એક્સર ગાંવના હૃદયમાં આજેય ધબકે છે વીર યોદ્ધાઓની સ્મૃતિગાથા

09 November, 2024 09:54 AM IST  |  Mumbai | Sameera Dekhaiya Patrawala

ભરચક ટ્રાફિક અને ઊંચાં પૉશ બિલ્ડિંગોની વચ્ચે બોરીવલીના એક્સર ગામના ‘ક્લબ ઍક્વેરિયા ગ્રૅન્ડ’ના પ્રાંગણમાં એક ભવ્ય પ્રાચીન વારસો છે

શિલાલેખો

ભરચક ટ્રાફિક અને ઊંચાં પૉશ બિલ્ડિંગોની વચ્ચે બોરીવલીના એક્સર ગામના ‘ક્લબ ઍક્વેરિયા ગ્રૅન્ડ’ના પ્રાંગણમાં એક ભવ્ય પ્રાચીન વારસો છે. પહેલી નજરે સાવ એમ જ પડેલા દેખાતા પથ્થરો ન કેવળ એક્સર ગામના બલ્કે કોંકણના ઇતિહાસના પુરાવાઓ સમાવીને બેઠા છે અને એક્સર ગામના વાસીઓ માટે એ મંદિરથી કમ નથી

બોરીવલીના સૌથી પૉશ ગણાતા બિલ્ડિંગ ‘ક્લબ ઍક્વેરિયા ગ્રૅન્ડ’ના પ્રાંગણ પાસે ખૂબ જ ઓછી જાણીતી ચાર શિલાઓ છે જેમાં ભવ્ય પ્રાચીન વારસો સચવાયેલો છે. એક્સર ગામના ગણપતિના મંદિર પાસે વીરગલ તરીકે ઓળખાતી આ જગ્યા ઐતિહાસિક અને શહીદોની સ્મૃતિગાથા બતાવે છે જેમાં કોંકણના ઇતિહાસના અનેક પુરાવાઓ પણ રજૂ કરે છે. વીરગલ હીરો સ્ટોન તરીકે ઓળખાતાં આવાં સ્મૃતિશિલ્પો આમ તો ભારતભરમાં ઠેર ઠેર જોવા મળે છે પણ આ પથ્થરો પર કશુંક એવું કંડારાયેલું છે જે ઇતિહાસની દૃષ્ટિએ એને સૌથી અલગ પાડી દે છે. આવો જાણીએ વીરતા, ભક્તિ અને મહારાષ્ટ્રના સાંસ્કૃતિક વારસાની કથા કહેતા આ એક્સરના વીરગલ હીરો સ્ટોન વિશે.

પ્રાચીન કાળથી દુનિયાભરમાં એવી પરંપરા રહી છે કે જ્યારે પણ કોઈ બહાદુર યોદ્ધાઓ યુદ્ધમાં લડતાં-લડતાં શહીદ થઈ જાય છે ત્યારે તેમની કુરબાનીની યાદમાં મોટી-મોટી શિલાઓ પર તેમની યશગાથાઓ વર્ણવતાં સ્મારક બનાવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં જે ‘વીરગલ’ નામથી વધુ પ્રખ્યાત છે એને આપણે ‘વીર સ્મારક’ કે ‘હીરો સ્ટોન’ નામે પણ ઓળખીએ છીએ. આ વિશે જણાવતાં વર્ષોથી મુંબઈના આરંભ હેરિટેજના ઇતિહાસવિદ નવીન કિશોર મ્હાત્રે કહે છે, ‘આ સ્મારકો એક રીતે બહુ જ મૂલ્યવાન હોય છે કારણ કે એના પરથી ન કેવળ તેમની વીરતાનો ઇતિહાસ મળે છે, પણ જે-તે સમયના રાજકીય અને સામાજિક સંઘર્ષની દાસ્તાન પણ જાણી શકાય છે. મહારાષ્ટ્રમાં આવા પથ્થરો મુખ્યત્વે ચાર જગ્યાએ જોવા મળે છે જેમાં ભુઈન્જ, એક્સર, ભૈરવનાથ મંદિર (કિકલી) અને ભાઈરી મંદિર (રત્નાગિરિ)માં આવા શિલાલેખો જોવા મળ્યા છે.’

