Kasoombo Trailer: ધરોહર અને સંસ્કૃતિને જાળવવા વીરોના બલિદાન અને સાહસની શૌર્યગાથા 

01 February, 2024 02:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ ‘કસૂંબો’ (Kasoombo Trailer)નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. વીરોના બલિદાનની ગાથા દર્શાવતી આ ફિલ્મ 16 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે.

ફિલ્મ પોસ્ટર

Kasoombo Trailer: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઐતિહાસિક ફિલ્મ "કસુંબો"નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. ઢોલીવૂડના જાણીતા ડિરેક્ટર વિજયગીરી દિગ્દર્શિત વીરપુરુષોની ગાથા દર્શાવતી ફિલ્મ "કસુંબો"નું ટ્રેલર (Kasoombo Trailer)દમદાર ટ્રેલર આખરે આજે લૉન્ચ થયું છે. સિનેમા ઉદ્યોગની બહુચર્ચિચત ફિલ્મમાં ગુજરાતની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા અલ્લાઉદ્દીન ખિલજી સામે દાદુજી બારોટે લડેડા ઐતિહાસિક યુદ્ધની વાર્તાને વર્ણવામાં આવી છે. આ ફિલ્મમાં ધમેન્દ્ર ગોહિલ, રોનક કામદાર, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર સહિતના યુવા અને દિગ્ગજ અભિનેતાઓ પડદા પર એકસાથે જોવા મળશે. 

ટ્રેલરની શરૂઆતમાં જ યુદ્ધની તસવીર દેખાય છે જે સંકેત આપે છે આગામી સમયમાં આવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. બાદમાં સૌથી પહેલા અલ્લાઉદ્દીન ખિલજીના પાત્રનો પરિચય થાય છે અને પછી જેમ જેમ આગળ વધે છે તેમ મહત્વના તમામ પાત્રોનો પરિયય જોવા મળે છે. ટ્રેલરમાં જોઈ શકાય છે કે અલ્લાઉદ્દીન ખિલજી ગુજરાત પર આક્રમણ કરવાની યોજના બનાવે છે અને અંતે તે ગુજરાત પર ચડાઈ કરે છે. ત્યારે વીરપુરુષ લડવૈયા દાદુજી બારોટ તેની સામે લડાઈ કરવાનો સંકલ્પ કરે છે. ગુજરાતની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા દાદુજી બારોટ લડવા માટે તૈયાર થાય છે. પોતાની ધરતીને ખાતર કેસરિયા કરે છે. અને અંતે અલ્લાઉદ્દીન ખિલજી અને વીરપુરુષો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાય છે. આ યુદ્ધનું પરિણામ શું આવે છે તે જાણવા માટે ફિલ્મ રિલીઝ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.   

શેત્રુંજય મહાતીર્થની રક્ષા કાજે અપાયેલાં 51 અમર બલિદાનની વાર્તાને પડદા પર લાવવા વિજયગીરી ફિલ્મોઝ વર્ષોથી કામ કરી રહ્યું હતું. એવામાં આ ઘટના પર બનેલી ફિલ્મ માટે દર્શકો ખુબ જ ઉત્સાહિત છે. ચાહકો કસુંબો ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આજે આખરે સિનેમાની ઐતિહાસિક ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અગાઉ ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું.થોડા દિવસ પહેલા `ખમકારે ખોડલ સહાય છે` ગીત પણ રિલીઝ થયું હતું. 

ગત વર્ષના જાન્યુઆરીમાં વિજયગીરી બાવાએ તેમની આગામી અનટાઈટલ્ડ ઐતિહાસિક ફિલ્મની જાહેરાત કરી હતી. જાહેરાત થઈ ત્યારથી જે રીતે ચોતરફ ફિલ્મ વિશે ચર્ચા થઈ રહી છે તે જોઈને લાગે છે કે આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. ફિલ્મને રિયાલિસ્ટ રૂપ આપવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં 16 વીઘા જમીનમાં શૂટિંગ માટે એક આખું ગામડું ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં દેશી નળિયાના માટીના રહેણાંક ઘરો, શેરીઓ, ક્યાંક ચોકમાં વડલો અને અને બાજુમાં માતાજીનું મંદિર તો ક્યાંક નદી અને પર્વત જેવા સ્થળો સામેલ છે. સદીઓ પહેલા જેવા ગામ હતાં એ અંગે રિસર્ચ કરીને સેટ પર દરેક બાબત પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.

 

 

 
Kasoombo Vijaygiri bawa raunaq kamdar Shraddha Dangar gujarati film dhollywood news entertainment news