09 July, 2025 01:39 PM IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર
આપણા જીવનમાં મન અને ઘરના વાતાવરણની સાથે આસપાસથી મળતી ઊર્જાનો પ્રભાવ રહે છે. ભારતીય વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ જેવા વિજ્ઞાન મુજબ હોમ ડેકોરમાં કેટલીક નાની ચીજો લાવવાથી અને એની યોગ્ય જગ્યાએ પ્લેસમેન્ટ કરવાથી ઘરમાં પૉઝિટિવ એનર્જીનો સંચાર થાય છે એવી માન્યતા છે. તેથી એવી કઈ વસ્તુઓને ઘરે લાવવાથી કે રાખવાથી ગુડ લકની સાથે માનસિક શાંતિ અને સકારાત્મક ઊર્જા મળે એ વિશે વાસ્તુ કન્સલ્ટન્ટ, રેમેડિયલ એક્સપર્ટ અને ન્યુમરોલૉજિસ્ટ દેવેશ કળસેકર પાસેથી જાણીએ. જો તમે આ બધામાં માનતા હો તો રસ પડશે.
ચંદ્રમાની વૉલ-આર્ટ
શંકર ભગવાનના શિરે શોભેલા ચંદ્રમાને શાંતિનું પ્રતીક કહેવાય છે. એને વાયવ્ય ખૂણે એટલે કે નૉર્થ-વેસ્ટ ડિરેક્શનમાં વૉલ-આર્ટ કે તસવીર સ્વરૂપે રાખવામાં આવે તો એ ઘરના વાતાવરણને શાંત રાખવામાં સહાય કરે છે. જે લોકોના ઘરમાં કારણ વગર કંકાસ થતો હોય તેમના ઘરમાં શાંતિની સાથે સંબંધોમાં સંતુલન લાવશે અને પ્રેમની ભાવના ઉજાગર કરશે. ઘણા લોકો હાથમાં ચંદ્રના મોતીની વીંટી પહેરે છે એને બદલે ઘરમાં આ રીતે ચંદ્રમાની પ્લેસમેન્ટ કરવાથી પણ લાભ થશે.
હાથી
વાસ્તુના હિસાબે હાથી બળ અને બુદ્ધિનું પ્રતીક ગણાય છે. ઘરમાં હાથીની તસવીર કે મૂર્તિને ઈશાન ખૂણે રાખવાથી બુદ્ધિનો વિકાસ થાય છે અને કામધંધા ક્ષેત્રે પાવર વધે છે અને પાવર વધે એટલે આપમેળે ધન અને સમૃદ્ધિ વધે છે. આ ઉપરાંત એ ફોકસ પણ વધારે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે હાથીનું ચિહન લાભદાયક માનવામાં આવે છે. જો ફોટોફ્રેમ રાખવાની ઇચ્છા હોય તો વૉલ-આર્ટ તરીકે પ્લેસ કરી શકો છો અને મૂર્તિ મળે તો ડેકોર પીસ તરીકે પણ રાખી શકાય.
કામધેનુ
આજકાલ ફેંગશુઈ, લાફિંગ બુદ્ધા અને મની-પ્લાન્ટ જેવી ગુડ લક ઍટ્રૅક્ટ કરતી ચીજો બહુ જ કૉમન થઈ ગઈ છે, પણ આપણાં હિન્દુ શાસ્ત્રોમાં કામધેનુ ગાયને મહત્ત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. કામધેનુ ગાય ઇચ્છાપૂર્તિ કરે છે. એને ઘરના સાઉથ ઈસ્ટ એટલે કે અગ્નિ ખૂણે રાખવામાં આવે તો કોઈ વ્યક્તિના જીવનમાં વર્ષોથી અધૂરી ઇચ્છા હોય એ પૂરી થાય છે. જો કોઈ ઇચ્છા ન પણ હોય તો પણ ઘરમાં કામધેનુ ગાયને રાખવાથી ધન, આરોગ્ય અને મન શાંત અને સ્થિર રહે છે.
સાત મુખવાળા ઘોડા
ઘોડો શક્તિ, ગતિ અને વિજયનું પ્રતીક માનવામાં આવે છે પણ અહીં કોઈ નૉર્મલ ઘોડાની વાત નથી થઈ રહી. હિન્દુ પૌરાણિક કથા અનુસાર સમુદ્રમંથન દરમિયાન પાણીમાંથી ઉત્પન્ન થયેલા પૌરાણિક સફેદ ઘોડાને ઉચ્ચૈ:શ્રવા કહેવાય છે. ઇન્દ્રદેવનું વાહન કહેવાતા આ ઘોડાનું શરીર એક પણ એનાં મુખ સાત હોય છે. આ ઘોડાની એટલી શક્તિ હોય છે કે એ આકાશમાં પણ ઊડી શકે. તેથી એને વૃદ્ધિનું પણ પ્રતીક કહેવાયું છે. ઘરના મોભીના વિકાસ અને ધંધામાં વૃદ્ધિ માટે આ અશ્વો બહુ ઉત્તમ કહેવાય છે. જે રૂમમાં તે સૂવે એ રૂમની દક્ષિણ દિશામાં આ ઘોડાની તસવીર લગાવવામાં આવે તો એ ઘરમાં સુખાકારી લાવશે.
વિષ્ણુપ્રિય શંખ
શંખ તો મોટા ભાગના લોકોના મંદિરમાં જોયા જ હશે, પણ વાત વાસ્તુના હિસાબે અને ગુડ લકને ઍટ્રૅક્ટ કરવાની થાય છે તો વિષ્ણુ ભગવાનનો અતિપ્રિય અને ડેકોરેટિવ શંખ ઘરની અગ્નિ દિશામાં વૉલ-આર્ટ તરીકે અથવા ટેબલના સેન્ટરમાં ડેકોર તરીકે રાખવામાં આવે એ વ્યક્તિને તેના કામમાં સફળતા મળશે. શંખ આધ્યાત્મિકતાની સાથે વિક્ટરીનું પણ પ્રતીક છે. એ સફળતા માટે નવા માર્ગ અને નવી દિશાઓ શોધશે.
શિવધનુષ
ઘરમાં ભોળાનાથ પાસે જે પિનાક ધનુષ છે એને પણ હોમ ડેકોર તરીકે ઘરની નૈઋત્ય દિશામાં લગાવવામાં આવે તો લાઇફ અને કરીઅરમાં સ્થિરતા રહે છે. વાસ્તુની કોઈ પણ દુકાનમાં પીળા કલરનું શિવધનુષ મળે એને ઘરે લાવવું. યોગ્ય દિશામાં લગાવવાથી એ નેગેટિવ એનર્જીને પ્રોટેક્ટ કરશે અને ઘર અને મનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરશે.
કૌસ્તુભ મણિ
કૌસ્તુભ મણિ વિષ્ણુ ભગવાનનો પ્રિય મણિ છે. એ તાકાત અને વૈભવને વધારે છે. જે લોકોના ઘરમાં પૈસો આવતો હોય પણ ટકતો ન હોય એ લોકો જો ઉત્તર દિશામાં આ મણિ રાખશે તો તરત જ પ્રભાવી પરિણામ જોવા મશે અને પૈસાની વૃદ્ધિ અને સમૃદ્ધિ વધશે. આ ઉપરાંત ઘરમાં જો તમારા ગુરુની તસવીર પણ ખોટી દિશામાં હશે તો પરિણામ સારાં નહીં મળે. તેથી આંતરિક ઊર્જાને સારી રાખવા માટે ગુરુની તસવીરને ઈશાન ખૂણે લગાવવી જોઈએ.