અર્થકોશ ભરનારા ગુજરાતીઓને આ શબ્દકોશ વિશે ભાગ્યે જ જાણકારી હશે

01 July, 2025 11:46 AM IST  |  Mumbai | Jainacharya shree Udayvallabhasuri

ભગવદ્ગોમંડળ નામક આ શબ્દકોશના કુલ નવ ભાગ હતા, જે બધાં મળીને કુલ ૯,૭૨૦ પાનાં થયાં. ૧૯૪૪ની ૨૪ ઑગસ્ટે પ્રથમ ભાગ પ્રગટ થયો.

પ્રતીકાત્મક તસવીર

કવિ ઉમાશંકરે હીંચકા લેતી ગુર્જર ભાષા નામની કન્યાને લાડથી ઉછેરનારા તરીકે જૈનાચાર્ય હેમચંદ્રાચાર્યજીને નવાજ્યા છે. ત્યારે આ ભાષા માટે ભગીરથ પ્રયાસ કરનારા એક સમર્થ રાજવીની વાત, જે માત્ર આઠેક દાયકા પહેલાંની છે, એને વાગોળીએ.

ગોંડલના મહારાજા ભગવંતસિંહજી ઇંગ્લૅન્ડમાં પ્રવાસે ગયા હતા. એક સ્થળે તેમણે ‘Bazar’ શબ્દ લખેલો જોયો. મહારાજા ફ્લુઅન્ટ અંગ્રેજી બોલી શકતા હતા. તરત જ તેમને થયું કે ‘માર્કેટ’ શબ્દ હોવા છતાં ગુજરાતીનો ‘બજાર’ શબ્દ અહીં ચોક્કસ ગુજરાતીઓનું વર્ચસ્વ જણાવે છે. વિદેશમાં પણ ગુજરાતી ભાષાની તાકાત જોઈને તેમને ગુજરાતી ભાષાનો અતિ સમૃદ્ધ શબ્દકોશ રચવાની ઇચ્છા જાગી. એક ‘બજાર’ શબ્દએ સાહિત્ય બજારમાં કેવી ભરતી લાવી એ હવે જુઓ. ભારત પરત ફરીને તરત તેમણે આ કાર્ય શરૂ કરી દીધું. યાદ રહે, ડિજિટાઇઝેશન પૂર્વેના યુગમાં શબ્દભંડોળ એકત્રિત કરવું, MS Excelની મદદ વિના વિભાજિત કરવું, એના અનેકાનેક અર્થોનો સંગ્રહ કરવો એ મહેનત માગે એવું કામ હતું. આ માટે તેમણે અલાયદા ઓરડાને ‘કોશ કચેરી’ તરીકે તૈયાર કરી દીધો. એક સામાન્ય કારકુનની માફક તેઓ જાતે પ્રૂફ-રીડિંગ પણ કરતા.

રાજ્ય સંચાલન સાથે દિન-રાત એક સંનિષ્ઠ સાહિત્યકારની જેમ મહેનત કરતા. આ ભાષાયજ્ઞ પૂરાં ૨૬ વર્ષ ચાલ્યો. તૈયાર થયેલો આ નવતર શબ્દકોશનો વિષય વૈભવ પણ ગજબનો હતો. આ કોશમાં કુલ ૨,૮૧,૩૭૭ શબ્દો, ૫.૪૦ લાખ અર્થ અને ૨૮,૧૫૬ રૂઢિપ્રયોગોનો સમાવેશ થયો હતો. ૨૬ વર્ષ કોશ કચેરી સંચાલન અને છાપકામ બધું મળીને ફક્ત ૨.૭૫ લાખનો ખર્ચ થયો. પડતર કિંમત પ૪પ રૂપિયા હોવા છતાં ભાષાપ્રેમી માટે ફક્ત ૧૪૬ રૂપિયામાં અપાતો. ભગવદ્ગોમંડળ નામક આ શબ્દકોશના કુલ નવ ભાગ હતા, જે બધાં મળીને કુલ ૯,૭૨૦ પાનાં થયાં. ૧૯૪૪ની ૨૪ ઑગસ્ટે પ્રથમ ભાગ પ્રગટ થયો.

પ્રસ્તુત ગ્રંથની પ્રસ્તાવના લખવાનું ગાંધીજીને કહેવામાં આવ્યું. આટલા વિરાટ કાર્યને ન્યાય આપવાનું કેટલું કપરું છે એ જાણીને તેમને લખવાનું પોતાનું અસામર્થ્ય દર્શાવીને પંચગનીથી તેમણે જણાવ્યું: ‘માતૃભાષાની આવી મોટી સેવા ભાગ્યે જ થઈ હશે.’ દ્વારકાના એ સમયના શંકરાચાર્યજી શ્રી અભિનવ તીર્થજીએ નવમા અને છેલ્લા ભાગને વધાવીને એનું પૂજન કર્યું હતું. આજના યુગની માગ અને મર્યાદા સમજીને આ ગ્રંથનું સંપૂર્ણ ડિજિટાઇઝેશન થઈ ગયું છે. અર્થકોશ ભરતા રહેલા ગુજરાતીઓ આવી વૅલ્યુએબલ રચનાની કદર કરી શકશે? જ્યાં ને ત્યાં અંગ્રેજી શબ્દ ટપકાવનારા એના પર્યાયો ગુજરાતીમાં શોધશે તો માતૃભાષાના આત્માને શાતા વળશે કારણ કે માતૃભાષાની ભક્તિથી મોટો કોઈ ધર્મ નથી.

culture news life and style gujarati medium school gujarati mid day news mumbai columnists jain community gujarati community news history