કૈંચી ધામ કે નીમ કરોલી બાબા

16 June, 2025 06:59 AM IST  |  Nainital | Darshini Vashi

નીમ કરોલી બાબાના પ્રખ્યાત કૈંચી ધામ આશ્રમનો આજે સ્થાપના દિવસ છે એ નિમિત્તે ત્યાં બે લાખ કરતાં પણ વધુ શ્રદ્ધાળુઓ એકઠા થશે એવી ધારણા છે

કૈંચી ધામ

દેશ-વિદેશમાં કરોડોની સંખ્યામાં જેમના ભક્તો છે એવા નીમ કરોલી બાબાના પ્રખ્યાત કૈંચી ધામ આશ્રમનો આજે સ્થાપના દિવસ છે એ નિમિત્તે ત્યાં બે લાખ કરતાં પણ વધુ શ્રદ્ધાળુઓ એકઠા થશે એવી ધારણા છે ત્યારે જાણીએ તેમના વિશે અથથી ઇતિ સુધીની માહિતી અને તેમના ભક્તો પાસેથી જાણીએ તેમની બાબા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા વિશે

નીમ કરોલી બાબા નામ કેટલાક માટે જાણીતું તો કેટલાક માટે પૂજનીય તો કેટલાક માટે સાંભળેલું-સાંભળેલું હોય એવું છે. ભારત દેશ સંતોની ભૂમિ કહેવાય છે જ્યાં અનેક સંતો, ઋષિઓ અને ચમત્કા‌રિક શક્તિ ધરાવતી વિભૂતિઓએ જન્મ લીધો છે. નીમ કરોલી બાબાને તેમના ભક્તો તેમનામાંના જ એક ગણે છે. તો કેટલાક તેમને હનુમાનનો અવતાર પણ માને છે. એટલે જ તેમની ગણના માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ પ્રસિદ્ધ સંતના રૂપમાં કરવામાં આવે છે. આજે તેઓ હયાત નથી છતાં તેમના ઉત્તરાખંડ ખાતે આવેલા કૈંચી ધામ આશ્રમનાં દર્શન કરવા માટે ઍપલના સ્વર્ગીય ફાઉન્ડર સ્ટીવ જૉબ્સ કે ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ જેવી દેશ-વિદેશની મોટી-મોટી હસ્તીઓ વારંવાર અહીંની મુલાકાત લેતી રહેતી હોય છે.

નીમ કરોલી બાબા

કોણ છે નીમ કરોલી બાબા?

નીમ કરોલી બાબાનો જન્મ ઉત્તર પ્રદેશના અકબરપુરમાં ૧૯૦૦ની આસપાસ થયો હતો. તેમના પિતાનું નામ દુર્ગાપ્રસાદ હતું. નીમ કરોલી બાબાનું સાચું નામ લક્ષ્મીનારાયણ શર્મા હતું. જ્યાં સુધી બાબા જીવતા હતા ત્યાં સુધી લોકો તેમને નીમ કરોલી બાબા, લક્ષ્મણદાસ, હાંડીવાલે બાબા વગેરે નામોથી ઓળખતા હતા.

બાબાનું પ્રારંભિક શિક્ષણ ગામમાંથી થયું હતું. કહેવામાં આવે છે કે તેમને ૧૭ વર્ષની ઉંમરથી ભગવાન વિશે વિશેષ જ્ઞાન હતું. ભગવાન શ્રી હનુમાન તેમના ગુરુ હતા. નીમ કરોલી બાબાજીએ પોતાના જીવનમાં લગભગ ૧૦૮ હનુમાન મંદિરો બનાવ્યાં હતાં. તેમના શરૂઆતી જીવનની વાત કરીએ તો બાબાનાં લગ્ન ૧૧ વર્ષની નાની ઉંમરે થયાં હતાં પરંતુ લગ્ન પછી બાબાએ પોતાનું ઘર છોડીને ગુજરાતના એક વૈષ્ણવ મઠમાં દીક્ષા લીધી અને આધ્યાત્મિક સાધના કરવાનું શરૂ કર્યું. બાબાએ અનેક સ્થળોની મુલાકાત લીધી હતી પરંતુ ફરી એક વાર તેમને પારિવારિક જીવનમાં પાછા ફરવું પડ્યું. પરંતુ ૧૯૫૮માં બાબાએ ફરી ઘર છોડ્યું અને અનેક સ્થળોની મુલાકાત લીધા બાદ કૈંચી ધામ પહોંચ્યા. બાબાએ ૧૯૬૪માં આ આશ્રમની સ્થાપના કરી હતી. અહીં બાબાએ હનુમાન મંદિરની પણ સ્થાપના કરી હતી.`

કેંચી ધામમાં બાબાએ બનાવેલું હનુમાનજીનું મંદિર.

