20 June, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સત્પુરુષો સદધર્મની જીવતી જાગતી પાઠશાળા છે. જગતના હિતને માટે જ તેઓ સંસારમાં વિચરણ કરે છે. તેમની વાણી આપણને બુદ્ધિમાં તેજસ્વિતા પ્રદાન કરે છે. જગતનો નિયમ છે કે સંસર્ગથી જ ગુણદોષો નિર્માણ થાય છે. આપણે ત્યાં પ્રચલિત કહેવતો ‘સંગ તેવો રંગ’ અને ‘સોબત એવી અસર’ એ જ વાતનું સમર્થન કરે છે.
ભક્તો અને સાધુજનોના સમાગમના વિષયમાં એક સુંદર ભાવ વિચારાયો છે, જેને આર્દ્રીકરણત્વમ્ કહે છે. ભાવાર્થ એ કે એક ભીંજાયેલા ભીના વસ્ત્રને કોરું સૂકું વસ્ત્ર સ્પર્શે છે. તો કોરું વસ્ત્ર પણ ભીનું થઈ જાય છે. એમ ભક્તિમય જીવન જીવતા કોઈ સંત મહાત્માના સાંનિધ્યને કારણે તેમ જ ભક્તિભાવથી સભર કોઈ વક્તાના મુખેથી ભક્તિ રસામૃતની કથા શ્રવણ કરવામાં આવે તો આપણા હૃદયમાંય એનો પ્રભાવ પડે છે. એટલે જ વ્યક્તિએ જેવાં બનવું હોય એવા સંગમાં રહેવું. સત્પુરુષોનાં વિચાર, વાણી અને વર્તનમાં સાધુતા નીતરતી હોય છે. ભગવદીય જનોનું તન, મન અને જીવન ભક્તિરસથી પૂર્ણ હોય છે. તેમનો સંગ આપણને પણ અલ્પ આયાસે ભાવાર્દ્ર બનાવે છે. સદા સત્કથામાં નિમગ્ન રહેનારને જ સાધુ કહેવાય છે.
ઉત્તમ કથાઓનાં શ્રવણ-કીર્તનમાં પ્રવૃત્તિ થાય છે. જેમાં ભગવાનનાં ચરિત્રો કે ગુણોનું વર્ણન છે એ કથા જ સત્કથા છે. પાપી અસાધુ પુરુષો પરનિંદા અને કલહમાં જ લાગેલા રહે છે. એટલે જ સત્કથા પરાયણ સંતોનો સંગ કરવો અને હંમેશાં સત્પુરુષોની સાથે બેસવું સત્પુરુષોની સાથે જ હળવું-મળવું સત્પુરુષોના સદધર્મને જાણવાથી તેમના સદાચારને સમજવાથી જ પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે, બીજી કોઈ રીતે નહીં. તેમની વાણી આપણને સદાચારનાં દૃષ્ટાંતો પૂરાં પાડે છે. તેમનું જ્ઞાન આપણને પ્રકાશ આપે છે. તેમની ભક્તિ આપણનેય ભીંજવે છે.
ભક્તોને તો ભક્તિરસ જ પ્રિય છે. સ્વર્ગ તથા મોક્ષ પામવાને ભક્તિની સામે તુચ્છ ગણે છે. ભક્તિ મળે છે સત્સંગથી. સત્સંગ ભક્તિનો આયામ પણ છે અને પ્રથમ અવસ્થા પણ છે. સ્વયં પ્રભુએ ‘પ્રથમ ભગતિ સાતમા કર સંભા’ કહીને ભક્તિના મૂળમાં સત્સંગને મૂક્યો છે.
માયા ઘણા અનર્થો કરે છે. આ અનર્થોને શાંત કરવા ભક્તિ જ ઉત્તમ ઉપાય છે. શ્રી વ્યાસજી આ સિદ્ધાંત જાણતા હતા એટલે તેમણે ભગવાનની લીલાઓનું વર્ણન કરતી ભાવત સંહિતાની રચના કરી. આનું શ્રવણ કરતાં જ મનુષ્યના હૃદયમાં ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ પ્રગટ થઈ જાય છે. આ ભક્તિ મનુષ્યના શોક, મોહ અને ભય ભગાડી દે છે.
-વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી