ફેમ અને લક્ઝરી આપતો શુક્ર કેવા સંજોગોમાં નારાજ થઈ શકે?

26 May, 2024 06:45 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

સુખ-સુવિધામાં પણ ઐશ્વર્યનો અનુભવ કરાવતો શુક્ર માત્ર ખરાબ સમયમાં જ અવળું પરિણામ નથી આપતો. શુક્રને નારાજ કરે એવું જો કામ કરવામાં આવે તો પણ એ નારાજ થઈને વિપરીત અસર દેખાડે છે

પ્રતીકાત્મક તસવીર

જો ફેમ જોઈતી હોય, લક્ઝરી ભોગવવી હોય તો વ્યક્તિનો શુક્ર ગ્રહ બળવાન હોવો જોઈએ અને એવું ત્યારે જ બને જ્યારે જન્માક્ષરમાં એ સારા સ્થાન પર હોય. જોકે એનો અર્થ એ નથી કે બળવાન અને સારા સ્થાન પર રહેલો શુક્ર હંમેશાં સારું પરિણામ જ આપે. શુક્રને વ્યવહાર સાથે પણ સીધો સંબંધ હોવાથી જો વ્યક્તિ શુક્રને ન ગમે એવું કામ કે એ પ્રકારનો વ્યવહાર કરે તો એ નારાજ થઈને વ્યક્તિને મળનારી લક્ઝરી કે ફેમને અવરોધ આપે છે અને કાં તો એ મેળવવા દેતો નથી. આજે આપણે એ જ વાત કરવાની છે કે એવું તે શું કરીએ તો શુક્ર નારાજ થઈને જોઈતું પરિણામ આપવાને બદલે વિપરીત ​રિઝલ્ટ આપે?

૧. ઘરની મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવાથી
શુક્રને લક્ઝરી સાથે સીધો સંબંધ છે અને લક્ઝરીને સીધો સંબંધ લક્ષ્મી સાથે છે. જે વ્યક્તિ પોતાના પરિવારની મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરે તેને ક્યારેય શુક્ર પોતાનું ફળ આપતો નથી. તોછડાઈ સાથે વાત કરવી કે પછી મહિલાઓને તરછોડવાનું કાર્ય શુક્રને સૌથી મોટી નારાજગી આપે છે તો સાથોસાથ પરિવારની મહિલાઓની વાતનો અનાદર કરવો એ પણ શુક્રને નિરાશ કરનારી વાત છે. એવું જે કોઈ પણ કરે છે તેને શુક્ર ક્યારેય યોગ્ય પ્રસિદ્ધિ કે પછી સાધન-સુવિધા પામવા નથી દેતો. કૅપેસિટી મર્સિડીઝની હોય તો આવું કરનારી વ્યક્તિના હાથમાં મારુતિની શરૂઆતની રેન્જની ગાડી હોય છે. કૅપેસિટી મૅનેજિંગ ડિરેક્ટર બનવાની હોય તો પણ પરિવારની મહિલાઓની સાથે સતત દુર્વ્યવહાર કરનારાએ સિનિયર અકાઉન્ટન્ટ કે પછી સિનિયર કો-ઑર્ડિનેટર બનીને રહેવું પડે છે.ધારો કે જન્મનો શુક્ર સારી અવસ્થામાં ન હોય તો પણ મહિલાઓ સાથે સારો વ્યવહાર કરનારી અને મહિલાઓને માનપૂર્વક રાખનારી વ્યક્તિને શુક્ર પોતાનું ફળ આપ્યા વિના રહેતો નથી.

૨. પોતાને અને ઘરનેસ્વચ્છ-સુઘડ ન રાખવાથી
હા, શુક્ર સૌંદર્યનું પણ પ્રતિનિધિત્વ કરે છે અને એટલે જ જે પોતાને સ્વચ્છ કે સુઘડ રાખતા નથી, જે પોતાની કૅર કરતા નથી કે પછી જે સેલ્ફ-ગ્રૂમિંગને ફાલતુ માને છે એ સૌથી શુક્ર નારાજ થાય છે અને એને જોઈતું પરિણામ આપતો નથી. વેરવિખેર વાળ, આડેધડ વધી ગયેલી બિયર્ડ, બે દિવસ પહેરેલાં કપડાં અને નિસ્તેજ ચહેરો ક્યારેય શુક્ર જેવા અત્યંત પ્રતિભાશાળી ગ્રહને આકર્ષિત કરી શકે નહીં. ઊલટું આ પ્રકારનું આઉટલુક રાહુ જેવા ગ્રહોને આકર્ષે છે એટલે જો તમે શુક્રને પ્રભાવિત કરવા માગતા હો તો નિયમિત સૅલોંમાં જવું જોઈએ અને ગ્રૂમિંગ કરાવતા રહેવું જોઈએ. નિય​મિત પર્ફ્યુમનો ઉપયોગ પણ કરવો જોઈએ અને શક્ય હોય તો વધુમાં વધુ વાઇટ કલરનાં કપડાં પહેરવાં જોઈએ. ધારો કે છેલ્લી બે વાત પાળી ન શકાય તો પણ સ્વચ્છ-સુઘડ અને વ્યવસ્થિત થઈને તો રહેવું જ રહેવું. તો જ શુક્ર પ્રભાવિત થાય.

૩. કલા-કલાકારોનું માન  અને સન્માન ન જાળવવાથી
શુક્ર જેનો પ્રબળ હોય તે કલાના ક્ષેત્રમાં આગળ વધે જ વધે. જો અન્ય કોઈ ક્ષેત્રમાં પણ તે આગળ વધ્યો હોય તો પણ તેનું કલાના ક્ષેત્રમાં યોગદાન રહે જ રહે અને તે કલાકાર, લેખક બને. જે વ્યક્તિ કલા કે પછી કલાકારનું માન જાળવે નહીં, તેનું અપમાન કરે કે પછી તેને હડધૂત કરે તો તે વ્યક્તિને શુક્ર ક્યારેય સહકાર આપતો નથી. કલાકાર, લેખક કે સંગીતકાર જેવી વ્યક્તિઓ જીવનમાં આવી હોય તો માનવું કે શુક્ર તમને પોતાની દિશામાં વધારે મજબૂત બનાવવા માગે છે. શુક્રએ આપેલી એને એક તક સમજીને તેમનું સન્માન કરે, તેમની આજી​વિકામાં મદદરૂપ બને કે પછી તેમની આર્થિક, સામાજિક કે માનસિક ચિંતાઓ દૂર કરવાનું કામ કરે તેને શુક્ર ચોક્કસપણે સહયોગ બને છે. લોકલમાં જે સુરદાસ ગીતો ગાઈને લોકોનું મનોરંજન કરતાં ભીખ માગતા હોય છે તેમને અચૂકપણે સહાય કરવી જોઈએ એવા સૂચન સાથે કહેવાનું કે જો કોઈ રસ્તા પર કે ફુટપાથ પર પણ કરતબ દેખાડતો હોય કે પોતાની કલાના જોરે મનોરંજન આપવાનું કામ કરતા હોય તેમને પણ અચૂક મદદ કરવી. શાસ્ત્રો કહે છે કે એ રીતે કરેલી મદદ શુક્રને અત્યંત પ્રભા​વિત કરે છે અને શુક્ર તરત જ શુભ પરિણામ આપે છે.

astrology life and style columnists