ભૂલવું નહીં, માણસને ઓળખાણ હોય તેની સાથે જ શત્રુતા થતી હોય છે

17 May, 2024 07:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેમ તમે મોટાં કાર્યો કરતાં જાઓ તેમ-તેમ તમારે નાના-મોટા શત્રુઓ થવાની સંભાવના રહેવાની જ રહેવાની.

સ્વામી સચ્ચિદાનંદની તસવીર

સંબંધો અનેક પ્રકારના હોય છે, પણ એ અનેક સંબંધોમાં એક સંબંધને સંસારી હંમેશાં ભૂલી જાય છે. એ સંબંધ એટલે શત્રુ-સંબંધ. ઓળખાણ હોય એની જ સાથે શત્રુતા થતી હોય છે અને માણસ ભાગ્યે જ શત્રુ વિનાનો હશે. જેની ઉન્નતિ થતી હશે, જે અસત્યો અને અન્યાયની સામે ઝઝૂમતો હશે, જેની પાસે રૂપાળો મહિલાવર્ગ હશે, જેની પાસે સત્તા હશે, બહુ મોટી ઇજ્જત-આબરૂ હશે તેને નાના-મોટા શત્રુઓ રહેવાના. ઘણી વાર તો બે સારા માણસો પણ સમજ કે ગેરસમજથી એકબીજાના શત્રુ થઈ જતા હોય છે. ખરેખર તો કોઈની મર્દાનગીનું માપ તે કેટલા શત્રુઓ વચ્ચે ખુમારીથી જીવ્યો એના આધારે કાઢવું જોઈએ. જેમ-જેમ તમે મોટાં કાર્યો કરતાં જાઓ તેમ-તેમ તમારે નાના-મોટા શત્રુઓ થવાની સંભાવના રહેવાની જ રહેવાની.

શત્રુ થવાનાં બીજાં અનેક કારણોની સાથે એક કારણ છે, અપમાનજનક વાણીવ્યવહાર. જે લોકો જ્યારે જુઓ ત્યારે તોછડાઈભર્યો વાણીવ્યવહાર કરતા હોય, તે એવું કરીને શત્રુઓનું વાવેતર કરતા રહે છે. તમારા શત્રુઓ વધવામાં કે થવામાં તમે માનો કે ન માનો, પણ તમે પોતે કારણ હોઈ શકો છો. તમારા વ્યવહારમાં કોઈ ને કોઈ ભૂલ થઈ છે જેનો ખ્યાલ કદાચ તમને ન પણ હોય. આવી ભૂલથી પણ કોઈ શત્રુ થઈ શકે છે. કદાચ કોઈ ચુગલખોરે કોઈના કાન ભંભેર્યા હોય અને શત્રુતા થઈ ગઈ હોય. કાનભંભેરણી કરનારા બધાની આજુબાજુમાં રહેતા હોય છે. કેટલાક લોકો તમારું ખાઈને તમારું જ ખોદવાનું કાર્ય કરતા રહે છે તો કેટલાક પીઠ પાછળ ખંજર ભોંકનારા પણ હોય છે. આવા બધા સારા-નરસા, ભલા-ભૂંડા માણસો વચ્ચે જીવન જીવવાનું હોવાથી જાણ્યે-અજાણ્યે શત્રુઓ થઈ જતા હોય છે.

જે લોકો વાત-વાતમાં ક્ષમા માગી લેતા હોય, તે શત્રુ-તણખાને ક્ષમાના જળથી બુઝાવી લેતા હોય છે, પણ જે ક્ષમા માગી શકતા નથી, જક્કી સ્વભાવના હોય છે તેમનો તણખો મોટો થતો હોય છે. જે લોકો યોગ્ય સમયે, યોગ્ય સ્થળે અને યોગ્ય રીતે ક્ષમા માગે તે તો યોગ્ય જ છે, પણ જે લોકો અયોગ્ય સ્થળે બીકના માર્યા ક્ષમા માગતા રહે છે એ યોગ્ય નથી, તે નમાલા છે અને તેમની ક્ષમાથી ગુંડાવૃત્તિ વધવાની છે. પોતે અપરાધી ન હોવા છતાં કોઈ માથાભારે અપરાધી પાસે ક્ષમા માગે તો એ સ્વમાનહીન કાયરતા છે, પણ બધા માણસો તો માથાભારે તત્ત્વો સાથે ટક્કર લઈ શકતા નથી હોતા. ગરીબ-શક્તિહીન લોકો પર દાદાગીરી કરનારા ગુંડા છે. તેમની સાથે ટક્કર લે તે વીરપુરુષ છે, પછી તે પોલીસનો માણસ હોય કે જનતાનો માણસ હોય.

life and style astrology swami sachchidananda columnists