હનુમાનજીના ઉપાસક

ભક્તો અને તેમના અનુયાયીઓ બાબા નીમ કરોલીને હનુમાનજીનો અવતાર માનતા હતા પરંતુ નીમ કરોલી બાબા પોતે પણ હનુમાનજીની પૂજા કરતા હતા. તેમણે હનુમાનજીનાં ઘણાં મંદિરો પણ બનાવ્યાં. જ્યારે કોઈ ભક્ત નીમ કરોલી બાબાનાં ચરણસ્પર્શ કરે તો બાબા ચરણસ્પર્શ કરવાની ના પાડતા અને કહેતા કે જો તમારે ચરણસ્પર્શ કરવાં હોય તો હનુમાનજીનાં ચરણસ્પર્શ કરો. ભલે નીમ કરોલી બાબા આજે હયાત નથી પરંતુ તેમના ભક્તો તેમને ભક્તિભાવથી માને છે. તેઓ માને છે કે બાબા હંમેશાં તેમના અલૌકિક સ્વરૂપમાં ભક્તોની વચ્ચે રહે છે. કૈંચી ધામ અને વૃન્દાવન સમાધિ મંદિર ઉપરાંત બહુ ઓછા લોકોને ખબર છે કે ગુજરાતમાં પણ નીમ કરોલી બાબાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે.

સ્થાપના દિવસ નિમિત્તે દુલ્હનની જેમ સજ્યું છે કૈંચી ધામ. 

નીમ કરોલી બાબા કૈંચી ધામ

નીમ કરોલી બાબા આશ્રમ ઉત્તરાખંડમાં હિમાલયની તળેટીમાં આવેલો આશ્રમ છે. કૈંચી નૈનીતાલ ભુવાલીથી ૭ કિલોમીટરના અંતરે આવેલું છે. બાબા નીમ કરોલીએ ૧૯૬૪માં આશ્રમની સ્થાપના કરી હતી. બાબા નીમ કરોલી ૧૯૬૧માં પહેલી વાર અહીં આવ્યા હતા અને તેમના જૂના મિત્ર પૂર્ણાનંદજી સાથે મળીને તેમણે અહીં આશ્રમ બનાવવાનું વિચાર્યું હતું. આ ધામ કૈંચી મંદિર, નીમ કરૌલી ધામ અને નીમ કરૌલી આશ્રમ તરીકે ઓળખાય છે. આ મંદિર બાબા નીમ કરૌલી દ્વારા બનાવવામાં આવ્યું હતું, જે ચમત્કારિક બાબા આશ્રમના નામથી પ્રખ્યાત છે. ઉત્તરાખંડમાં જ તેમને ચમત્કારી બાબા નથી માનવામાં આવતા, વિદેશોમાં પણ તેમના ચમત્કારોની ચર્ચા થાય છે.

૧૫ જૂને ભવ્ય ઉત્સવ

નીમ કરોલી બાબા મહારાજ અને કૈંચી ધામની ખ્યાતિ દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. દર વર્ષે ૧૫ જૂને કૈંચી ધામનો સ્થાપના દિવસ ઊજવવામાં આવે છે અને આ દરમિયાન મહામેળો યોજાય છે અને વિશાળ ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે પણ ૧૫ જૂને કૈંચી ધામનો સ્થાપના દિવસ ઊજવાઈ રહ્યો છે અને ભક્તોની ભારે ભીડ ઊમટી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડના નૈનીતાલથી લગભગ ૬૫ કિલોમીટર દૂર આવેલો નીમ કરોલી બાબાનો કૈંચી ધામ આશ્રમ તેમના ચમત્કારો માટે પ્રખ્યાત છે. કહેવાય છે કે અહીં જે આવે છે તે ખાલી હાથે પાછો નથી જતો. નીમ કરોલી બાબાના સમગ્ર વિશ્વમાં અનેક આશ્રમો છે પરંતુ નૈનીતાલનો કૈંચી ધામ આશ્રમ સૌથી મોટો છે. નીમ કરોલી બાબાને પણ આ જગ્યા ખૂબ જ પસંદ હતી અને તેમણે ૧૯૬૪ની ૧૫ જૂનના કૈંચી ધામ આશ્રમની સ્થાપના કરી હતી. અહીં નીમ કરોલી બાબાનું સમાધિસ્થાન પણ છે. એટલે આ દિવસે કૈંચી ધામમાં મહામેળાનું આયોજન કરવામાં આવે છે.

