તમે કાનુડાની પદ્‍માસનમાં બેઠેલી પ્રતિમા જોઈ છે?

23 June, 2025 06:57 AM IST  |  Bhubaneswar | Alpa Nirmal

પુરીમાં જગન્નાથજીના બેસણાથી પોણાબે કિલોમીટરના અંતરે ટોટા ગોપીનાથજી બિરાજે છે. અહીં કૃષ્ણ ભગવાન સીટિંગ પોઝિશનમાં છે. યશોદાનંદનની આવી પ્રતિમા તો વિશ્વમાં એકમાત્ર છે

ગોપીનાથનાં દર્શન

પુરીમાં જગન્નાથજીના બેસણાથી પોણાબે કિલોમીટરના અંતરે ટોટા ગોપીનાથજી બિરાજે છે. અહીં કૃષ્ણ ભગવાન સીટિંગ પોઝિશનમાં છે. યશોદાનંદનની આવી પ્રતિમા તો વિશ્વમાં એકમાત્ર છે. એ ઉપરાંત ભક્તની અપ્રતિમ ભક્તિથી પોતાનું સ્વરૂપ બદલનાર કનૈયો પણ ફક્ત અહીં જ છે

કાનુડાની એક ખાસિયત છે કે ભક્ત તેને જે રીતે પૂજે, અર્ચન કરે એ રીત તેને મંજૂર છે. ક્યારેક એ રસમ ખોટી હોય કે ખામીભરી હોય તોય ઠાકોરજીને ભક્તની ભૂલ કબૂલ રહે છે. ઍક્ચ્યુઅલી, કિશનજીને ભક્તની રીત કે પદ્ધતિથી મતલબ જ નથી. તેને તો ભાવિકના ભાવથી મતલબ છે.

ભક્ત અને ભગવાન વચ્ચેના અપ્રતિમ ભાવ, પ્રેમ અને સ્નેહનું અદ્વિતીય ઉદાહરણ છે ઓડિશાના જગન્નાથ મંદિરની નજીક આવેલું ટોટા ગોપીનાથ મંદિર.

lll

જૂન મહિનાની ૨૭ તારીખે અષાઢી બીજ છે અને એ દિવસે પુરીમાં નીકળનારી જગન્નાથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કેટલાક તીર્થપ્રેમીઓએ આ ઐતિહાસિક યાત્રામાં સહભાગી થવા પુરીની ટિકિટ કઢાવી લીધી હશે, તો કેટલાક પુણ્યશાળીઓએ ભારતના મુખ્ય ચારધામના પૂર્વીય ધામ પુરીની યાત્રા પૂર્વે કરી હશે અને એ વખતે ટોટા ગોપીનાથનાં દર્શન પણ કર્યાં હશે.

બટ, જેઓ સદેહે પુરી નથી જઈ શક્યા તેમની સાથે આપણે કરીએ ટોટા ગોપીનાથજીની માનસયાત્રા.

પૂરીમાં ચટક પર્વતની બાજુમાં યમેશ્વર મહાદેવનું મંદિર છે અને આ મંદિરની બાજુમાં જ અનેક વૃક્ષોથી આચ્છાદિત એક નાનકડી વાડી છે (હા એ મંદિર છે, પણ એનો મુખ્ય દરવાજો સામાન્ય ઇમારતનો હોય એવો છે). એ વાડીમાં નાનું પણ સુંદર કૃષ્ણાલય છે જેનાં દ્વારની કમાન પર બે મોરલાની મૂર્તિ છે. સાવ સામાન્ય વાસ્તુકલા ધરાવતા આ મંદિરના ગર્ભગૃહમાં જ ટોટા ગોપીનાથજી છે અને તેમની એક બાજુ રાધા અને બીજી બાજુ લલિતા છે. જોકે મંદિર ભલે સામાન્ય છે, પણ પદ્‍માસનમાં બેઠેલા ગોપીનાથની વાંસળી વગાડતી શ્યામલ મૂર્તિ બહુ પ્રભાવશાળી છે અને એવી જ રોચક એની કથા છે. સો, ગોપીનાથનાં દર્શન કરતાં પૂર્વે જાણીએ આ પ્રભુની કહાની....

