01 September, 2025 02:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઓગણીસમી અને વીસમી સદીની શરૂઆતમાં રૅશનલિઝમનો વાયરો વાયો હતો. બુદ્ધિવાદના પ્રવર્તકો હતા હર્બટ સ્પેન્સર, જૉન લોક, ફ્રાન્સિસ બેકન વગેરે. જોકે બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં હિંસાનો અને અનિશ્ચિતતાનો ફેલાવો થવાથી ઘણા લોકોએ જ્યોતિષમાં રસ લેવાનું શરૂ કર્યું. ઈશ્વરમાં માનનારાઓમાં વધારો થયો.
પ્રારબ્ધની ચિંતા ઈશ્વર અને જ્યોતિષ પ્રત્યે દોરી જાય છે. એક ચોખવટ કરવાની કે આ લખનાર જ્યોતિષ નથી, પ્રકાશક છે. જ્યોતિષ, વાસ્તુ અને કર્મ વિશેનાં ઘણાં પુસ્તકો અમે પ્રગટ કર્યાં છે. જ્યોતિષશાસ્ત્ર કે વાસ્તુશાસ્ત્ર સાચું નથી એવું કહેવાનું તાત્પર્ય પણ નથી. ઘણા કિસ્સાઓમાં પૂર્વમાંથી પશ્ચિમમાં વ્યવસાયનું સ્થળ બદલીને કર્મ કરવાથી ભાગ્યોદય થયાના અનેક કિસ્સા છે. જોકે પ્રારબ્ધ પર ભરોસો રાખીને કર્મ-પુરુષાર્થ ન કરવાથી પ્રગતિ અટકે છે. ‘કર્મનો સિદ્ધાંત’, ‘કર્મની ગતિ ન્યારી’ જેવાં અનેક પુસ્તકોમાં આ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. અત્યારે કર્મવાદીઓએ જ્યોતિષ પર વિશ્વાસ મૂકવો કે નહીં એનો વિચાર કરવાનો છે. કર્મમાં માનનારા સામાન્ય રીતે જ્યોતિષમાં વિશ્વાસ કરતા નથી. કર્મથી ભાવિ બદલી શકાય છે. કર્મ ગતિ છે, પ્રગતિ છે, પ્રવૃત્તિ છે, પરિણામ છે. કર્મથી કોઈ છૂટી શકતું નથી. સાથે-સાથે એટલું પણ નિશ્ચિત છે કે બધા ગ્રહો સૌને અનુકૂળ હોતા નથી તેમ જ બધા ગ્રહો સૌને પ્રતિકૂળ પણ હોતા નથી. તેથી તમે પ્રતિકૂળ ગ્રહોને રાજી કરવા મથો છો અને અનુકૂળ ગ્રહોની અવગણના કરો છો. આ વર્તણૂક કે માન્યતા ખોટી છે. પ્રતિકૂળ ગ્રહોની અવગણના કરવી જોઈએ. હિંમતથી કહેવું જોઈએ કે તું મને સ્વીકારતો નથી, હું તને સ્વીકારતો નથી. પ્રતિકૂળ ગ્રહોને તમારાં કર્મ થકી માત કરી શકાય છે. સંસ્કૃત વ્યાકરણકાર પાણિનિની હસ્તરેખામાં વિદ્યા નહોતી. તેમણે ગુરુની ઉપાસના કરી. તીક્ષ્ણ હથિયારથી પોતાના જમણા હાથે વિદ્યાની રેખા ખેંચી. આજે વિશ્વભરમાં પાણિનિનું વ્યાકરણ પ્રખ્યાત છે. આપણામાં કહેવત છે કે ફાંસીની સજા હતી પણ સોય ખાઈને છૂટી ગયો, કારણ તે કર્મ કરતો હતો. કર્મને લીધે જાગૃત હતો, જાગૃત હતો એટલે સાવધાન હતો. જે સાવધાન રહે છે તેને અવળા ગ્રહો પણ ઝાઝું નુકસાન કરી શકતા નથી. તેથી અનુકૂળ ગ્રહોને આવકારવા, સત્કર્મ થકી રીઝવવા. સારા દિવસોમાં દાનધર્મ કરતા રહેવું. ગ્રહોની પ્રતિકૂળ અસર પણ ઓછી થતી જશે, તમારી પ્રવૃત્તિઓને વેગ મળશે અને દેખાશે કર્મનો ચમત્કાર.
-હેમંત ઠક્કર