જોકે અહીં દરરોજ ભક્તોનો ધસારો રહે છે પરંતુ ૧૫ જૂને, સ્થાપના દિવસ પર અહીં એક મહાન મેળો ભરાય છે અને ભક્તોની ભારે ભીડ પણ એકઠી થાય છે. એવું અનુમાન મૂકવામાં આવ્યું છે કે આ વર્ષે બે લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ અહીં આવશે એવી સંભાવના છે. હાજર રહેનાર તમામ ભક્તોને અહીં ભોજન પણ આપવામાં આવે છે.

ગુજરાત સાથે કનેક્શન

નીમ કરોલી બાબાને ગુજરાત સાથે ગાઢ સંબંધ છે. જ્યારે તેમણે સાધુ બનવા માટે સંસાર ત્યાગ કર્યો હતો ત્યારે લક્ષ્મીનારાયણ શર્મા ઉર્ફે બાબા ફરતા-ફરતા ગુજરાતના મોરબી જિલ્લામાં વાવણિયા ગામે આવ્યા હતા. વાવણિયા ગામે તળાવની પાળે આવેલા હનુમાન મંદિરમાં બાબાજીએ સાધાના કરી હતી. અહીં લોકો તેમને તલૈયા બાબા કહેવા લાગ્યા.

વિશ્વભરમાં કરોડો ભક્તો

નીમ કરોલી બાબાના દુનિયાભરમાં કરોડો ભક્તો છે. સામાન્ય વ્યક્તિથી લઈ વિરાટ કોહલી જેવા ક્રિકેટર, માર્ક ઝકરબર્ગ જેવા ઉદ્યોગપતિ તેમ જ બૉલીવુડના અનેક સિતારા, હૉલીવુડ અભિનેત્રી જુલિયા રૉબર્ટ્સ સહિત અનેક પ્રસિદ્ધ મહાનુભાવોનાં નામ નીમ કરોલી બાબાના ભક્તોમાં આવે છે. ઍપલના માલિક સ્ટીવ જૉબ્સ તો તેમના ખૂબ જ મોટા ફૉલોઅર હતા.

કેવી રીતે પહોંચશો?
નીમ કરોલી બાબાનું કૈંચી ધામ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. કૈંચી ધામ ઉત્તરાખંડના નૈનીતાલથી અલમોડા માર્ગ પર લગભગ ૧૭ કિલોમીટર દૂર છે. કૈંચી ધામ પહોંચવા માટે સૌથી નજીકનું રેલવે-સ્ટેશન કાઠગોદામ છે જ્યાંથી નીમ કરોલી આશ્રમ ૩૮ કિલોમીટર દૂર છે. અહીં એક મોટો આશ્રમ છે જ્યાં નીમ કરોલી બાબાએ સમાધિ લીધા પછી તેમનાં અસ્થિ સ્થાપિત કરવામાં આવ્યાં હતાં.