કહેવાય છે કે સેંકડો વર્ષો પૂર્વે ગદાધર નામે પંડિત દરરોજ અહીં બેસીને ચૈતન્ય મહાપ્રભુને ભાગવતકથા સંભળાવતા. કથા સાંભળતાં-સાંભળતાં બેઉ કાન્હાજીની લીલામાં ઓતપ્રોત થઈ જતા અને મનોમન વ્રજમાં પહોંચી જતા. અહીં આવેલો ચટક પર્વત તેમને ગોવર્ધન લાગતો અને બંગાળના ઉપસાગરનાં ઊછળતાં પાણી યમુનાજી હોવાનો ભાસ કરાવતાં. દરરોજ આ જ પ્રકારે ભાગવતમનું શ્રવણ થતું. એવામાં એક દિવસ ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથજીનાં દર્શન કરવા ગયા. ત્યાં તેમને જગન્નાથજીના રૂપમાં શ્યામસુંદરજીનું સ્વરૂપ દેખાયું. એ પૂર્વે એવું ક્યારેય બન્યું નહોતું. તો આજે જગન્નાથે કેમ એ સ્વરૂપે દર્શન દીધાં અને એની પાછળ પ્રભુનો શું આશય હશે એ વિચાર કરતાં-કરતાં મહાપ્રભુજી પોતાના સ્થાને પાછા આવ્યા અને પંડિતજી એ ભાગવતનું કથન શરૂ કર્યું. કથા સાંભળતાં-સાંભળતાં ફરી બેઉનાં મનમાં એ જ વ્રજ, એ જ વૃંદાવન ઘૂમવા લાગ્યું. મનમાં આ જ ભાવ રાખીને એ બેઉ જ્યાં બેઠા હતા એ બગીચામાં એક જગ્યાએ ખોદવાનું શરૂ કર્યું અને થોડું ખોદતાં જ તેમને બાંકેબિહારીની શ્યામ મૂર્તિ મળી. મહાપ્રભુજી તો રાજીના રેડ થઈ ગયા,  સાથે ગદાધર પંડિતની ખુશી પણ ચરમસીમાએ પહોંચી ગઈ. નૅચરલી, તમે જેને બેહિસાબ ચાહતા હો તે અચાનક તમને મળી જાય તો એનો આનંદ પ્રચંડ જ હોય.

એમાંય ગદાધરજીને તો એક નહીં, બે જૅકપૉટ લાગ્યા. ચૈતન્ય મહાપ્રભુએ પંડિતનો પ્રભુ પ્રત્યેનો પ્રેમ જોઈને એ ગોપીનાથ ગદાધરજીને આપી દીધા. પંડિતજીને પ્રિય પ્રભુ તો મળ્યા, વળી પૂજનીય ગુરુએ પોતાને કાબેલ ગણીને એ ચમત્કારી ઠાકોરજીની સેવા તેમને સોંપી એ પંડિતજી માટે અત્યંત સૌભાગ્યની વાત હતી.

બાય ધ વે, ઉડિયા ભાષામાં ટોટાનો અર્થ થાય છે વન કે બગીચો. આ શ્યામસુંદર વનમાંથી મળ્યા એથી તેમનું નામ પડ્યું ટોટા ગોપીનાથ.

 નાઉ, બૅન્ક ટુ મેઇન સ્ટોરી. ગદાધર પંડિત મન લગાવીને ઠાકુરજીની પૂજા કરતા. હર્ષિત વદને ગોપીનાથજીનો શણગાર કરતા, પ્રસન્નતાથી વિલેપન કરતા. ભાવથી ભગવાન માટે ભિન્ન-ભિન્ન ભોગ બનાવતા. અગેઇન, થોડાં વર્ષો વીત્યાં. ચૈતન્ય મહાપ્રભુએ પૃથ્વી પરથી પોતાની લીલા સંકેલી લીધી અને કહે છે કે તેઓ આ પ્રતિમાજીના ચરણમાં જ વિલીન થઈ ગયા.

પંડિતજી ચૈતન્ય મહાપ્રભુના જવાથી અત્યંત દુખી થઈ ગયા હતા. વળી તેમની ઉંમર પણ થઈ હતી અને મહાપ્રભુના વિયોગે તેમને વધુ વૃદ્ધ બનાવી દીધા હતા. કમરેથી તેઓ સાવ વાંકા વળી ગયા હતા. હજીયે પૂર્ણ પ્રેમથી ગોપીનાથની પૂજા કરતા, પણ શારીરિક અક્ષમતાને કારણે ક્યારેક ગોપીનાથને ભોગ ધરાવવાનું મોડું થતું તો ક્યારેક શણગાર કરવામાં. ક્યારેક એવુંયે થતું કે ગોપીનાથને માથે ને ગાલે કરાતું ચંદનનું વિલેપન પંડિત ભગવાનની આંખોમાં કરી દેતા. એ જોઈને દર્શનાર્થીઓ પણ દુખી થતા અને ગદાધરજી પોતે બહુ વ્યથિત થતા એથી તેમણે નક્કી કર્યું કે મારી શારીરિક અક્ષમતાને કરાણે હું ઠાકોરજીની સેવામાં ગરબડ કરું એ ન ચાલે. એવું ન થાય એ માટે  પ્રભુની પૂજા કરવા માટે એક માણસ રાખી લઉં.

