24 August, 2025 01:29 PM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર
ક્લટર શબ્દ આજકાલ બહુ પ્રચલિત છે. વાસ્તુશાસ્ત્રમાં એને નકારાત્મક ઊર્જા ગણવામાં આવે છે. જેનો ઉપયોગ નથી, જે ઘરમાં ગેરવ્યવસ્થા ફેલાવે છે કે પછી જે નજીકના ભવિષ્યમાં કામમાં આવવાની નથી એવી ચીજવસ્તુનો નિકાલ સમયાંતરે થતો રહેવો જોઈએ. ક્લટર શું કામ ઘર કે ઑફિસમાંથી નિયમિત દૂર થવું જોઈએ એ સમજવા જેવું છે.
સકારાત્મક ઊર્જા પ્રવાહી છે, જ્યારે ક્લટર પૃથ્વી તત્ત્વ જન્માવવાનું કામ કરે છે જે પ્રવાહી ઊર્જાને રોકવાનું અને અડચણરૂપ બનાવવાનું કામ કરે છે. લાંબો સમયથી પડી રહેલું ક્લટર દીવાલ જેવું બની જાય છે, જેને લીધે સકારાત્મક ઊર્જાનો પ્રવેશ અટકી જાય અને પ્રગતિ અટકે. ક્લટર તરીકે કઈ-કઈ ચીજવસ્તુને જોવી જોઈએ અને શેનો નિકાલ તાત્કાલિક કરવો જોઈએ એ જાણવું જોઈએ.
બિનઉપયોગી ચીજવસ્તુ
એવી ચીજવસ્તુઓમાંથી મોટા ભાગની ચીજવસ્તુઓ વિશે લોકોને ખબર હોય છે પણ વપરાશમાં ન આવતાં કપડાં પણ ક્લટર ગણાય અને ઉપયોગમાં ન લેવામાં આવતાં વધારાનાં ચંપલ સુધ્ધાં ક્લટર છે. આ પ્રકારના સામાનમાંથી જો કોઈનો ઉપયોગ છેલ્લા ત્રણ મહિનામાં ન થયો હોય તો એ ક્લટર માની શકાય એટલે કાં તો સંઘરી રાખેલાં કપડાં અને જૂતાં સુધ્ધાંનો નિયમિત ઉપયોગ કરવો અને નહીં તો એનો નિકાલ કરવો જોઈએ.
ક્લટર બનેલાં કપડાં કે અંગત વપરાશની ચીજવસ્તુ વ્યક્તિગત રીતે વ્યક્તિનો વિકાસ રુંધે છે.
એક્સપાયર્ડ ચીજવસ્તુ
એક્સપાયરી થઈ ગયેલી દવાઓ, કૉસ્મેટિક પ્રોડક્ટ્સ કે પછી ફૂડ-આઇટમને ઘરમાં રાખવી ન જોઈએ. આ પ્રકારની ચીજવસ્તુ પરિવારના સભ્યોમાં બીમારી લાવવાથી માંડીને પરિવારના સભ્યોને નબળાઈ આપવાનું કામ કરે છે. જે ઘરોમાં વૃદ્ધો રહેતા હોય છે એ ઘરોમાં આ પ્રકારની ચીજવસ્તુઓનો સંગ્રહ થતો રહેતો હોય છે. મોટી ઉંમરના વડીલોએ કે પછી અંગ્રેજી વાંચવામાં તકલીફ પડતી હોય એવા લોકોએ ચોક્કસ સમયગાળે કોઈની હેલ્પ લઈને ઘરમાં રહેલી દવા, વસ્તુઓની એક્સપાયરી ડેટ ચેક કરાવી લેવી જોઈએ.
જો શક્ય હોય તો જે-તે પ્રોડક્ટ પર સમજાય એ ભાષામાં એક્સપાયરી ડેટનું સ્ટિકર પણ લગાવી દેવું જેથી વારંવાર કોઈને બોલાવવામાં સંકોચ ન થાય.
બિનજરૂરી કાગળો
અનેક પરિવારો એવા છે જે પસ્તીના નામે રદ્દી કાગળ પણ ઘરમાં સાચવી રાખતા હોય છે. આ બહુ ખરાબ આદત છે તો એ પણ એ ખરાબ આદત છે કે જેમાં સમયસર રદ્દીનો નિકાલ ન થાય. ઘર તમારા રહેવા માટે છે, ભંગાર કે રદ્દીની ચીજવસ્તુઓ માટે નથી અને આ વાત નિયમિત રીતે મનમાં રહેવી જોઈએ. જે ઘરમાં રદ્દીનો સામાન લાંબો સમય પડ્યો રહે છે એ ઘરમાં નાહકની દલીલો, તર્કવિતર્કનું પ્રમાણ મોટું હોય છે જે સમય જતાં ઝઘડામાં પરિણમે છે.
ઘરમાં બિનજરૂરી કાગળને ક્યારેય રહેવા દેવા નહીં. એનો તરત જ ડસ્ટબિનમાં નિકાલ કરવો અને દરેક સૂર્યાસ્ત પછી ડસ્ટબિન ઘરની બહાર મૂકી દેવાનો નિયમ રાખવો. કચરો ક્યારેય આખી રાત ઘરમાં ન રહેવો જોઈએ. એક ખાસ વાત, ક્યારેય ખુલ્લી ડસ્ટબિન વાપરવી નહીં.
નકારાત્મક યાદોને
આ વાત સૌકોઈએ ખાસ સમજવાની જરૂર છે. એવું નથી કે સંઘરાખોરી કરવાની આદત યંગસ્ટર્સને જ હોય છે, બા-બાપુજીની જૂની વસ્તુ સાચવી રાખવાની માનસિકતા મમ્મી-પપ્પામાં પણ ભારોભાર જોવા મળે છે. જો એ કીમતી ચીજવસ્તુ હોય તો પ્રયાસ કરવો કે એનો ઉપયોગ નિયમિત થતો રહે. જો એ કીમતી ન હોય તો એનો નિકાલ કરવાની માનસિકતા કેળવવી જોઈએ. ઘણાં ઘરોમાં ગુજરી ગયેલાં બાની સાડી કે બાપુજીનો ઝભ્ભો કે શર્ટ સાચવી રાખવામાં આવે છે તો કેટલાક લોકો તો બા-બાપુજીએ લખેલા પત્રો પણ સાચવી રાખે છે. આજના આ ડિજિટલ યુગમાં એ પત્રોને સાચવવાના બીજા અનેક રસ્તાઓ આવી ગયા છે ત્યારે એ ફિઝિકલી સાચવવા ન જોઈએ. ધારો કે સાચવવા હોય તો એને યોગ્ય રીતે સાફસૂફ કરીને મઢાવી લેવા જોઈએ અને એ પણ તો જ જો એમાં કોઈ નકારાત્મક વાત જોડાયેલી ન હોય.
પોતાના એક્સે આપેલી ગિફ્ટને સાચવી રાખનારાઓ પોતાની જાતને ભૂતકાળ સાથે બાંધી રાખતા હોય છે એટલે એવું કરવું પણ વાજબી નથી. જે સંબંધો જ ભૂતકાળ બની ગયા છે એ સંબંધોમાં મળેલી ચીજવસ્તુઓને પણ છોડી દેવી જોઈએ.