નાઇન્ટીઝનાં ફ્લિપ-ફ્લૉપ્સનું કમબૅક

06 August, 2025 02:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવા રંગરૂપ સાથે ફ્લિપ-ફલૉપ્સ ફરી ફૅશનમાં આવી રહ્યાં છે ત્યારે કેવા આઉટફિટમાં કેવી પૅટર્નનાં ફ્લિપ-ફ્લૉપ્સ સારાં લાગે એની સ્ટાઇલ-ગાઇડ બરાબર જાણી લો

નાઇન્ટીઝનાં ફ્લિપ-ફ્લૉપ્સનું કમબૅક

ફૅશનની દુનિયા સતત બદલાયા કરે છે, પણ એમાં સૌથી રસપ્રદ વાત એ છે કે ઘણા જૂના ટ્રેન્ડ્સ નવાં રંગરૂપમાં પાછા આવતા હોય છે. નાઇન્ટીઝના જમાનામાં ફક્ત ઘરની અંદર કે બીચ પર પહેરવા માટે જાણીતાં બનેલાં પાતળા રબરનાં ફ્લિપ-ફ્લૉપ હવે નવી સ્ટાઇલ સાથે માર્કેટમાં આવી રહ્યાં છે અને આજની યુવતીઓમાં સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની રહ્યાં છે.

નવા અવતારમાં શું છે ખાસ?

હવે ફ્લિપ-ફ્લૉપ્સમાં સૉફ્ટ અને પૅડેડ સ્ટ્રૅપ્સ આવે છે જે લુકને વધુ રિફાઇન્ડ અને સ્ટાઇલિશ બનાવે છે. આ સાથે થોડાં ઊંચાં પ્લૅટફૉર્મ વેરિઅન્ટ્સ પણ મળે છે જે ફૅશનેબલ દેખાવની સાથે કમ્ફર્ટ પણ આપે છે. રંગોની વાત કરીએ તો ન્યુડ, લાઇલેક, પેસ્ટલ પીચ, મેટલિક સિલ્વર અને ગોલ્ડ કલર્સ અત્યારે બહુ જ ટ્રેન્ડ કરી રહ્યા છે. આ સાથે નિયોન ગ્રીન અને ઑરેન્જ જેવા પૉપ-અપ કલર્સ યુવતીઓમાં હૉટ ફેવરિટ છે. ફ્લિપ-ફ્લૉપ્સ હવે પ્લેન કલર્સમાં જ નહીં; ઍનિમલ પ્રિન્ટ્સ, હૉરિઝૉન્ટલ લાઇન્સ અને ફ્લોરલ ડિઝાઇન્સ, ઍબસ્ટ્રૅક્ટ પેઇન્ટ કે સ્પ્રે પેઇન્ટ લુક ઇફેક્ટ્સમાં પણ જોવા મળે છે.

કઈ રીતે સ્ટાઈલ કરી શકાય?

 હવે ફ્લિપ-ફ્લૉપ્સ ગમે ત્યાં પહેરી શકો એવાં ફુટવેઅર રહ્યાં નથી. ડેનિમ શૉર્ટ્સ કે ક્રૉપ ટૉપ જેવાં કૅઝ્યુઅલવેઅર પર પ્રિન્ટેડ ડિઝાઇન્સનાં ફુટવેઅર પહેરી શકાય છે.

 બીચ અથવા રિસૉર્ટમાં આઉટિંગ માટે ગયા હો તો મૅક્સી ડ્રેસ સાથે ફ્લિપ-ફ્લૉપ પહેરશો તો કમ્ફર્ટ ફીલ થશે.

 બૅગી ટ્રાઉઝર્સ અને ગ્રાફિક ટી-શર્ટ સાથે પ્લૅટફૉર્મ ફ્લિપ-ફ્લૉપ તમારા લુકને કમ્પ્લીટ બનાવવાનું કામ કરશે.

 ઓવરસાઇઝ્ડ હુડી સાથે શૉર્ટ્સ પહેર્યાં હોય તો પ્લેન બ્લૅક ફ્લિપ-ફ્લૉપ સ્ટાઇલિશ હોવાનું ફીલ કરાવશે.

 ઈવનિંગ ઇવેન્ટમાં જવાનું હોય તો મેટલિક શેડ્સનાં ફ્લિપ-ફ્લૉપ પહેરી શકાય. મિનિમલ જ્વેલરી અને સ્લીક હેરસ્ટાઇલ તમારા લુકને એલિગન્ટ બનાવશે.

 ફ્લિપ-ફ્લૉપ્સ તમારા પગની સુંદરતાને વધારવાનું કામ કરશે એટલે પેડિક્યૉર કરાવવાનું ભૂલતા નહીં.

 મોનોક્રોમ લુક પર કૉન્ટ્રાસ્ટ અથવા ગોલ્ડન કે સિલ્વર કલરનાં ફ્લિપ-ફ્લૉપ પસંદ કરો.

fashion news fashion life and style columnists gujarati mid day mumbai