બન્ને હાથ છૂટા કરીને વાતો કરવી, અચાનક જ નખ ચાવવાનું શરૂ કરવું

23 June, 2024 08:15 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

આ અને આવી અનેક આદતો વિશે સામુદ્રિક શાસ્ત્રમાં વિગતવાર કહેવાયું છે, જેના વિશે જો જાણકારી હોય તો વ્યક્તિની પર્સનાલિટીને સરળતા સાથે સમજી શકાય

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

આપણે વાત કરીએ છીએ સામુદ્રિક શાસ્ત્રની. ગયા રવિવારે કહ્યું એમ આ એક બહુ બહોળો વિષય છે અને હસ્તરેખા પણ એનો ભાગ છે. જે રીતે શરીર પર અમુક ચોક્કસ નિશાનો ભવિષ્ય-દર્શન કરે છે એવી જ રીતે વ્યક્તિની ચોક્કસ પ્રકારની સ્ટાઇલ અને બૉડી-લૅન્ગ્વેજ પણ તે વ્યક્તિની લાક્ષણિકતા સ્પષ્ટ કરે છે તો સાથોસાથ તેના મનમાં ચાલતી વાત, વિચાર કે ભાવને પણ પ્રદર્શિત કરે છે. આજે પણ એવી જ કેટલીક આદત કે બૉડી-લૅન્ગ્વેજની વાત કરવાની છે.

૧. જો કોઈ હાથ કે આંગળીઓ છૂટાં કરીને વાત કરતું હોય...
આ આદત જન્મજાત નથી આવતી, પણ એ સમય જતાં ડેવલપ થાય છે. જે કૉન્ફિડન્ટ હોય, જે સામેની વ્યક્તિને પોતાના પ્રભાવમાં લેવા માગતી હોય કે પછી સામેની વ્યક્તિને પોતાના તરફ કેન્દ્રિત કરી રાખવા માગતી હોય તે વ્યક્તિ સામાન્ય રીતે આ આદત ધરાવતી હોય છે. આ પ્રકારની વ્યક્તિ સાથે જો સંબંધોમાં અંટસ આવે તો તે આકરો સ્વભાવ દેખાડતાં પણ ખચકાતી નથી. જોકે સમજવાનું એ છે કે આ પ્રકારની વ્યક્તિ સાથે સંબંધોમાં અંટસ મોટા ભાગે એવા સમયે જ આવતી હોય છે જ્યારે કોઈ તેની સાથે સહમત કે તેને તાબે થવા તૈયાર નથી હોતું. આત્મવિશ્વાસથી છલોછલ વ્યક્તિત્વ ધરાવતી આ પ્રકારની વ્યક્તિ ​સ્પિરિચ્યુઅલ હોવાની સાથોસાથ વર્તમાનમાં પણ સરળતા સાથે જીવી શકે છે.

૨. જો કોઈ આંખ મેળવીને વાત ન કરતું હોય તો...
આમ તો આ સહજ લાગે અને એવું પણ બને કે ઘણી વાર સામે ઊભેલી વ્યક્તિએ વાજબી વસ્ત્રો ન પહેર્યાં હોય, પણ એવી પરિસ્થિતિને બાદ કરતાં પણ જો વ્યક્તિ આંખ મેળવીને વાત ન કરતી હોય કે એ પ્રકારની પ્રવૃ​ત્તિ ટાળતી હોય તો એના માટે સામુદ્રિક શાસ્ત્રમાં કહેવાયું છે કે તે પોતાની આંખમાં રહેલી ચોરી પકડાવા દેવા નથી માગતી. કહેવું કંઈક અને કરવું કંઈક આ પ્રકારનો સ્વભાવ ધરાવતી વ્યક્તિ સામાન્ય સંજોગોમાં આઇ-કૉન્ટૅક્ટ ટાળતી હોય છે. અહીં બીજી પણ એક વાત કહેવાની. જો તમે સામેની વ્યક્તિને તમારા પ્રભાવમાં રાખવા માગતા હો, સામેની વ્યક્તિ પાસેથી સત્ય કઢાવવા માગતા હો કે પછી સામેની વ્યક્તિને વાત મનાવવા માગતા હો તો હંમેશાં તેની આંખોમાં આંખો નાખીને વાત કરવી. નજર જો સામેની વ્યક્તિની આંખોમાં અકબંધ રહે અને સામેની વ્યક્તિ તરત નજર ફેરવી નાખે તો માનવું કે તે ભલે તમને સાંભળે, પણ તેના મનમાં કંઈક જુદી વાત છે.

