✕

એક તરફ જગદંબા સ્વરૂપ રીવા રાચ્છ અને બીજી તરફ શિકારી જગજીતસિંહ વાઢેર: ‘અંબા’ના ટ્રેલરમાં દરેક પાત્રનો...

25 November, 2026 03:53 PM IST  |  Mumbai | Bespoke Stories Studio

તેમની સાથે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી નીલમ પંચાલ પણ ટ્રેલરમાં ખાસ ભૂમિકામાં જોવા મળે છે, જે કલાકારોની હરોળને વધુ વજનદાર બનાવે છે.

ફિલ્મ અંબા’ના ટ્રેલરનું પોસ્ટર

અમદાવાદ: દરેક પાત્ર જ્યારે પોતાના શ્વાસ અને અભિનયથી વાર્તાને જીવંત બનાવે, ત્યારે ટ્રેલર માત્ર ઝલક નહીં, પણ એક તીવ્ર અનુભૂતિ બની જાય છે! ‘રાજાધિરાજ’, ‘સરદાર’ અને ‘છોટા ભીમ’ જેવા ભવ્ય નાટકો તેમજ સુપરહિટ ફિલ્મ ‘લાલો’ આપનાર નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ (Neemtree Entertainment) પ્રસ્તુત અને દિગ્દર્શક વિજયગીરી બાવા (‘કસૂંબો’, ‘૨૧મું ટિફિન’) દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘અંબા’ના સત્તાવાર ટ્રેલરમાં કલાકારોનો દમદાર કાફલો ધ્યાન ખેંચી રહ્યો છે. ઉચ્ચ પ્રોડક્શન સ્કેલ, અદભૂત VFX અને ભવ્ય વિઝ્યુઅલ અનુભવ સાથે આ ફિલ્મ 11 ડિસેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ટ્રેલર લિંક: http://www.youtube.com/watch?v=E4lb0lsbGPU

ટ્રેલરના કેન્દ્રમાં ‘લાલો’ ફેમ અભિનેત્રી રીવા રાચ્છ છે, જે શીર્ષક પાત્ર ‘અંબા’ના પાવન, નિર્ભય અને સશક્ત સ્વરૂપમાં જોવા મળે છે. બાળપણથી જ સિંહના બચ્ચાને ‘વનરાજ’ કહીને ઉછેરતી અંબાના ભાવનાત્મક અને રૌદ્ર બંને રૂપ ટ્રેલરમાં અસરકારક રીતે ઉપસે છે એક તરફ નિર્દોષ મૈત્રી અને બીજી તરફ શિકારીઓ સામે જગદંબાના અવતારમાં ગર્જતી અંબા. તેમની સાથે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી નીલમ પંચાલ પણ ટ્રેલરમાં ખાસ ભૂમિકામાં જોવા મળે છે, જે કલાકારોની હરોળને વધુ વજનદાર બનાવે છે.

વન વિભાગના અધિકારીની ભૂમિકામાં દર્શન પંડ્યાનો સંયમ, આત્મવિશ્વાસ અને શિકારીઓ સામે બાથ ભીડતો અંદાજ ટ્રેલરને તીવ્ર નાટ્યાત્મક વળાંક આપે છે. ડાંગ લઈને કૂદતી માલધારી કન્યાને જોઈને તેઓ “મેઘાણીની ચારણ કન્યા આજે મેં નજરે જોઈ!” કહે છે, ત્યારે જંગલ અને માણસના સંબંધની ગહેરાઈ સ્પષ્ટ થાય છે. બીજી તરફ, અહંકારમાં રાચતા શિકારીની ભૂમિકામાં જગજીતસિંહ વાઢેરનો ઘમંડી પડકાર- “વનરાજ ગીરનો કુતરો કહેવાય, જંગલનો રાજા માત્ર એક જ છે, લાલજી”-સંઘર્ષની તીવ્રતાને ચરમસીમાએ લઈ જાય છે.

ટ્રેલરમાં અમેરિકન અભિનેત્રી એલેસાન્ડ્રા વ્હીલન વિદેશી પ્રવાસીના પાત્રમાં ગીરની રહસ્યમય દુનિયા સામે અચંબિત થતા જોવા મળે છે, જ્યાં તેમને આ કન્યા વિશે ‘માંગળાની ભૂતાવળ’ તરીકે ઓળખ આપવામાં આવે છે. સાથે જ દિગ્ગજ અભિનેતા ફિરોઝ ઈરાનીના સંવાદો જેમ કે “આપણને જે ન સમજાય ને, એનું નામ કુદરત” અને સાવજ પરના સંકટ સમયે “કૃપા કરો માં, આ ગીરમાં તમે જોગણી થઈને પૂજાશો” જેવી પ્રાર્થના કથાને આધ્યાત્મિક ગહેરાઈ આપે છે. આ દમદાર કાફલાની સાથે ગૌરાંગ આનંદ, આકાશ ઝાલા, સ્વાતિ દવે અને રિદ્ધિ ડાંગર પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહ્યા છે.

શ્રી પરિમલ નાથવાણીના આશીર્વાદ સાથે ભૂમિ નાથવાણી દ્વારા નિર્મિત અને વિજયગીરી ફિલ્મોસ પ્રોડક્શન્સ (Vijaygiri FilmOs Productions) ના બેનર હેઠળ, ટ્વિંકલ વિજયગિરી સહ-નિર્મિત આ ફિલ્મનું વિતરણ રૂપમ એન્ટરટેઈનમેન્ટ પ્રા. લિ. દ્વારા કરવામાં આવશે. વિજયગીરી બાવાની વાર્તા અને પટકથા સાથે રામ મોરીના સંવાદો, ગાર્ગેય ત્રિવેદીની સિનેમેટોગ્રાફી અને કેદાર-ભાર્ગવના સંગીતથી સજ્જ આ મહાગાથા ગીરના સાવજ, માલધારીઓની શ્રદ્ધા અને પ્રકૃતિ સાથેના અતૂટ નાતાને મોટા પડદા પર 11 ડિસેમ્બર, 2026ના રોજ રજૂ કરશે.

gujarati mid day gujarati film nilam panchal dhollywood news entertainment news teaser release trailer launch