નેગેટિવ સપનાં આવતાં હોય તો એની અસર દૂર કરવા માટે શું કરવું?

14 July, 2024 07:08 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

મનમાં રહેલી નકારાત્મકતા જ્યારે સપાટી પર આવે ત્યારે એ ખરાબ સપનું બનીને ઊભરી આવે છે. ખરાબ સપનાને લાંબો સમય સાથે રાખવું નહીં. ફુગ્ગાને જો નાનો કરવો હોય તો એમાંથી હવા કાઢી નાખવી એ એક સરળ રસ્તો છે તો એવો જ રસ્તો સપનાનો છે

પ્રતીકાત્મક તસવીર

સૌથી પહેલો પ્રશ્ન તો એ છે કે નકારાત્મક સપનાંઓ આવતાં શું કામ હોય છે?

મનના સુષુપ્ત ભાગમાં રહેલી નકારાત્મકતા ઊંઘ સમયે સપાટી પર આવી સપનાં બને છે. દરેક વખતે જે-તે ઘટના સાથે જોડાયેલી નકારાત્મકતા એ જ સ્વરૂપમાં બહાર આવે એવું નથી બનતું. ઘણી વખતે એ સિમ્બૉલિક રીતે પણ સપનાનું રૂપ લે છે. ઉદાહરણ સાથે સમજાવું તો જો કોઈને થાળીમાં મળ જોવા મળે તો એનો અર્થ એવો નીકળે કે તેની રોજીરોટીની બાબતમાં મોટી નકારાત્મકતા બહાર આવવાની સંભાવના વધારે છે. એવી જ રીતે જો સપનામાં હયાત વ્યક્તિનું મૃત્યુ જોવા મળે તો એ હયાત વ્યક્તિ પ્રત્યેની ચિંતા પણ દર્શાવે છે તો સાથોસાથ હયાત વ્યક્તિ પર આવી રહેલી ઘાત પણ દર્શાવે છે. કહેવાનો ભાવાર્થ એવો છે કે સપનાંઓ મનના સુષુપ્ત ભાગમાં રહેલા એવા વિચારો છે જે અત્યંત શાંત સમયે, શાંત વાતાવરણમાં અને અશાંત માનસિક અવસ્થા વચ્ચે બહાર આવે છે.

સકારાત્મક સપનાંઓ માટે ચિંતા કરવાની જરૂર નથી, પણ નકારાત્મક સપનાંઓ ચિંતાજનક છે અને એટલે જ નેગેટિવ સપનાંઓની અસર કેવી રીતે દૂર કરવી એ જાણવું જરૂરી છે. અહીં એના અમુક રસ્તાઓ દર્શાવ્યા છે જેનો અમલ લાભદાયી પુરવાર થઈ શકે છે.

૧. ઈશ્વરનું નામ સૌથી સરળ રસ્તો

સામાન્ય રીતે નાનપણમાં આ જ વાત આપણને શીખવવામાં આવે છે કે ડર લાગે કે ડર લાગી શકે એવું કશું બને તો તરત ભગવાનનું નામ લેવું. ઈશ્વર સકારાત્મક એનર્જી છે અને સકારાત્મકતા હંમેશાં લાઇટ-વેઇટ હોય છે એટલે જ્યારે પણ નેગેટિવ સપનાં આવે ત્યારે ભગવાનનું નામ લેવું, એમાં કશું ખોટું પણ નથી; પણ નામ લેવાની એ પ્રક્રિયા યંત્રવત્ ન હોવી જોઈએ. પૂરી શ્રદ્ધા અને આસ્થા સાથે નામ લેવું. આ માટે જો શક્ય હોય તો ખરાબ સપનું જોયા પછી આંખ ખૂલે કે તરત પથારીમાંથી ઊભા થઈને હાથ-મોઢું ધોઈ લેવાં અને એ પછી ભગવાનનું નામ લેવું વધારે હિતાવહ છે. આ પ્રક્રિયા બહાર ગયા હોઈએ એ સમયે ખાસ ઉપયોગી બને છે.