આમ પંડિતજીએ બીજા પૂજારીને ગોપીનાથની સેવા સોંપી દીધી, પણ એ રાતે ટોટા ગોપીનાથ ગદાધરજીને સપનામાં આવ્યા અને પૂછ્યું કે આજે તમે મારી સેવા કેમ ન કરી? પંડિતજીએ પ્રભુને બધી વાત કરી ત્યારે પ્રભુએ કહ્યું કે તમારો હાથ મારા કપાળ સુધી નથી પહોંચતો, તો હું બેસી જાઉં, જેથી તમને તકલીફ ન પડે, પણ મને સેવા તો તમારી જ જોઈશે.

ઍન્ડ, મોરલી વગાડતી વખતે હંમેશાં પોતાના ખાસ અંદાજમાં ઊભા રહેતા ગોપીનાથ પદ્‍માસનમાં બેસી ગયા.

 શ્યામ બેસીને વાંસળી વગાડતા હોય એવી એકમાત્ર મૂર્તિ પુરીના આ મંદિરમાં છે. એ તો એક વિશિષ્ટતા છે. એ સાથે અહીં રાધાજી અને લલિતાજી પણ શ્યામવર્ણાં છે. વળી એક વીણા વગાડે છે અને બીજાં વાંસળી. ગર્ભગૃહની અન્ય વેદી પર પંડિત ગદાધર, રાધાજી-મદનમોહનની મૂર્તિ છે અને બીજી સાઇડ બલરામજી તેમની બેઉ પત્ની રેવતી અને વારુણી સાથે સોહે છે. રંગબેરંગી ભીંતચિત્રો ધરાવતા આ મંદિરની બહારની બાજુએ નાનો જળકુંડ પણ છે. સવારે ૬થી સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લા રહેતા આ મંદિરમાં આજે પણ ગદાધર પંડિતજી કરતા એ પ્રમાણે શણગાર, ભોગ, આરતી વગેરે થાય છે.

પુરીના ગૌડાબાદ સાહી ક્ષેત્રમાં વાઇટ વૉટર-ટૅન્ક પાસે આવેલા આ મંદિરે જવા જગન્નાથ મંદિર, રેલવે-સ્ટેશન, બસ અડ્ડાથી રિક્ષા મળી જાય છે. વળી ટોટા મંદિરની બાજુમાં આવેલું યમેશ્વર મહાદેવ મંદિર દર્શનીય છે અને ચટક પર્વત પાસે આવેલો પુરુષોત્તમ ગૌડીય મઠ પણ પવિત્ર છે.

જગન્નાથપુરી અને રાજ્યનું કૅપિટલ સિટી ભુવનેશ્વર જવા માટે ભારતનાં દરેક મુખ્ય શહેરોથી ટ્રેન  અને વિમાન મળે છે. એ જ રીતે પવિત્ર નગરી પુરીમાં મઠ, ધર્મશાળા, ગેસ્ટહાઉસ, હોટેલ્સ, રિસૉર્ટ જેવા રહેવાના અઢળક ઑપ્શન છે. જમવા માટે ઓન્લી વેજિટેરિયન રેસ્ટોરાં પ્રમાણમાં ઓછી છે. પરંતુ જગન્નાથ મંદિરની બહારના મુખ્ય રસ્તા પર અનેક રેસ્ટોરાંમાં શાકાહારી ભારતીય ખાણું મળી જાય છે.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
 પુરીમાં અનેક પ્રાચીન-પૌરાણિક મંદિરોની સાથે અર્વાચીન મંદિરો પણ છે. 
 અહીંનાં પ્રાચીન મંદિરો મોટા ભાગે પૂજારી, મહારાજ અને મઠાધીશો હસ્તક છે અને એ સંપ્રદાયની પ્રથા અનુસાર જે-તે મૂર્તિની પૂજા થાય છે. ઘણી વખત ભક્તો એ સંપ્રદાયોને માનતા ન હોવાથી પૌરાણિક પ્રતિમાઓનાં દર્શનથી વંચિત રહી જાય છે. જોકે એ પણ હકીકત છે કે અહીંનાં મંદિરોમાં પંડાઓ વગેરે બહુ જોરાવર હોય છે. પૈસા આપ્યા વગર પ્રભુજીનાં દર્શન કરવા દેતા નથી. 
 ટોટા ગોપીનાથ મંદિરમાં અંદર ફોટોગ્રાફી અલાઉડ છે, પણ ભગવાનનો શણગાર એ રીતે કરાય છે કે કૃષ્ણ પદ્‍માસનમાં બેઠા છે એ દેખાતું નથી.

odisha jagannath puri culture news religion religious places national news news life and style columnists gujarati mid-day alpa nirmal