ચાર શિલાઓમાં શું છે?

એક્સરમાં પહેલાં પાંચ શિલાઓ હતી. કોઈ કારણસર આજે ચાર જ જોવા મળે છે. આ વાતની પૂર્તિ કરતાં નવીનભાઈ કહે છે, ‘હા, પાંચમી શિલા ખોવાઈ ગઈ છે અથવા નાશ પામી છે એવું મનાય છે. વીરગલ મુખ્યત્વે અલગ-અલગ પૅનલમાં વિભાજિત હોય છે જેમાં ઉપરનો ભાગ અમૃત કુંજ ધરાવે છે. સૌથી ઉપરની પૅનલમાં શિવ કે વિષ્ણુ જેવા દેવની ભક્તિનાં ચિહ્નો જોવા મળે છે. મહારાષ્ટ્રમાં મોટા ભાગે શિવલિંગ જોવા મળે છે. વચ્ચેના ભાગમાં યોદ્ધાઓને સ્વર્ગમાં લઈ જતા હોય એવી ગાથા જોવા મળે છે. અને છેલ્લી પૅનલમાં આખા યુદ્ધની ગાથા જોવા મળે છે. આમાં ક્યારેક શ્લોકો પણ જોવા મળે છે. એવું મનાય છે કે ત્યારે કોઈ યોદ્ધો મૃત્યુ પામે તો પૂજારી તેમના માટે ખાસ પથ્થર સિલેક્ટ કરી, એના પર પૂજા કર્યા બાદ એના પર કોતરણી અને વિધિઓ થતી. આવું કોઈ નદી-તળાવની પાસે થતું. આ પથ્થર પહેલાં એક્સર તળાવ પાસે હતા જે આજે નાશ પામ્યું છે.’

એક્સરના વીરોની ગાથા

ભારતભરમાં ચોથી-પાંચમીથી લઈને ૧૮મી સદી દરમિયાન બનેલાં આવાં લગભગ ૨૬૫૦ જેવાં વીર સ્મારકો જોવા મળે છે જેમાં મોટા ભાગનાં કર્ણાટકમાંથી મળ્યાં છે. આવું જણાવતાં નવીનભાઈ કહે છે, ‘બીજા બધા વીરગલોની સરખામણીમાં આ વીરગલ એટલા માટે મહત્ત્વના છે કારણ કે અહીં ‘ચતુરંગ’ દળોના પુરાવા જોવા મળ્યા છે. ચતુરંગ એટલે કે યુદ્ધમાં કામમાં આવતાં ચાર દળો; જેમાં ઘોડેસવારનું દળ, હાથીદળ, સૈનિકોનું પદદળ અને નાવિકોનું નૌકાદળ હોય. આ શિલાઓ બારમી-તેરમી સદીની આસપાસની જણાય છે. હાલના ક્લબ ઍક્વેરિયાના પ્રાંગણમાં એને જગ્યા અપાઈ છે. આ શિલાલેખોની હાઇટ ૮ ફીટ જેવી છે. અહીંના લોકો આ સ્ટોનને એકાવીરા દેવી તરીકે પૂજે છે. આજે પણ અહીં દર રવિવારે એક્સર કોલીવાડાના લોકલ લોકો પૂજા કરવા આવે છે. એ લોકો માને છે કે આ તેમના વડવાઓ હતા.’

આ શિલાઓમાં નૌકાદળની યુદ્ધગાથા પ્રમુખ છે.

