ઘરમંદિરમાં શું રાખવું, ક્યારે સફાઈ કરવી જેવા સવાલના જવાબ જાણીએ

02 June, 2024 07:31 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

તમે પ્રાર્થના કરો છો ત્યારે એ તેત્રીસ કરોડ દેવી-દેવતાને કરો છો કે પછી સ્પેસિફિક રીતે કરો છો? મંદિરમાં ધર્મને લગતા સાહિત્ય, ફોટો કે પ્રતિમાઓનો ઢગલો ક્યારેય ન કરવો જોઈએ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

કેટલાક પ્રશ્ન હોય છે એ વ્યક્તિગત હોય છે તો કેટલાક પ્રશ્ન સહજ હોય છે. આજે એવા જ સહજ સવાલોના જવાબ જાણવાના છે જે દસમાંથી નવ વ્યક્તિના મનમાં ક્યારેક ને ક્યારેક આવી ચૂક્યા હોય છે અને પછી યોગ્ય જવાબ નથી મળતો. જો તમારા મનમાં આ સવાલ જન્મ્યા હોય તો મેળવી-જાણી લો એ જવાબ

૧. ભગવાનને મંદિરમાં જ રાખવા જોઈએ? બહાર ખુલ્લામાં રાખીએ તો શું વાંધો આવે?
વાંધો કંઈ ન આવે, પણ ખુલ્લામાં રાખવામાં આવેલી ભગવાનની પ્રતિમા કે પછી તેમની તસવીરને જો તમે છત ન આપી હોય તો એ જે ઊર્જા પ્રદાન કરે છે એ સંગ્રહિત નથી થતી અને એને લીધે યોગ્ય પરિણામ નથી મળતું. એક સામાન્ય ઉદાહરણ સાથે વાતને સમજીએ. ગાડીમાં સાઇલન્સર એક જ હોય છે, પણ જો એને બદલે એક ગાડીમાં પંદર સાઇલન્સર મૂકી દેવામાં આવે તો? એવા સમયે ગાડીમાં પિક-અપ આવે જ નહીં. ઘરમાં મંદિર એક જ હોવું જોઈએ અને એ જ મંદિરમાં દરેક ભગવાનને સ્થાન મળવું જોઈએ. મંદિરમાં રાખવામાં આવેલા ઈશ્વર એમની આરાધના કરનારાને સકારાત્મક ઊર્જા આપે છે, જ્યારે ખુલ્લામાં રાખવામાં આવેલા ઈશ્વર બધાને એ એનર્જી આપે છે. પરિણામે એ એનર્જીમાં જોઈએ એવી સક્ષમતા ન હોય એવું બની શકે છે.

૨. મને ક્યાંયથી પણ ધર્મને લગતું કોઈ સાહિત્ય, ફોટો કે પ્રતિમા મળે છે એ બધાને હું મંદિરમાં રાખું છું. એવું કરી શકાય?
કરી શકાય, પણ આઇડિયલી કરવું ન જોઈએ. જગતમાં તેત્રીસ કરોડ દેવી-દેવતા છે એવું શાસ્ત્રો કહે છે. તમે પ્રાર્થના કરો છો ત્યારે એ તેત્રીસ કરોડ દેવી-દેવતાને કરો છો કે પછી સ્પેસિફિક રીતે કરો છો? મંદિરમાં ધર્મને લગતા સાહિત્ય, ફોટો કે પ્રતિમાઓનો ઢગલો ક્યારેય ન કરવો જોઈએ. તમારાં કુળદેવી, કુળદેવતા અને તમને જેમનામાં અત્યંત આસ્થા હોય એ ત્રણથી વધારે ભગવાનને એક મંદિરમાં સ્થાન ન આપવું જોઈએ. તમે વિશાળ મંદિરો પણ જોઈ લો. ગર્ભદ્વારમાં એક જ ભગવાન હશે. અન્ય ભગવાનને સ્થાન મળ્યું હશે તો પણ એ ગર્ભદ્વારમાં નહીં હોય. આ સવાલ પછી જો મનમાં પ્રતિપ્રશ્ન જન્મે કે મંદિરમાં રહેલા અન્ય ભગવાનોની પ્રતિમા કે ફોટોનું શું કરવું તો એનો જવાબ છે, એ જ્યાંથી આવ્યાં છે ત્યાં પરત કરવાં એટલે કે એમને મોટા મંદિરમાં જઈને યોગ્ય સ્થાન પર મૂકી દેવાં.

