02 May, 2025 04:32 PM IST | Mumbai | Rajul Bhanushali
પવન કલ્યાણની રશિયન પત્ની
થોડા સમય પહેલાં તેલુગુ ફિલ્મોના ઍક્ટર અને આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણની રશિયન પત્નીએ દીકરાના સ્વાસ્થ્ય માટે માનતા માની અને પછી તિરુપતિ બાલાજીને વાળ અર્પણ કર્યા. દીકરો સિંગાપોરની જે સ્કૂલમાં ભણતો હતો એ સ્કૂલમાં આગ લાગી ગઈ અને તે ઇન્જર્ડ થયો હતો. ત્યાર બાદ તેમણે દીકરો સુખરૂપ સાજો થઈ જાય તો તિરુપતિ બાલાજીને મારા વાળ અર્પણ કરીશ એવી માનતા માની અને દીકરો બચી થઈ ગયા પછી આપ્યા પણ ખરા. શ્રદ્ધા જીવનનું ચાલક બળ છે. ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને પોતાની ભાવતી વસ્તુ નહીં ખાઉં કે ધર્મસ્થાને ચાલતાં આવીશ એવી બાધા રાખીને કે પછી જેમ તિરુપતિ બાલાજીને વાળ અર્પણ કરાય છે એ રીતે ઘણાબધા લોકો બાધા, આખડી, માનતા રાખતા હોય છે. પુરુષો માટે તો પોતાના પૂરા વાળ શેવ કરાવવાનું બહુ નૉર્મલ લાગતું હોય છે પરંતુ જ્યારે મહિલા કોઈક કારણસર પોતાના બધા જ વાળ શેવ કરાવે તો તેને થોડુંક કુતૂહલની દૃષ્ટિએ જોવામાં આવે છે. જોકે તિરુપતિ બાલાજીનાં દર્શને જતી સાઉથની સ્ત્રીઓ માટે આ ખૂબ સહજ વાત છે. જે રીતે બાલાજીને વાળ અર્પણ કરાય છે એ રીતે કચ્છના પણ અમુક પ્રાંતમાં કુળદેવીને વાળ અર્પણ કરવાની પ્રથા છે. અમે એવી મહિલાઓ સાથે વાત કરી જેમણે શ્રદ્ધાપૂર્વક માનતા માનીને કે પ્રથાને ફૉલો કરીને કોઈક દેવસ્થાને પોતાના વાળ અર્પણ કર્યા હોય.
બે વાર માતાજીને વાળ અર્પણ કર્યા છે
ગોરેગામમાં રહેતાં અનીતા ભાનુશાલીએ બે વખત પોતાના વાળ માતાજીને આપ્યા છે. તેઓ કહે છે, ‘મેં એક વખત દીકરાના જન્મ પછી અને બીજી વખત દીકરીના જન્મ પછી માતાજીને વાળ આપ્યા છે. મારું પિયર કચ્છમાં ભવાનીપુર ગામમાં છે અને વારામા અમારાં કુળદેવી છે. મને વારામા પર અખૂટ શ્રદ્ધા છે. મારાં લગ્ન થયા પછી પહેલું બાળક પાંચેક વર્ષે આવ્યું. લગ્નનાં ત્રણેક વર્ષ પછી મેં વારામાની બાધા રાખી હતી કે મને બાળક આવશે એટલે હું મારા વાળ અર્પણ કરીશ. પછી મારો દીકરો ચેનિલ જન્મ્યો અને મેં વારામાને મારા વાળ અર્પણ કર્યા. સંતાન ન થતું હોય તે સ્ત્રી વારામા આગળ ખોળો પાથરે અને વાળ આપવાની બાધા રાખે તો એનો ખોળો અચૂક ભરાય છે. વારામાના દરવાજે કચ્છી ભાનુશાલી ન હોય એ લોકો પણ આવે છે અને સંતાન મેળવીને જાય છે. દીકરા પછી મને દીકરી આવી. ત્યાર બાદ જ્યારે હું પિયર ગઈ ત્યારે માનાં દર્શન કરવા ગઈ અને કોઈ બાધા કે આખડી ન રાખી હોવા છતાં વાળ અર્પણ કર્યા. માના ધામમાં પહોંચીને અત્યંત ભાવવિભોર થઈ જવાયું હતું. તેણે ભરપૂર સુખ આપ્યું છે.’
