનું પહેલું નાટક હતું. ટીકુભાઈના પર્ફોર્મન્સથી તેઓ ખૂબ ખુશ હતા તો ‘કાનજી વિરુદ્ધ કાનજી’, ‘ક કાનજીનો ક’, ‘શાતિર’ જેવાં પાંચથી વધુ સુપરહિટ નાટક ટીકુભાઈ સાથે આપનારા નિર્માતા ભરત નારાયણદાસ ઠક્કર પણ ટીકુભાઈ સાથે કામ કરવા ઉત્સાહી હતા એવામાં ટીકુભાઈએ આખી ટીમને બોલાવીને કહેવું પડ્યું કે હું આ નાટક છોડું છું. ટીકુભાઈ ‘મિડ-ડે’ને કહે છે, ‘નાટકથી હું ખૂબ ખુશ હતો, પણ હજી હમણાં જ હૉસ્પિટલમાંથી ટ્રીટમેન્ટ લઈને પાછો આવ્યો છું એટલે ડૉક્ટરનું કહેવું હતું કે મારે અત્યારે નાટકનું સ્ટ્રેસ ન લેવું જોઈએ. સતત બે કલાક સ્ટેજ પર રહેવું, એકેક લાઇન એની જગ્યાએ બોલવી એ સ્ટ્રેસનું કામ છે. ડૉક્ટર શૂટિંગની છૂટ આપે છે, પણ નાટક માટે તેમની સ્ટ્રિક્ટ ના આવી એટલે મારે નાછૂટકે નાટક છોડવું પડ્યું.’
સ્વાભાવિક રીતે વાત ટીકુભાઈની હેલ્થની હતી એટલે વિપુલ મહેતાથી માંડીને ભરત નારાયણદાસ ઠક્કરે વાત સહજ રીતે સ્વીકારી લીધી, પણ આ આખી વાતમાં સૌથી મહત્ત્વની વાત એ હતી કે નાટકના શો ઑલરેડી લાઇનસર ગોઠવાયેલા હતા. નાટકના પ્રેઝન્ટર વિશાલ ગોરડિયા અને વિપુલ મહેતાએ તરત રંગભૂમિના જાણીતા ઍક્ટર દર્શન જરીવાલાને વાત કરી. વિપુલ મહેતા કહે છે, ‘દર્શનભાઈ અત્યારે જબરદસ્ત બિઝી છે. ફિલ્મો ઉપરાંત તેમની નવી હિન્દી સિરિયલ પણ શરૂ થવામાં છે. વિશાલે તમામ ડેટ્સ ઍડ્જસ્ટ કરવાની બાંયધરી આપી એટલે દર્શનભાઈ પણ અમને સાથ આપવા તૈયાર થઈ ગયા અને રિહર્સલ્સ શરૂ થયાં.’
૧૮ જૂન એટલે કે બુધવારથી દર્શનભાઈએ રિહર્સલ્સ શરૂ કર્યાં અને હવે આવતા રવિવારે નાટક ઓપન થવાનું છે. જવલ્લે જ એવું બનતું હોય કે કોઈ ઍક્ટરે ૧૧ દિવસમાં આખું નાટક તૈયાર કર્યું હોય. નાટકના નિર્માતા ભરત નારાયણદાસ ઠક્કર કહે છે, ‘નાનાં-મોટાં રિપ્લેસમેન્ટ સમજી શકાય, પણ અહીં તો આખું નાટક ઊભું કરવાનું અને એ પણ આટલી શૉર્ટ નોટિસમાં. આ કામ ખરેખર એ જ કરી શકે જે લેજન્ડ હોય.’
કુછ મીઠા હો જાયેમાં છે શું?
આજે જ્યારે ડાયાબિટીઝ જેવી બીમારી દરેક પરિવારમાં ઘર કરી ગઈ છે અને લોકો એનાથી ત્રાહિમામ્ પોકારી ગયા છે ત્યારે આ તકલીફ સાથે જીવન કેવી રીતે જીવવું અને જીવનની મજા કેવી રીતે માણવી એની વાત ‘કુછ મીઠા હો જાયે’નું લીડ કૅરૅક્ટર મોહન કરે છે.