બાબા વિશે કેટલીક જાણી-અજાણી વાતો

  1. નીમ કરોલી બાબાએ ૧૯૧૦થી ૧૯૧૭ સુધી વાવણિયા ગામમાં સાધના તપ કર્યાં હતાં. તળાવના પાણીમાં સાધના કરતા હોવાથી લોકો તેમને તળાવિયા બાબા કહેતા હતા. એવી લોકવાયકા છે કે સંત રામબાઈના ગુરુ રામદાસે નીમ કરોલી બાબાને દીક્ષા આપી હતી.
  2. બાબા નીમ કરોલી એક ચમત્કારિક બાબા હતા. તેમના ભક્તો તેમને હનુમાનજીનો અવતાર માને છે. તેઓ સરળ અને સીધી વ્યક્તિ હતા. તેમના વિશે અનેક પ્રકારની ચમત્કારિક વાર્તાઓ કહેવામાં આવે છે.
  3. એવું કહેવામાં આવે છે કે વર્ષો પૂર્વે બાબા ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા. એની ટિકિટ ન હોવાથી બાબાને પછીના સ્ટેશન ઉપર ઉતારી દેવામાં આવ્યા હતા પણ બાબા જેવા ટ્રેનમાંથી ઊતર્યા કે ટ્રેન આગળ વધી જ નહીં. અનેક પ્રયાસો કર્યા બાદ પણ ટ્રેન શરૂ ન થઈ ત્યારે સ્થાનિક મૅજિસ્ટ્રેટ ત્યાં આવી પહોંચ્યા. તેમણે ટિકિટચેકરને કહ્યું કે આ સાધારણ માનવી નથી, તેમને ફરી માનભેર ટ્રેનમાં બોલાવો નહીંતર ટ્રેન આગળ નહીં જાય. અધિકારીઓએ બાબાની માફી માગી અને તેમને આદર સાથે ટ્રેનમાં બેસાડ્યા. બાબા ટ્રેનમાં બેસતાંની સાથે જ ટ્રેન ચાલવા લાગી. બાબાને જે સ્ટેશન પર ઉતારવા આવ્યા હતા એનું નામ ‘નીમ કરોલી’ હતું.
  4. બાબા નીમ કરોલી ૧૯૬૧માં પહેલી વાર ઉત્તરાખંડના નૈનીતાલ નજીક કૈંચી ધામ આવ્યા અને તેમણે તેમના જૂના મિત્ર પૂર્ણાનંદજી સાથે અહીં એક આશ્રમ બનાવવાનું વિચાર્યું. બાબા નીમ કરોલીએ ૧૯૬૪માં આ આશ્રમની સ્થાપના કરી હતી.

૫. નીમ કરોલી બાબાનું સમાધિ સ્થળ નૈનીતાલ નજીક પંતનગરમાં આવેલું છે. અહીં બાબા નીમ કરોલીની એક ભવ્ય પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. અહીં હનુમાનજીની પ્રતિમા પણ છે.

  1. રિચર્ડ અલ્પર્ટ (રામદાસ)એ નીમ કરોલી બાબાના ચમત્કારો પર ‘મિરૅકલ ઑફ લવ’ નામનું પુસ્તક લખ્યું હતું. એમાં એક કિસ્સો ઉલ્લેખવામાં આવ્યો છે કે બાબા હંમેશાં ધાબળો પહેરતા હતા. આજે પણ જ્યારે લોકો તેમના મંદિરમાં આવે છે ત્યારે તેઓ તેમને ધાબળો ભેટમાં આપે છે જેની પાછળ એક સ્ટોરી છે.
  2. બાબા નીમ કરોલી મહારાજને બે પુત્રો અને એક પુત્રી છે. મોટો પુત્ર અનિક સિંહ પોતાના પરિવાર સાથે ભોપાલમાં રહે છે, જ્યારે નાનો પુત્ર ધર્મ નારાયણ શર્મા વન વિભાગમાં રેન્જર હતો.
  3. બાબાએ ૧૯૭૩ની ૧૧ સપ્ટેમ્બરે વૃન્દાવનમાં પોતાનો દેહ છોડી દીધો. એવું કહેવાય છે કે બાબાના આશ્રમની મુલાકાત લેનારા મોટા ભાગના લોકો અમેરિકન છે. આશ્રમ દેવદારનાં વૃક્ષો વચ્ચે પહાડી વિસ્તારમાં સ્થિત છે.

    નીમ કરોલી બાબાના ભક્તોની આસ્થા શું કહે છે?

    નીમ કરોલી બાબાની વાત નીકળી હોય ત્યારે તેમના ભક્તોને કેમ કરીને ભુલાય? એવું નથી કે તેમના ભક્તો ઉત્તર ભારતમાં જ છે અથવા તો અન્ય ભાષીઓ છે, પણ તેમના ભક્તોની યાદીમાં ગુજરાતીઓની સંખ્યા પણ ઘણી મોટી છે. તો ચાલો મળીએ મુંબઈના કેટલાક ગુજરાતી ભક્તોને.