કોઈ માનતા વગર પણ તિરુપતિ બાલાજીને વાળ અર્પણ કર્યા છે
બાલાજીના ભક્તો તો દેશ તેમ જ વિદેશમાં ખૂણે-ખૂણે મળી આવશે. અંધેરીમાં રહેતાં આરતી ઠક્કરને તિરુપતિ બાલાજીમાં અખૂટ શ્રદ્ધા છે. તેમનું કહેવું છે કે હું બાલાજીની કૃપાથી જ જન્મી છું. પોતાની વાત શૅર કરતાં તેઓ કહે છે, ‘મારાં મમ્મીએ બાલાજીની માનતા માની હતી કે જો મને દીકરી આવશે તો હું તેને લઈને દર્શન કરવા આવીશ અને તેના વાળ પણ અર્પણ કરીશ. હું જન્મી અને પાંચ વર્ષની થઈ ત્યારે મને લઈને મમ્મી અને પપ્પા બાલાજીનાં દર્શને ગયાં હતાં. દર્શન પછી મારા વાળ પણ અપાવ્યા હતા. મને પણ મમ્મીની જેમ બાલાજીમાં ખૂબ શ્રદ્ધા છે. જ્યારે-જ્યારે તેમનો સાદ પડે ત્યારે અમે દર્શન કરવા પહોંચી જઈએ. દસેક વર્ષ પહેલાં પણ હું અને મારી બહેન તિરુપતિ બાલાજીનાં દર્શન કરવા ગયાં હતાં. ત્યારે કોઈ બાધા કે માનતા નહોતી. અમે ત્યાં પહોંચ્યા પછી મને વાળ અર્પણ કરવાની ઇચ્છા થઈ અને મેં કર્યા પણ ખરા. મને બાલાજીમાં અત્યંત શ્રદ્ધા છે. પિતાને જોઉં અને જે લાગણીનું ઘોડાપૂર ઊમટે એવો જ ભાવ મને બાલાજી માટે છે. તેમનું સ્મરણ થાય અને ભાવવિભોર થઈ જવાય.’
એક વાર આપ્યા છે, ફરી આપવાના છે
મુલુંડમાં રહેતાં વંદના ભાનુશાલી પટેલે તેમનાં મમ્મીના સ્વાસ્થ્ય માટે વાળ આપવાની માનતા માની હતી અને તેઓ સાજાં થઈ ગયા પછી આપ્યા પણ હતા. પોતાની વાત માંડતાં વંદનાબહેન કહે છે, ‘મારી મમ્મીને બ્રેસ્ટ-કૅન્સર થયું હતું. તે સિરિયસ હતી. મારાં ફઈને તેમનાં કુળદેવી પર ખૂબ શ્રદ્ધા છે. તેઓ કાયમ વાતો કરતાં હોય કે વારામાના શરણમાં જાઓ અને તે તમારું ન સાંભળે એવું બને જ નહીં. અને મેં મમ્મી કૅન્સરમાંથી ઊગરી જાય તો વારામાને વાળ આપવાની માનતા માની. મમ્મી એકદમ સ્વસ્થ થઈ ગઈ. પછી મેં મોડકૂબા ધામમાં વાળ આપ્યા. મોડકૂબાના વારામાના મંદિરમાં ઘણા લોકો વાળ આપતા હોય છે. મહત્ત્વની વાત એ છે કે ત્યાં ભક્તો જે વાળ અર્પણ કરે છે એ કૅન્સર પેશન્ટ માટે કામ કરતા ફાઉન્ડેશનને પહોંચાડવામાં આવે છે અને એ સૌથી સરસ વાત છે. વારામા ભાનુશાલી જ્ઞાતિના ગોરી ગોત્રનાં કુળદેવી છે. એટલે ભાનુશાલીઓને તો શ્રદ્ધા હોય એમાં નવાઈ નથી, પરંતુ અન્ય ધર્મના લોકો પણ અહીં બાધા-આખડી રાખીને વાળ અર્પણ કરવા આવતા હોય છે. મારા દીકરાએ મોડું બોલવાનું ચાલુ કર્યું છે. તે સરખું બોલતો થઈ જાય એ માટે વાળ આપવાની માનતા મેં માની છે. હવે તે સરસ બોલતો થઈ ગયો છે. હવે પછી જ્યારે કચ્છ જઈશ ત્યારે આ માનતા પણ પૂરી કરીશ.’
