ગુજરાતી રંગભૂમિના યુવાન કલાકાર રૂપેશ મકવાણાનું નિધન, ક્રિકેટ રમતી વખતે આવ્યો હાર્ટ ઍટેક

12 January, 2026 04:38 PM IST  |  Mumbai | Viren Chhaya

રૂપેશને યાદ કરતાં વિપુલ વિઠાણી કહે છે કે “ગુજરાતી થિયેટર જગતમાં તેની સાથે સૌથી લાંબી સફર મારી જ. 2021 માં એક ડ્રામાની વર્કશૉપમાં મારી નજર રૂપેશ જેવા યુવાન કલાકાર પર પડી હતી, અને મેં તેનામાં એક અનોખો સ્પાર્કસ જોયો, અને ત્યારથી અમારી સફર શરૂ થઈ."

રૂપેશ મકવાણા

ગુજરાતી થિયેટર જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી રંગભૂમિમાં એક ઊભરી રહેલા યુવા કલાકાર રૂપેશ મકવાણાનું હાર્ટ ઍટેકના કારણે નિધન થયું છે. તેમને 30 વર્ષની વયે અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની માહિતી તેમના મિત્રો અને સાથીકલાકારોએ આપી હતી. રૂપેશ મકવાણા લાલબાગ રહેતા હતા અને તેમના અચાનક અવસાનથી ગુજરાતી રંગભૂમિ જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

રૂપેશ મકવાણાના નિધન વિશે

મળતી માહિતી મુજબ, ગઈ કાલે ઘાટકોપરમાં ક્રિકેટ રમતા સમયે રૂપેશની તબિયત બગડી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું હૃદય ધબકતું બંધ થઈ ગયું હતું. હાલ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલુ છે. રૂપેશ મકવાણા એક કૉર્પોરેટમાં કામ કરવાની સાથે ગુજરાતી રંગભૂમિમાં સક્રિય રીતે કામ કર્યું હતું. રૂપેશ મકવાણાની સફર વિશે થિયેટર જગતના જાણીતા ઍકટર અને ડિરેક્ટર વિપુલ વિઠાણીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરી તેમને શ્રદ્ધાંજલિ આપી છે. રૂપેશ મકવાણાના અંતિમ યાત્રા લાલબાગના નિવાસ સ્થાનેથી નીકળીને શિવાજી પાર્ક સ્થિત સ્મશાન ભૂમિ ખાતે કરવામાં આવશે.

રૂપેશ મકવાણાની કારકિર્દી વિશે

રૂપેશને યાદ કરતાં વિપુલ વિઠાણી કહે છે કે “ગુજરાતી થિયેટર જગતમાં તેની સાથે સૌથી લાંબી સફર મારી જ. 2021 માં એક ડ્રામાની વર્કશૉપમાં મારી નજર રૂપેશ જેવા યુવાન કલાકાર પર પડી હતી, અને મેં તેનામાં એક અનોખો સ્પાર્કસ જોયો, અને ત્યારથી અમારી સફર શરૂ થઈ અને તેણે મારી સાથે આગળ અનેક નાટકોમાં પ્રશંસનીય કામ કર્યું. 2015 થી લઈને અત્યાર સુધી ‘યુગપુરુષ’, ‘ભારત ભાગ્ય વિધાતા’ અને ‘એ અહીં જ છે’ સહિતના નાટકોમાં અભિનય કરી ચૂક્યા હતા. ઉપરાંત, તેઓ વિપુલ વિઠલાણીના નાટકમાં સહાયક દિગ્દર્શક તરીકે પણ જોડાયેલા હતા. 2021 દરમિયાન હું ‘પપ્પાને પ્રેમ છે, દીકરાને વહેમ છે’ આ નાટકને ડિરેક્ટ અને ઍક્ટિંગ કરી રહ્યો હતો, તે દરમિયાન મેં રૂપેશને અસિસ્ટ કરવાની ઑફર કરી. આ નાટકમાં તેણે ખૂબ જ સારું કામ કર્યું અને તે બાદ અમે આગળ ઘણા નાટકોમાં સાથે કામ કર્યું. 

“તેમણે મારી સાથે ‘કેસ નંબર 99’ અને રાજેન્દ્ર બુટાલાનું નાટક ‘મનુભાઈ દુલ્હનિયા લે જાએન્ગે’ જેવા નાટકોમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ સાથે તે શેમારુ ઍપ પર આવેલા ‘ધૂમ મચાવે ધમલના રજા’ આ નાટકમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર અને એક ભૂમિકા ભજવી હતી. તેમ જ ગયા વર્ષે ‘એક રમત સમય સાથે’ આ નાટકમાં રૂપેશના રોલના ખૂબ જ વખાણ થાય અને અને તે એકદમ ખુશ થયા હતા. એક મહેનતુ, ટેલેન્ટેડ, બુદ્ધિશાળી યુવાન કલાકાર ગુજરાતી રંગભૂમિએ આજે ગુમાવ્યો છે,” એમ વિપુલ વિઠાણીએ જણાવ્યું.

theatre news Gujarati Drama Gujarati Natak gujarati community news gujaratis of mumbai dhollywood news entertainment news celebrity death