હેલો હાયોલ્યુરૉનિક ઍસિડ!

19 December, 2023 09:04 AM IST  |  Mumbai | Sameera Dekhaiya Patrawala

કોઈ પણ શૅમ્પૂ, સિરમ, ક્રીમ અને લોશનની જાહેરાતમાં જેની હાજરીથી સૉફ્ટનેસ, સ્મૂધનેસ અને હાઇડ્રેશન રહેશે એવા દાવા થતા આવ્યા છે એ હાયોલ્યુરૉનિક ઍસિડની બોલબાલા કેમ છે અને એ દાવા ખરેખર કેટલા સાચા છે એ જાણવાની કોશિશ કરીએ આજે

પ્રતીકાત્મક તસવીર

ઐશ્વર્યા રાય હોય કે આલિયા ભટ્ટ, કૅટરિના હોય કે દીપિકા પાદુકોણ, સ્કિન અને હેરકૅરની ઍડ્વર્ટાઇઝમેન્ટમાં હાયોલ્યુરૉનિક ઍસિડ જેવા અટપટા કેમિકલના ફાયદા ગણાવે છે. સ્કિનકૅર હવે ફક્ત મૉઇશ્ચરાઇઝિંગ પૂરતી સીમિત નથી રહી, ઍન્ટિએજિંગ અને રિંકલ-ફ્રી સ્કિન આજકાલ સૌનું સપનું હોય છે. એ જ રીતે પહેલાંની જેમ ફક્ત લાંબા અને જાડા વાળ જ સુંદર કહેવાય એવું ન રહેતાં એની સ્મૂધનેસ અને શાઇન પર પણ હવે નજર મંડાય છે. આવા સમયે હાયોલ્યુરૉનિક ઍસિડ એક મૅજિકલ તત્ત્વ તરીકે સૌની સામે આવ્યું છે.     

શું છે હાયોલ્યુરૉનિક ઍસિડ?
આમ તો આ એક મૉલેક્યુલ છે જે નૅચરલી આપણા શરીરમાં ઉત્પન્ન થતો હોય છે. મોટા ભાગે આપણી સ્કિનમાં આનું પ્રમાણ વધુ જોવા મળે છે પણ આ સિવાય આપણાં બોન્સ, લિગામેન્ટ્સ, લિપ્સ અને અસ્થિમજ્જામાં પણ જોવા મળે છે. એ આપણાં જૉઇન્ટ્સ, નર્વ્સ અને સ્કિનને એક કુશન પૂરું પાડે છે. મૂળે તો એ યુથફુલ સ્કિન માટે જાણીતું છે. એનું કામ ત્વચાને હાઇડ્રેટેડ રાખવાનું છે. એનો એક મૉલેક્યુલ હજારગણું પાણી શોષીને જે–તે જગ્યામાં મૉઇશ્ચર બનાવી રાખે છે. આ ઉપરાંત ઉંમર વધતાં માણસમાં હાયોલ્યુરૉનિક ઍસિડનું કુદરતી સ્તર ઘટવા લાગે છે એના લીધે એમને બજારુ ઉત્પાદનોમાંથી કૃત્રિમ રીતે આ તત્ત્વ મેળવવું પડે છે.

કૉસ્મેટોલૉજિસ્ટ તથા હેર અને સ્કિન સ્પેશ્યલિસ્ટ ડૉ. દીપમ શાહ કહે છે, ‘શિયાળાની સીઝન હાયોલ્યુરૉનિક ઍસિડ વાપરવા માટેની બેસ્ટ સીઝન છે. એના એક મૉલેક્યુલમાં અનેકગણું પાણી શોષવાની તાકાત હોય છે. આવું જ એક તત્ત્વ છે રેટિનોલ. રેટિનોલમાં મુખ્યત્વે ઍન્ટિ-એજિંગ કેમિકલ છે. એ આપણું સેલ્યુલર ટર્નઓવર વધારે છે. એના લીધે નવા સેલ્સ બનવાની પ્રક્રિયાની ઝડપ વધે છે. આ બંને તત્ત્વો કૉમ્બિનેશનમાં લેવાથી બહુ જ ફાયદેમંદ સાબિત થાય છે.’ 

આ વાત સાથે સહમત થતાં ચહેરા અને વાળનાં કૉસ્મેટોલૉજિસ્ટ ડૉ. આલિયા દેશમુખ કહે છે, ‘એના ફાયદાઓ અનેક છે. આપણા બૉડીમાં ૨૦ વર્ષની ઉંમરથી જ એજિંગ શરૂ થઈ જાય છે. જનરલી આપણને એની જાણ ૩૦ વર્ષની ઉંમરથી થવા લાગે છે. રેગ્યુલર ઉપયોગ અર્લી એજથી કરવામાં આવે તો સ્કિન પર એની સારીએવી અસર રહે છે. એ ફક્ત સ્કિન અને હેર માટે જ નહીં પણ બૉડીના ઓવરઑલ રિજુવિનેશન માટે ફાયદાકારક છે. એના લીધે સ્કિનમાં મૉઇશ્ચર બનેલું રહે છે તથા સ્કિન પરના ઘાવ હળવા કરવામાં પણ એ મદદરૂપ થાય છે.’ 

મેકૅનિઝમ કેવું હોય છે?
હાયોલ્યુરૉનિક ઍસિડની પાણી શોષવાની કૅપેબિલિટીને લીધે સ્કિન પ્લમ્પી લાગે છે એમ જણાવતાં ડૉ. દીપમ કહે છે, ‘આપણી સ્કિનમાં બે રીતના કમ્પોનન્ટ હોય છે. એક છે ઇલૅસ્ટિન, જે એક રબર બૅન્ડ જેવા સ્ટ્રેચી પ્રોટીન કમ્પોનન્ટ છે. અને બીજું છે કોલાજન, જે ટિશ્યુને સ્ટ્રક્ચર, સપૉર્ટ અને સ્ટ્રેંગ્થ આપે છે અને સ્કિનમાં નવા સેલ્સ ગ્રો થવામાં હેલ્પ કરે છે. રેટિનોલ નામનું કેમિકલ કોલાજન પર અસર કરે છે, જ્યારે હાયોલ્યુરૉનિક ઍસિડ ઇલૅસ્ટિન પર અસર કરે છે. માર્કેટમાં બંને કમ્પોનન્ટની પ્રોડક્ટ્સ  આસાનીથી મળી જાય છે. કૉમ્બિનેશનમાં એની ઓવરઑલ સારી અસર થાય છે. ફક્ત ડ્રાય સ્કિનને હાઇડ્રેટ કરવી હોય તો હાયોલ્યુરૉનિક ઍસિડવાળી પ્રોડક્ટ્સ વધુ સારી પડે. રેટિનોલ વાપરવામાં આવે ત્યારે પહેલાં હાયોલ્યુરૉનિક ઍસિડ અને પછી રેટિનોલ એવો ક્રમ રાખવો.’

કેવા લોકો વાપરી શકે છે?
ડૉ. આલિયા કહે છે, ‘આ સિરમને સાવ જ ડ્રાય સ્કિન પર ન લગાડવું. ફેસ વૉશ કર્યા પછી સ્કિન થોડી ભીની હોય ત્યારે એના પર સિરમ લગાડવું. વેટ સ્કિનમાં રહેલા પાણીને લીધે એની પ્રોસેસ ફાસ્ટ થશે. હાયોલ્યુરૉનિક ઍસિડ - રેટિનોલ કે હાયોલ્યુરૉનિક ઍસિડ - વિટામિન સી એ ખૂબ જ સારું કૉમ્બિનેશન છે. ક્યારેક બે સિરમ ભેગાં લગાડવાનું થાય તો પહેલાં હાયોલ્યુરૉનિક ઍસિડ લગાડીને વીસેક મિનિટ પછી બીજું સિરમ લગાડવું જોઈએ.’
ડૉ. દીપમ્ કહે છે, ‘ડ્રાય, સેન્સિટિવ અને નૉર્મલ ત્રણેય સ્કિન ટાઇપવાળા લોકો હાયોલ્યુરૉનિક ઍસિડવાળું સિરમ વાપરી શકે છે. આમાં રેટિનોલ અને હાયોલ્યુરૉનિક ઍસિડનું કૉમ્બિનેશન ન ફક્ત સ્કિન ટાઇટ કરી ઍન્ટિ-એજિંગમાં મદદ કરે છે, પણ એના લીધે ચહેરા પર ગ્લો પણ સારો આવે છે. ઑઇલી સ્કિનવાળા એક વાર રેટિનોલ વાપરી શકે છે, પણ ડ્રાય સ્કિનવાળાએ તો હાયોલ્યુરૉનિક ઍસિડ જ પ્રિફર કરવું જોઈએ.’