    ફોટો જોતાંની સાથે ગુરુ તરીકે સ્વીકારી લીધા

    મને તારીખ કે વર્ષ યાદ નથી, પણ એક દિવસ મેં તેમનો ફોટો ક્યાંક જોયો અને ફોટો જોતાંની સાથે જ એવું લાગ્યું કે આ મારા ગુરુ છે. મને નહોતી તેમના નામની જાણ કે પછી તેમના વિશેની કોઈ માહિતી, છતાં કુદરતી રીતે ગુરુ-શિષ્યનો સંબંધ બંધાઈ ગયો એમ જણાવતાં બૉમ્બે હાઈ કોર્ટનાં લૉયર રીમા જોશી કહે છે, ‘સાચા ગુરુનું તમારા જીવનમાં આગમન થાય ત્યારે તમારું જીવન જ બદલાઈ જાય છે. તમને જીવનમાં સાચો માર્ગ તો મળી જ જાય છે, સાથે માર્ગમાંના અવરોધો પણ દૂર થઈ જાય છે જે મેં અનુભવ્યું છે. મેં ધીરે-ધીરે તેમના વિશે માહિતી મેળવી. અનેક વખત નૈનીતાલમાં આવેલા કૈચી ધામમાં જઈ આવી અને જેટલું તેમને જાણતી ગઈ એટલી શ્રદ્ધા પણ વધતી ગઈ. દર વર્ષે ૧૫ જૂને હું ત્યાં જ હોઉં છું. આ વખતે પણ જવાની છું. આ દિવસે ત્યાં બહુ મોટો ભંડારો થાય છે અને લાખો લોકો આવે છે. નવાઈની વાત એ છે કે ત્યાં ક્યારેય ખાવાનું ખૂટતું નથી. કોઈ પણ અહીં આવે તો ભૂખ્યું પાછું જતું નથી. આશ્રમના પરિસરમાં વૈષ્ણોદેવી, દુર્ગામાતા, વિષ્ણુ ભગવાન, હનુમાનજી સહિત બીજા ભગવાનનાં મંદિરો પણ તેમણે બંધાવ્યાં હતાં જેને લીધે આ વિસ્તારમાં વર્ષોથી ચાલી આવતી બલિ ચડાવવાની પ્રથા પણ તેમણે બંધ કરાવી દીધી હતી. અનેક લોકોએ માંસાહારનો પણ ત્યાગ કર્યો હતો.’

    શ્રદ્ધાનો જો હો વિષય તો પુરાવાની શી જરૂર

    દહિસરમાં રહેતાં ૫૯ વર્ષનાં રિટાયર્ડ શિક્ષક નીતા ભટ્ટ કહે છે, ‘૨૦૧૧ની આસપાસ મેં એક વર્તમાનપત્રમાં નીમ કરોલી બાબા વિશે વાંચ્યું હતું. ત્યારે એવું આવ્યું હતું કે ફેસબુકના સ્થાપક અહીં કૈચી ખાતે તેમના આશ્રમમાં દર્શન કરવા આવ્યાં છે. મને આટલું મોટું નામ વાંચીને નવાઈ લાગી કે આ કયા ગુરુનો આશ્રમ છે જ્યાં આટલા મોટા માણસ આવ્યા છે? એટલે મેં એ આર્ટિકલ વાંચ્યો. પછી તો મારા મગજમાંથી એ નીકળી પણ ગયું. પછી એવું થયું કે ૨૦૨૪ના ઑક્ટોબર મહિનામાં એટલે કે ૧૩ વર્ષ પછી મને સોશ્યલ મીડિયા પર નીમ કરોલી બાબાનાં કેટલાંક ક્વોટ્સ આવવા લાગ્યાં. એ ક્વોટ્સ એવાં હતાં કે જાણે હું જે સવાલોનો જવાબ શોધી રહી છું એના એ જવાબ હોય એવું લાગ્યું. પછી તો વારંવાર મારી સાથે એવું બનવા માંડ્યું. મને એવા મેસેજ આવતા જેમાં મારી મૂંઝવણોનો ઉકેલ હોય, હોય ને હોય જ. ધીરે-ધીરે મને તેમનામાં આસ્થા વધવા માંડી. પછી તો એવું થયું કે જ્યારે હું તેમનું નામસ્મરણ કરતી કે પછી તેમનો પ્રિય મંત્ર રામ-રામ જપતી તો મને ખૂબ જ શાંતિ મળતી. પછી તો તેમના વિશે જાણવા હું જાન્યુઆરીમાં તેમના કૈચી આશ્રમમાં જઈ આવી હતી. ત્યાં જઈને મને કંઈક અલગ જ શાંતિનો અનુભવ થયો. જોકે આ દરેકના વિશ્વાસની વાત છે. મને તો જે અનુભવ થયો એનું વર્ણન કરવું અશક્ય છે.’