બીજી વાર તો કોઈ બાધા-માનતા વગર વાળ આપ્યા
ઘાટકોપરની વલ્લભબાગ લેનમાં રહેતાં લીના ભાનુશાલીનો અનુભવ વળી તદ્દન જુદો છે. પોતાની વાત શૅર કરતાં તેઓ કહે છે, ‘લગભગ બે દાયકા પહેલાંની વાત છે. મારે બે દીકરીઓ હતી. પણ એમ થયા કરતું કે એક દીકરો જોઈએ. આજકાલ તો બે દીકરીઓ હોય તોય લોકો ત્રીજું બાળક કરતા નથી. આ માનસિકતા તો હમણાં છેલ્લા દસકામાં બદલાઈ છે અને દીકરો-દીકરીને સરખા માનવા લાગ્યા છે, પરંતુ હજી બેચાર દાયકા પહેલાં લોકો એક દીકરો તો જોઈએ જ એવું વિચારતા. દીકરો જ વંશવેલો આગળ વધારશે ને એવું બધું કહેવાતું. અમારુંય આવું જ હતું અને અમે ત્રીજું બાળક પ્લાન કર્યું. દીકરો જોઈતો હતો, પણ દીકરી જ આવી તો શું એ પ્રશ્ન મનમાં ઉદ્ભવતો. એ દિવસોમાં હું જે દેવસ્થાને જતી ત્યાં એ દેવને આજીજી કરતી કે મને દીકરો જ આપજો. એવાં તો અનેક દેવસ્થાને હું ગઈ હોઈશ. એ દિવસોમાં અમે કચ્છ ગયેલા. એક વખત ક્યાંક જતી વખતે મારાં નણંદ સાથે જોડાયાં અને કહ્યું કે મોડકૂબા વચ્ચે આવશે, મને ઉતારતા જજો. મોડકૂબામાં વારામાતાનું મંદિર છે. તેમની સાથે અમે પણ દર્શન કર્યાં. મેં માતાજીને પ્રાર્થના કરી કે ‘હે માતાજી! મને દીકરો જ આપજે. હું તેને લઈને તને પગે લાગવા આવીશ.’ પછી તો વરસની અંદર મારો દીકરો જન્મ્યો. જે-જે દેવસ્થાને મેં તેને માગ્યો હતો ત્યાં-ત્યાં હું તેને દર્શન કરાવવા લઈ ગઈ પરંતુ કોઈક કારણસર મોડકૂબા માતાના મંદિરે જવાનું મારા મગજમાંથી નીકળી ગયું. એ વાતને મહિનાઓ થઈ ગયા. થોડાક મહિના પછી અચાનક મારા વાળ ઊતરવા લાગ્યા અને એટલાબધા ઊતરવા લાગ્યા કે મને સખત ચિંતા થવા લાગી. મારા હસબન્ડ મેડિકલ ફીલ્ડ જોડે સંકળાયેલા છે. પહેલાં તેમણે આપેલા તેલ વગેરે લગાવ્યાં પણ ફરક ન પડ્યો. પછી ડૉક્ટરના ધક્કા ચાલુ થયા. દવાઓ શરૂ થયા પછી પણ મારા વાળ સખત ઊતરતા હતા. એ ઉંમરમાં વાળ આટલા બધા ઊતરે તો સ્વાભાવિક છે કે ચિંતા થાય જ. અમને પણ થતી. એક દિવસ અચાનક રાત્રે બે-અઢી વાગ્યે મને એવું લાગ્યું કે જાણે માએ આવીને મારા કાનમાં કહ્યું કે ‘આખું કચ્છ તું ફરી આવી પણ મને ભૂલી ગઈ!’ અને હું જાગી ગઈ. મારા હસબન્ડને ઉઠાડ્યા. ચૂક થઈ હતી. મેં માને કહ્યું હતું કે દીકરો જન્મશે એટલે તને પગે લગાડી જઈશ, પરંતુ એ વાત હું ભૂલી ગઈ હતી. અમે વહેલી તકે મોડકૂબા જવાનું નક્કી કર્યું. ધામમાં પહોંચીને મેં મારી જે ચૂક થઈ હતી એનું પ્રાયશ્ચિત્ત કરવા માટે વાળ આપ્યા. બીજી વખત વમોટીના મંદિરે પણ મેં વાળ આપ્યા છે. ત્યારે તો કોઈ ચૂકનું પ્રાયશ્ચિત્ત કે બાધા-માનતા નહોતી. બસ, અમારા માથે માતાજી છાંયો કરીને બેઠાં છે એના રાજીપામાં. જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પરચા પણ હોય. કોઈને વિશ્વાસ બેસે કે ન બેસે, પણ મારા માટે તો આ પરચો જ છે. વારામાના ખૂબ પરચા છે. વારામા એટલે આશાપુરા માતાનું જ એક સ્વરૂપ. આ નામ પડ્યું એની પાછળ એક કથા છે. સદીઓ પહેલાં એક સ્ત્રીને સંતાન નહોતું અને એ કારણે તેને કાયમ વાંઝણીનું મહેણું સાંભળવું પડતું. એક વખત તેને ખૂબ લાગી આવ્યું. તેણે મા આશાપુરા પાસે ધા નાખી. મા આશાપુરાને તેણે કહ્યું કે તું મને સંતાન આપીશ તો હું તને મારું માથું ભેટ ચડાવીશ. નવમા મહિને એ સ્ત્રીને દીકરો આવ્યો અને તે પોતાનું માથું વાઢી આપવા તૈયાર થઈ. ત્યારે મા પ્રગટ થયાં અને તેને રોકી, પણ તે સ્ત્રી માની નહીં. તેની હઠ હતી કે વચન તો હું પૂરું કરીશ. ત્યારે મા આશાપુરાએ વચલો રસ્તો કાઢ્યો. તેમણે કહ્યું, આ નવજાતની મા હું ન છીનવી શકું પરંતુ તું તારું માથું વાઢવાને બદલે મુંડન કરીને તારા વાળ મને આપ. એ જમાનામાં પતિના મૃત્યુ પછી જ વાળ ઉતારવામાં આવતા. વૈધવ્ય સ્ત્રી માટે મૃત્યુ સમાન જ ગણાતું. એ સ્ત્રીએ ત્યારે પોતાના વાળ મા આશાપુરાને આપ્યા. કચ્છીઓ વાળને `વાર` કહે, ળનો ઉચ્ચાર કરતા નથી. મા આશાપુરાનું નામ ત્યારથી `વારા` પડી ગયું. પુત્ર આપીને `વાર` લે એ વારા. આજે પણ કોઈને સંતાન ન થતું હોય તો એ વારાના ધામમાં આવીને ખોળો પાથરે તો તેને સંતાનપ્રાપ્તિ અચૂક થાય છે. વારાના ધામથી કોઈ ખાલી હાથે પાછું નથી જતું.’