ચહેરાને જ નહીં, વાળને પણ સુંદર બનાવશે ગ્લિસરિન

22 April, 2025 12:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગરમીમાં વાળ ફ્રિઝી અને ઑઇલી થઈ જતા હોય છે ત્યારે ગ્લિસરિનનો ઉપયોગ હેર-હેલ્થ માટે સારો નીવડશે

પ્રતીકાત્મક તસવીર

હેરફૉલની સમસ્યા અત્યારે બહુ કૉમન થઈ ગઈ છે, પણ પ્રદૂષણ અને સીઝન ચેન્જ થવાથી એની અસર વાળ પર પડે છે. ગરમીમાં પરસેવાને લીધે હેરફૉલની સમસ્યા વધી જતી હોય છે. વાળ રફ અને ફ્રિઝી થઈ જતા હોવાથી હાઇડ્રેશનનું ધ્યાન રાખવું બહુ જરૂરી હોય છે. હેરની હેલ્થને સારી રાખવા માટે શૅમ્પૂની સાથે કન્ડિશનર કરવું બહુ જરૂરી છે અને એની સાથે જો ગ્લિસરિનનો ઉપયોગ કરવામાં આવે તો એ હેરગ્રોથમાં ફાયદો આપે છે. યસ, ગ્લિસરિનનો ઉપયોગ સામાન્યપણે અત્યાર સુધી ચહેરા અને સ્કિનકૅર માટે જ થતો જોયો છે અને એના માટે જ પ્રચલિત છે, પણ ગ્લિસરિનમાં રહેલા ગુણધર્મો વાળ માટે પણ ઉપયોગી છે.

વાળનું મૉઇશ્ચરાઇઝર

ગ્લિસરિનનું ઍપ્લિકેશન વાળને હાઇડ્રેટેડ રાખવાની સાથે એને મૉઇશ્ચરાઇઝ પણ કરે છે. વાળ હાઇડ્રેટેડ રહેશે તો એ તૂટશે નહીં. હેરવૉશ કર્યા બાદ વાળમાં ગ્લિસરિનનાં થોડાં ટીપાં સ્કૅલ્પમાં નાખીને મસાજ કરવામાં આવે તો એ ડલ હેરની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે.

સ્કૅલ્પને હેલ્ધી રાખે

ગ્લિસરિન વાળની સાથે સ્કૅલ્પની એટલે કે માથાના તાળવાની હેલ્થ માટે પણ ફાયદાકારક છે. એ વાળના રૂટમાં જઈને એને હેલ્ધી અને સ્ટ્રૉન્ગ બનાવે છે અને સાથે સ્કૅલ્પની ડ્રાયનેસ હોય તો એને દૂર કરે છે. ગરમીમાં સ્કૅલ્પમાં ઇરિટેશન અને ખંજવાળ આવતાં હોય છે એમાં પણ ગ્લિસરિન કારગત સાબિત થાય છે. એ વાળની સાથે સ્કૅલ્પમાંથી વધારાના ઑઇલ-પ્રોડક્શનને રોકવાનું કામ કરવાની સાથે ડીપ મૉઇશ્ચરાઇઝ અને ક્લીન રાખે છે જેથી ડૅન્ડ્રફની સમસ્યાથી છુટકારો મળે છે.

ગુડ બાય ટુ સ્પ્લિટ એન્ડ્સ

ગ્લિસરિન વાળની હેલ્થને હેલ્ધી બનાવતું હોવાથી બ્રેકેજને થતા અટકાવે છે, જેને લીધે સ્પ્લિટ એન્ડ્સ એટલે કે બે મોઢાવાળા વાળની સમસ્યા રહેતી નથી.

બીજા પણ બેનિફિટ્સ ખરા

ગ્લિસરીનના અન્ય ફાયદાઓ પણ છે. એ ફ્રિઝીનેસને દૂર કરીને વાળને સૉફ્ટ અને સિલ્કી બનાવે છે. જેને હાર્ડ કર્લ્સ કરવા હોય તે હેરવૉશ બાદ ગ્લિસરિન અપ્લાય કરશે તો તેના કર્લ્સ લાંબા સમય સુધી ટકશે. આ ઉપરાંત ગ્લિસરિનનો ઉપયોગ પ્રદૂષણ અને સૂર્યનાં હાનિકારક કિરણોથી બચાવે છે અને સ્કૅલ્પને પણ પ્રોટેક્ટ કરે છે, જેથી વાળનો ગ્રોથ સારો થાય છે.

ગ્લિસરિન અપ્લાય કરવાની પદ્ધતિ

 હેરકૅર રૂટીનમાં ગ્લિસરિનનો ઉમેરો કરવો હોય તો એને તેલમાં મિક્સ કરીને લગાવવું. ઘણા લોકોની સ્કિન સેન્સિટિવ હોય તો પૅચ-ટેસ્ટ કરી લેવી, નહીં તો સ્કૅલ્પમાં ખંજવાળ આવશે.

 ગ્લિસરિનનો ઉપયોગ કન્ડિશનરની જેમ પણ કરી શકાય. હેરવૉશ બાદ એને અપ્લાય કરીને થોડા સમય બાદ ધોઈ નાખવું.

 ગ્લિસરિનનો ઉપયોગ અઠવાડિયામાં બે વારથી વધુ ન કરવો જોઈએ.

fashion news fashion life and style mumbai weather skin care beauty tips columnists gujarati mid-day mumbai