09 May, 2025 07:16 AM IST | Washington | Kajal Rampariya
હૉલીવુડની અભિનેત્રી બ્લેક લાઇવલી
અમેરિકાના ન્યુ યૉર્કમાં યોજાયેલી દુનિયાની સૌથી મોટી ફૅશન ઇવેન્ટ મેટ ગાલા ચર્ચામાં હોય છે, પણ સાથે સેલેબ્રિટીઝના આઉટફિટ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બને છે. આ ઇવેન્ટમાં હૉલીવુડની અભિનેત્રી બ્લેક લાઇવલીએ પહેરેલું ભારતીય ફૅશન-ડિઝાઇનર રાહુલ મિશ્રાએ ડિઝાઇન કરેલું થ્રી-ડી સ્કર્ટ ચર્ચાનો વિષય બન્યું છે. પિરામિડની થ્રી-ડી ઇફેક્ટ આપીને બનાવાયેલું આ સ્કર્ટ એની યુનિકનેસને લીધે ચર્ચાઈ રહ્યું છે. મુંબઈની માર્કેટમાં પણ થ્રી-ડી સ્કર્ટ જોવા મળે છે. કેવી ટાઇપનાં થ્રી-ડી સ્કર્ટ આવે છે અને કયા પ્રસંગે કેવી રીતે સ્ટાઇલ કરી શકાય એ વિશે ફૅશન-ઇન્ડસ્ટ્રીમાં ૨૩ વર્ષનો અનુભવ ધરાવતાં અને સાયનમાં રહેતાં ફૅશન-ડિઝાઇનર ઋત્વી સોમૈયા પાસેથી તેમના જ શબ્દોમાં જાણીએ...
કન્સેપ્ટ જૂનો, લાગે નવો
સ્કર્ટ્સ તો બહુ કૉમન છે અને એમાં બૉડીફિટ હોય તો બૉડી-શેપ દેખાશે અને સારું નહીં લાગે એવો ભય ઘણી યુવતીઓ અને લેડીઝને રહેતો હોય છે, પણ જો એમાં રફલ્સ કે ફ્લોરલ કે કોઈ પણ થ્રી-ડી ઇફેક્ટ્સ આવી જાય તો? એનો લુક ૩૬૦ ડિગ્રી ચેન્જ થઈ જશે અને મહત્ત્વની વાત તો એ છે કે થ્રી-ડી સ્કર્ટ્સ બધા જ બૉડી-શેપ પર સૂટ થશે અને કોઈ પણ વયની મહિલા એને પહેરશે તો સારી જ લાગશે. થ્રી-ડી સ્કર્ટ્સનો કન્સેપ્ટ આમ તો જૂનો છે, પણ એમાં છાશવારે અખતરા થયા કરતા હોય છે અને કંઈક નવી રીતે અથવા નવી પૅટર્નમાં બની જતું હોય છે અને જો એ સારું લાગ્યું તો ટ્રેન્ડ બની જાય છે. અહીં પણ એવું જ થયું છે. હૉલીવુડની અભિનત્રીએ થ્રી-ડી સ્કર્ટ પહેર્યું અને એ પળવારમાં જ ફેમસ થઈ ગયું. અત્યારે માર્કેટમાં આ પ્રકારનાં સ્કર્ટ્સ બહુ સહેલાઈથી મળી રહે છે. રેડીમેડ સ્કર્ટ્સ લેવા કરતાં ફૅબ્રિક લઈને તમારા બૉડી-શેપના હિસાબે સિવડાવશો તો કમ્ફર્ટ તો રહેશે જ સાથે સ્ટાઇલિશ પણ લાગશે.
પૅટર્ન હી સબ કુછ
માર્કેટમાં અત્યારે થ્રી-ડી ફૅબ્રિકની ડિમાન્ડ વધી છે એમાં મોટા ભાગની યુવતીઓ બ્લાઉઝ અથવા ટૉપ સાથે ફુલ લેન્ગ્થનું થ્રી-ડી સ્કર્ટ ડિઝાઇન કરાવે છે. વેડિંગ ફંક્શન્સ માટે કરાવવું હોય તો પેસ્ટલ અથવા મલ્ટિકલર્સમાં ફ્લાવર્સવાળી થ્રી-ડી પૅટર્ન એવરગ્રીન અને યુનિક લુક આપશે. એને અલગ-અલગ રીતે સ્ટાઇલ પણ કરી શકાય. દુપટ્ટા સાથે અથવા દુપટ્ટા વગર, સ્કર્ટ સાથે કૉન્ટ્રાસ્ટ કલર્સમાં બ્લાઉઝ અથવા ક્રૉપ ટૉપ સાથે સ્ટાઇલ કરી શકાશે. આ પૅટર્નમાં જો વેસ્ટર્ન લુક જોઈએ તો મિની સ્કર્ટ પણ બહુ મસ્ત લાગે. સ્કર્ટ પર કોઈ પણ બૉડીફિટ ટૉપ અથવા ક્રૉપ ટૉપ અને સાથે હીલ્સ અથવા સ્નીકર્સને સ્ટાઇલ કરશો તો બહુ જ યુનિક અને ક્યુટ લુક આપશે. ફ્લોરલ પૅટર્ન ઉપરાંત થ્રી-ડી સ્કર્ટમાં રફલ્સ, હાર્ટ, રાઉન્ડ, ટેક્સ્ચર્ડ અને એમ્બ્રૉઇડર્ડ સ્કર્ટ આવે છે. સ્કર્ટના પ્રકારની વાત કરીએ તો મિની-મિડી સ્કર્ટ ઉપરાંત ફિશકટ, બૉડી-શેપ અને ફ્લેરવાળાં થ્રી-ડી સ્કર્ટ બહુ ટ્રેન્ડમાં છે. જો તમને ઑફિસમાં થ્રી-ડી સ્કર્ટ પહેરી જવાની ઇચ્છા હોય તો જૅકાર્ડ અથવા પ્લીટ્સ ફૅબ્રિકનાં સ્કર્ટ પહેરવાં. એ ફૅબ્રિક જ થ્રી-ડી ઇફેક્ટ આપે છે તો એના ઉપર ક્રૉપ ટૉપ અને સાથે જૅકેટને સ્ટાઇલ કરશો તો કૉર્પોરેટ લુક આપશે. કલર્સની વાત કરીએ તો સફેદ, ગ્રે, બેજ, ક્રીમ, આઇવરી, બ્રાઉન અને બ્લૅક જેવા ન્યુટ્રલ કલર્સ તમને સટલ લુક આપશે. એની સાથે લોફર્સ અથવા થોડી હીલવાળાં સૅન્ડલ પહેરશો તો એ તમારા ઑફિસ-લુકને કમ્પ્લીટ બનાવશે. કૅઝ્યુઅલ લુક જોઈતો હોય તો થોડા રફલ્સવાળા અથવા એમ્બ્રૉઇડર્ડ પૅટર્નના થ્રી-ડી સ્કર્ટની સાથે પ્લેન ટી-શર્ટ અને સાથે મિનિમલ ઍક્સેસરીઝ અને સ્નીકર્સ અથવા ફ્લૅટ્સને સ્ટાઇલ કરશો તો તમે એને પાર્ટી કે ગેટ-ટુગેધરમાં પહેરી શકશો. ફ્રેન્ડ્સ કે ફૅમિલી સાથે બહાર જવું હોય તો પણ એ તમારા લુકને સ્ટાઇલિશ અને યુનિક બનાવશે.