નૌકાદળની યુદ્ધગાથા

આ શિલ્પોનો વખત આશરે ૧૨૬૫નો દર્શાવાય છે એવું કહેતાં નવીન મ્હાત્રે કહે છે, ‘શિલાહાર સામ્રાજ્ય ત્યારનું સૌથી વધુ પાવરફુલ અને સમૃદ્ધ સામ્રાજ્ય હતું. આજનાં મોટા ભાગનાં પૌરાણિક શિવમંદિરો આ ડાઇનેસ્ટીની દેન છે. શિલાહારી રાજા સોમેશ્વરે કોંકણ પર લગભગ ૧૦ વર્ષ શાસન કર્યું. આ સમયગાળા દરમિયાન જ દેવગિરિના રાજા મહાદેવ યાદવની નજર આ પ્રદેશની સમૃદ્ધિ અને બંદરો તરફ હતી. ઘણા પ્રયત્નો કરવા છતાં શિલાહારો અજિત હતા. આથી ૧૨૬૫માં રાજા મહાદેવે એક મોટી સેના સાથે સોમેશ્વર પર કુચ કરી. સેનામાં બખ્તરબંધ હાથીઓ પણ સામેલ હતા. એક ભયંકર યુદ્ધ થયું, જેમાં સોમેશ્વરની પડતી થઈ રહી હોવાથી તે પોતાનાં યુદ્ધજહાજો લઈને સમુદ્રમાં ગયાં. મહાદેવે તેનો પીછો કર્યો. દરિયામાં પણ ભીષણ યુદ્ધ થયું. મહાદેવે અંતે સોમેશ્વરને તેમના યુદ્ધજહાજ સાથે જલસમાધિ આપી. આજે જે એક્સરની ખાડી છે એ ત્યારે યુદ્ધભૂમિ હતી. એ સમયે કોંકણપટથી જે નૌકાદાળ લડી રહ્યું હતું એ આ ખાડીથી વહેવાર કરતું હશે. પાંચમાંથી બે હીરો સ્ટોન પર આ નૌકાદળની ગાથા જોવા મળે છે. મુંબઈના ઇતિહાસમાં એક સુવર્ણ યુગનો અંત આવ્યો. કેટલાક ઇતિહાસકારો આ યુદ્ધને મુંબઈના ઇતિહાસની સૌથી ખરાબ લડાઈઓ પૈકી એક માને છે.’

એક્સરના વીર અનોખા કેવી રીતે?

મહારાષ્ટ્રમાં કોઈ વીરગલમાં આ સિવાય નૌકાદળ જોવા મળતું નથી એમ જણાવતાં નવીન મ્હાત્રે કહે છે, ‘મહારાષ્ટ્રમાં એક સમયે આખા કોંકણ પર શિલાહાર ડાઇનેસ્ટીનું રાજ હતું. એ લોકો પોતાને ચક્રવર્તી અને પશ્ચિમ સમુદ્રાધિપતિ કહેતા હતા, જે તેમનું સમુદ્ર પરનું આધિપત્ય દર્શાવે છે. મહારાષ્ટ્રમાં આવેલા કોઈ વીરગલમાં નૌકાદળના યૌદ્ધા નથી જોવા મળતા. એક્સરના વીરગલ એના નૌકાયુદ્ધને લીધે બીજા વીરગલો કરતાં વિશેષ બની જાય છે.’

બોરીવલીના દેવીપાડામાં પણ છે હીરો સ્ટોન

સંજય ગાંધી નૅશનલ પાર્ક (SGNP)ની બાજુમાં આવેલી દેવીપાડા વસાહત ૧૯૦૬માં પ્રકાશિત થયેલા ASI અહેવાલ મુજબની સૌથી જૂની વસાહતોમાંની એક છે. એની સાંકડી ગલીમાં ગાંવદેવી મંદિરમાં પણ એક હીરો સ્ટોન અથવા વીરગલ જોવા મળે છે. આ મંદિરની વિશેષતા એ છે કે એમાં રહેલા દેવતા જ આ વીરગલ છે. ધોવાણ અને સાચવણીના અભાવે આ વીરગલ પરની નીચેની પૅનલ ચોક્કસ રીતે ઉકેલી નથી શકાતી, પણ એ કોઈ જમીની યુદ્ધનું વિવરણ કરતું હોય એવું જાણી શકાય છે. આ વીરલગને સાડીની જેમ પોશાક પહેરાવવામાં આવે છે. એ સિવાય એના પર પૂજા માટે સિંદૂર અને ફૂલો પણ ચડાવાય છે. જોકે ખૂબ લાંબા સમયથી સ્થાનિક લોકો પૂજા કરતા હોવા છતાં એના વિશે વધુ વિગતો ઉપલબ્ધ નથી. આવાં હેરિટેજ સ્ટ્રક્ચર્સ વિશે જાગૃતિ ફેલાય તો હજી અનેક વર્ષો ઇતિહાસનો ભવ્ય વારસો સાચવી શકાય.

borivali maharashtra history konkan culture news sanjay gandhi national park mumbai columnists