૨. કપૂરનો કરો ઉપયોગ

જો ભાગ્યે જ નેગેટિવ સપનાંઓ આવતાં હોય તો વાત જુદી છે, પણ ધારો કે એનો ક્રમ વધી જાય તો આ ઉપાય કારગત નીવડે એવો છે. રાતે સૂતાં પહેલાં કપૂરનો એક નાનકડો ટુકડો તકિયા નીચે એવી જગ્યાએ રાખવો જેથી એની સુગંધ પણ તમને આવ્યા કરે. જો સ્કિનને કોઈ અૅલર્જી ન હોય તો કપૂરનો થોડો ભૂકો તકિયાની ઉપર છાંટી પણ શકાય છે. આ કાર્ય કરવાથી ખરાબ સપનાં આવવાનો ક્રમ ઘટશે અને ધારો કે એ પછી રાતે ખરાબ સપનું આવે અને આંખો ખૂલી જાય તો તરત તકિયા પાસે રહેલા કપૂરને બે હાથમાં મસળીને હથેળીને કપ-શેપ બનાવી એ 
કપમાંથી કપૂરની ખુશ્બૂ શ્વાસમાં ભરવી. ધ્યાન રાખવું કે આંખને હાથ ન સ્પર્શે. પૉઝિટિવ એનર્જી આપવામાં કપૂરથી ઉત્તમ કંઈ નથી. નકારાત્મક સપનાંઓ આવતાં હોય તો રાતે સૂતાં પહેલાં કૅમ્ફર-વૉટર કે કપૂરના સાબુથી શાવર લેવું પણ લાભદાયી બને છે. જો ક્યાંય બહાર ગયા હો તો સાથે કપૂર રાખવાનો પ્રયાસ કરવો.

૩. લવિંગ પણ છે ઉપયોગી

જો કોઈ અત્યંત ભયાનક સપનું આવે જેને લીધે મન વ્યાકુળ બની જાય તો એવા સમયે લવિંગનો પ્રયોગ કારગત બને છે. લવિંગની આકૃતિ તમે જોઈ હશે જે અમુક માનવ-આકૃતિ સાથે બંધબેસતી છે. અત્યંત ભયાનક સપનું જોયા પછી જાગી જાઓ તો ઈશ્વરનું નામ લઈને એક લવિંગને સળગાવવું જોઈએ. અગ્નિપુરાણમાં કહ્યું છે કે સપનાનો એટલે કે માનસપટ પર ઊપસી આવેલા વિચારનો નાશ કરવો હોય તો એને માનવદેહનું સ્વરૂપ આપી એને દાહ આપવો જોઈએ. લવિંગ સળગાવતાં પહેલાં ભગવાનનું નામ લેવું અને એ પછી એની ઉપર રહેલી ગોળાકાર કૅપને તોડી એ સ્થાનેથી લવિંગ સળગાવવું અને સળગતું લવિંગ કોઈ વાસણમાં મૂકી દેવું. સળગતા લવિંગની સાથે તમને મનમાં પ્રસરેલી નકારાત્મકતામાંથી છુટકારો મળતો હોય એવો સ્પષ્ટ અનુભવ થશે.

લવિંગ સળગાવ્યાની થોડી સેકન્ડ પછી ઘરનાં તમામ બારી-બારણાંઓ ખોલી નાખવાં. સળગેલા લવિંગની રાખ ઘરમાં રાખેલા પ્લાન્ટમાં નાખી શકાય અને ધારો કે પ્લાન્ટ ન હોય તો એનો નિકાલ કોઈ અવાવરું જગ્યાએ પણ કરી શકાય. ધારો કે લવિંગ આખું ન સળગ્યું હોય તો એને કુલ ત્રણ વખત સળગાવી શકાય. ત્રણ વારથી વધારે સળગાવ્યા પછી એને ફરી સળગાવવાનો પ્રયાસ કર્યા વિના એનો નિકાલ કરી નાખવો.

astrology life and style