૩. જો કોઈ વારંવાર શરીર પર ખંજવાળ્યા કરે તો...
બહુ સામાન્ય લાગતી આ આદત માટે પણ કહેવાનું કે જે ફ્રી પડે અને તરત પોતાના શરીર પર ખંજવાળવાનું શરૂ કરે તેમને કે પછી કોઈની સાથે વાત કરતી વખતે પણ પોતાની આ પ્રવૃત્તિ રોકી ન શકે તેમને આ વાત લાગુ પડે છે.
વારંવાર ખંજવાળવાની આદત સૂચવે છે કે વ્યક્તિ ડબલ-માઇન્ડેડ છે અથવા તો તે પોતે કોઈ નિર્ણય પર આવી શકે એમ નથી. આ પ્રકારના લોકોની સાથે વાત કરતી વખતે જ્યારે પણ તમે જુઓ કે ચાલુ વાતે તે ખંજવાળવાનું શરૂ કરે છે તો તમે વાત અટકાવી દો એ તમારા હિતમાં છે, કારણ કે તેઓ મનમાં ને મનમાં તમારી દરેક બાબતનો જવાબ દઈ રહ્યા છે પણ તમને રૂબરૂમાં કહેવાનું ટાળે છે. આ પ્રકારની પર્સનાલિટીની વ્યક્તિને હકીકતમાં ખંજવાળવાની કોઈ બીમારી નથી હોતી, પણ સહજ રીતે એ આદત પડી ગઈ હોય છે અને એનો શિકાર તે બને છે. જ્યાં તે ડબલ-માઇન્ડેડ નથી કે સહમત છે ત્યાં તે ક્યારેય એ મુજબનું વર્તન નહીં કરે એ પણ યાદ રહે.

૪. જો કોઈને નખ ચાવવાની આદત હોય તો...
આ આદત પણ સામાન્ય રીતે જોવા મળતી હોય છે. દાંત વડે નખ કાપવાની, ખોતરવાની કે પછી નખ ચાવવાની આદત ધરાવતા લોકો માટે સામુદ્રિક શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આવી પર્સનાલિટી સ્વભાવની ખૂબ ઊંડી હોય છે. તે જેટલી બહાર દેખાય છે એનાથી અનેકગણી ઊંડી હોય છે. જ્યારે તેના મનમાં અનેક વાતોના વિચારો શરૂ થઈ જાય કે પછી દિમાગ સ્ટ્રૅટેજી બનાવવામાં લાગી જાય એવા સમયે તેનો હાથ અનાયાસ જ મોઢા તરફ ખેંચાઈ આવે અને તે નખ ચાવવાનું શરૂ કરી દે છે.
આ પ્રકારની પર્સનાલિટીની ખાસ વાત એ છે કે તે અચાનક જ પોતે લીધેલા મોટા નિર્ણય જાહેરમાં, સૌની સામે સીધા જ મૂકી દે છે. એને લીધે ઘણી વાર તેની સાથે અંગત સંબંધો ધરાવનારાઓને દુઃખ પણ થાય કે આટલી મોટી વાત તેણે મને પહેલાં કરી નહીં, પણ આ તેનો સ્વભાવ છે એટલે એવું દુઃખ અનુભવવું નહીં.

astrology life and style columnists