    એક મેસેજે અમારી આસ્થા બદલી નાખી

    મલાડમાં રહેતાં શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલાં વંદિતા દેસાઈ કહે છે, ‘મારા હસબન્ડ મલેશિયા ઑફિશ્યલ ટ્રિપ પર ગયા હતા. તેઓ ઑન ધ વે હતા ત્યારે સોશ્યલ મીડિયા પર તેમને અમુક મેસેજ ફ્લૅશ થયા. જેમ આપણે નૉર્મલી આવતા મેસેજને જોઈને-વાંચીને પછી ઇગ્નૉર કરી દઈએ છીએ એમ તેમણે પણ કર્યું. તેમને ત્યારે નીમ કરોલી બાબા વિશે કોઈ જાણ પણ નહોતી. થોડી વારમાં તેઓ ઍરપોર્ટ પર પહોંચ્યા. ત્યાં એવું થયું કે તેમનું પ્લેન અન્ય ટર્મિનલથી ઊપડવાનું હતું અને તેઓ બીજા ટર્મિનલ પર પહોંચી ગયા હતા. તેમની ફ્લાઇટનો સમય પણ થઈ ગયો હતો. તેમને લાગ્યું કે ફ્લાઇટ મિસ થઈ જશે. એટલામાં એક અજાણ્યો માણસ ત્યાં આવ્યો અને કૅબની ઑફર કરીને કહ્યું કે તમને બીજા ટર્મિનલ પર ઉતારી દઉં. મોડું થતું હતું એટલે તેઓ એમાં બેસી ગયા. ઊતરતી વખતે તે માણસે પૈસાની કોઈ ડિમાન્ડ પણ ન કરી અને જે આપો એ લઈ લઈશ એમ કહ્યું. પ્લેનમાં બેસી ગયા પછી મારા હસબન્ડને અચાનક યાદ આવ્યું કે મેં જે મેસેજ વાંચ્યો હતો એમાં આવું જ કંઈક લખ્યું હતું. કદાચ એ પ્રસંગ જોગાનુજોગ હોઈ શકે, પણ પછી તો તેમની સાથે આવી જ અમુક ઘટના ઘટવા લાગી અને નીમ કરોલી બાબા પ્રત્યે વિશ્વાસ વધવા લાગ્યો. તેમની સાથે જ નહીં, મારી સાથે પણ ઘણી વખત આવું થયું. હું એક જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા ગઈ ત્યારે મને એક મેસેજ આવ્યો જેનો અર્થ એવો થતો હતો કે અત્યારે જે તક મળી રહી છે એને સ્વીકારી લેવી જોઈએ. મેં ઇન્ટરવ્યુ આપ્યો અને પાસ પણ થઈ ગઈ. જોકે મને જોઈતો હતો એટલો પગાર મળતો નહોતો. આમ છતાં હું એ મેસેજના આધારે નોકરી માટે હા પાડી આવી. મનમાં થોડી ગૂંચવણ હતી કે મેં ભાવનાવશ થઈને કોઈ ખોટો નિર્ણય તો નથી લીધોને, પણ એવું થયું નહીં. આજે હું ખૂબ જ સફળ થઈ ગઈ છું અને નવી ઊંચાઈ હાંસલ કરી શકી છું જે કદાચ અન્ય જગ્યાએ ન કરી શકી હોત. બસ, પછી તો અમને એવી આસ્થા થઈ ગઈ કે અમે કૈચી ધામમાં વારંવાર જઈએ જ છીએ. કદાચ કોઈને આવી વાતોમાં અતિશયોક્તિ અથવા તો અંધશ્રદ્ધા લાગે, પણ જેને અનુભવ થયો હોય તેઓ જ આ વાતને સમજી શકશે.’

culture news religion religious places uttarakhand nainital hinduism national news news darshini vashi life and style columnists gujarati mid-day