૩. કોઈ મંદિરમાં બિરાજમાન ભગવાનનો મંત્ર કે ન આવડતો હોય તો શું કરવું જોઈએ?
આપણાં શાસ્ત્રોમાં અમુક મંત્રો કે શ્લોકો એવા છે જેનું દરેક ભગવાન સામે પઠન કરી શકાય છે. જો એ આવડતા હોય તો એનું રટણ કરવું જોઈએ. અન્યથા ઓમના નાદ સાથે એ ભગવાન કે દેવીમાનાં દર્શન કરવાં જોઈએ. જોકે એવું ન કરવું જોઈએ કે ગાયત્રી મંદિરે જઈને મા દુર્ગાના મંત્રનું રટણ કરો. અહીં સામાન્ય બુદ્ધિનો વપરાશ કરવાનો છે. કોઈ તમારી પાસે આવીને ભળતા જ નામથી તમને બોલાવે કે કશું કહે તો તમે એ વાત પર કેટલું ધ્યાન આપો? કાં તો ધ્યાન આપો જ નહીં અને ધ્યાન આપો તો નારાજગી સાથે આપો. આ તો સર્વસર્વા છે. એ ધ્યાન તો આપે, પણ મનમાં નારાજગી રહી શકે છે માટે પહેલો પ્રયાસ એવો કરવો કે દરેક મંદિરમાં બોલી શકાય એવા મંત્ર કે શ્લોક જાણી લેવા અને કાં તો નમ્રતાપૂર્વક ઓમના નાદ સાથે ઈશ્વરનાં દર્શન કરવાં.

૪. મંદિરની સાફસફાઈ કેટલા સમયે કરવી જોઈએ?
સામાન્ય જવાબ છે કે જ્યારે પણ કામમાં હળવાશ મળે ત્યારે આ કાર્ય કરવું જોઈએ. શાસ્ત્રોક્ત જવાબ છે કે દરેક અમાસ પછી મંદિરની સફાઈ કરી લેવી જોઈએ. મંદિરની સફાઈમાં કાળજી એ વાતની રાખવાની કે એમાંથી બહાર લાવવામાં આવેલી તમામ પ્રતિમા, ફોટોગ્રાફ્સ કે પછી ધાર્મિક સાહિત્યને જમીન પર મૂકવાને બદલે બાજોઠ પર કે કાચના વાસણમાં મૂકવાં. શક્ય હોય ત્યાં સુધી સ્ટીલના વાસણનો ઉપયોગ કરવો નહીં. બીજું ધ્યાન એ રાખવું જોઈએ કે મંદિરની સફાઈ માટે સ્વચ્છ કપડું લેવું અને એનો ઉપયોગ કાયમી ધોરણે મંદિરની સફાઈ માટે જ કરવો. ધારો કે પ્રતિમા હોય અને એને પાણીથી સાફ કરવાની ઇચ્છા હોય તો ગંગાજળ મળે તો અતિ ઉત્તમ, પણ જો એ ન મળે તો સાદું પાણી પણ ચાલે. પ્રતિમા, મૂર્તિ કે મંદિરને જે પાણીથી સાફ કર્યું હોય એને ફેંકવાને બદલે પ્રયાસ કરવો કે એ પાણી ઘરમાં રાખેલા કૂંડામાં પધરાવી દેવું. તુલસીનો છોડ હોય તો અતિ ઉત્તમ. બાકી અન્ય છોડ પણ ચાલે. ધારો કે કોઈએ ઘરમાં કોઈ છોડ નથી રાખ્યો તો આડોશી-પાડોશીના ઘરના કૂંડામાં પણ એ પધરાવી શકાય. જોકે અહીં એક ખુલાસો પણ કરવાનો કે દરેક ઘરમાં એક છોડ હોવો જ જોઈએ.
ઘરમાં રાખેલો પ્લાન્ટ તમારા વિકાસની નોંધ લેતો હોય છે અને સાથોસાથ તમારા વિકાસને આગળ વધારવાનું કામ પણ કરતો હોય છે.

astrology life and style columnists