વાળ પર અસર 
ડૉ. આલિયા દેશમુખ કહે છે, ‘ફ્રીઝી અને ડૅમેજ્ડ હેર અને ડ્રાય સ્કૅલ્પ માટે પણ હાયોલ્યુરૉનિક ઍસિડ અકસીર છે. ડ્રાય સ્કૅલ્પ પર લગાડી શકાય એવાં સિરમ માર્કેટમાં ઉપલબ્ધ છે. આખી રાત એને લગાડી રાખી સવારે હેરવૉશ કરવાથી સ્કૅલ્પમાંની ડ્રાયનેસ જતી રહે છે.’
આ વાતમાં ઉમેરો કરતાં ડૉ. દીપમ્ કહે છે, ‘આજકાલ વાળની જાળવણી માટે ઘણીબધી પ્રોડક્ટ્સ અવેલેબલ છે. આ ઉપરાંત રોજિંદા જીવનમાં પણ આપણે સેલોં ટ્રીટમેન્ટ્સ, બ્લો ડ્રાય, આયર્નિંગ વગેરે કરતાં હોઈએ છીએ. એવા સમયે વાળનું ઉપરનું લેયર ડૅમેજ થતાં વાળ ઉપરથી ફ્રીઝી અને અંદરથી પોકળ થતા જાય છે. ખાસ કરીને શિયાળાની સીઝનમાં હવામાં મૉઇશ્ચર ઘટે છે ત્યારે હેર પ્રોડક્ટ્સ બહુ જ કામ લાગે છે. હાયોલ્યુરૉનિક ઍસિડ આ પોકળતા ઘટાડીને વાળનું મૉઇશ્ચર બનાવી રાખે છે. એના લીધે ફ્રીઝીનેસ પણ ઘટે છે.’

સાઇડ ઇફેક્ટ્સ 
ડૉ. દીપમ કહે છે કે સ્કિન માટે વધુમાં વધુ ૦.૫ ટકા (ઓવર ધ કાઉન્ટર)થી લઈને મૅક્સિમમ બે ટકા (પ્રિસ્ક્રાઇબ્ડ) જેટલું કૉન્સન્ટ્રેશન જરૂરી છે. પ્રોડક્ટ્સનો ઓવરયુઝ ન કરવો જોઈએ. જ્યારે ડૉ. આલિયાના મત મુજબ ૧ ટકા કૉન્સન્ટ્રેશનવાળી પ્રોડક્ટ સૌથી વધુ સેફ રહે છે. તે કહે છે, ‘એની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. પ્રેગ્નન્ટ વુમન પણ અપ્લાય કરી શકે છે. હા, આને આલ્કોહૉલ, કોઈ પરફ્યુમ્સ કે ફ્રૅગ્રન્સ કે બીજા કોઈ ઍસિડિક કેમિકલ સાથે મિક્સ ન કરવું. આનાથી સ્કિનમાં ઇરિટેશન થવાની શક્યતા રહે છે.’

ડૉ. દીપમ આપે છે સ્કિનકૅરની ફૉર્મ્યુલા
થિનેસ્ટ ટુ થિકેસ્ટ ઍપ્લિકેશન ફૉર્મ્યુલા - રાત્રે સૂતા પહેલાં ફેસવૉશ કરી ડ્રાય કરીને પછી હાયોલ્યુરૉનિક ઍસિડ સિરમ લગાડવું અને પછી મૉઇશ્ચરાઇઝર લગાડવું. હંમેશાં સિરમ પહેલાં લગાડવું, કારણ કે એનું થિનેસ્ટ લેયર સ્કિનમાં જલદીથી ઍબ્સૉર્બ થાય છે. એ પછી મૉઇશ્ચરરાઇઝર કે ઑઇન્ટમેન્ટ અપ્લાય કરી સ્કિન સીલ થઈ શકે છે. કોઈ પણ થિક ઍપ્લિકેશનનું લેયર સ્કિનના ઉપલા લેયરને સીલ કરે છે, પછી કોઈ એ મૉલેક્યુલ ઍબ્સૉર્બ નથી કરી શકતા. આ ફૉર્મ્યુલા કોઈ પણ સ્કિનકૅર પ્રોડક્ટ્સમાં અપનાવવી.

નૉર્મલ સ્કિન માટે સૅન્ડવિચ ટેક્નિક – નૉર્મલ સ્કિન હોય તો રેટિનોલવાળી પ્રોડક્ટમાં પહેલાં મૉઇશ્ચરાઇઝર પછી રેટિનોલ સિરમ અને પછી પાછું મૉઇશ્ચરાઇઝર લગાડી ઇફેક્ટિવ રિઝલ્ટ મળે છે. આ માટે માર્કેટમાં સિરમ પમ્પ પણ હોય છે જેમાં ફેસ આખો કવર થાય એટલું પોષણ મળી રહે છે. બીજું, એક ફિંગર ટિપ યુનિટ (૧ ફિંગર ટિપ યુનિટ = આંગળીના પહેલા વેઢા જેટલી કોલગેટની ટ્યુબ લઈએ એટલું માપ) ફેસ માટે અને જો ગરદન માટે વાપરીએ તો બે ફિંગર ટિપ યુનિટના હિસાબે પણ માપવામાં આવે છે.

fashion news fashion health tips columnists life and style katrina kaif