ભાઈનાં લગ્નમાં પ્રિયંકા ચોપડાના ટૉક આૅફ ધ ટાઉન બનેલા લુક્સ

17 February, 2025 03:45 PM IST  |  Mumbai | Rajul Bhanushali

થોડા દિવસ પહેલાં જ બૉલીવુડ ઍક્ટ્રેસ પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થ ચોપડાનાં લગ્ન થયાં. દરેક પ્રસંગે સ્ટેટમેન્ટ આઉટફિટ્સ માટે જાણીતી પ્રિયંકાએ પ્રસંગને અનુરૂપ જે સ્ટાઇલિંગ કર્યું હતું

પ્રિયંકા ચોપડા

થોડા દિવસ પહેલાં જ બૉલીવુડ ઍક્ટ્રેસ પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થ ચોપડાનાં લગ્ન થયાં. દરેક પ્રસંગે સ્ટેટમેન્ટ આઉટફિટ્સ માટે જાણીતી પ્રિયંકાએ પ્રસંગને અનુરૂપ જે સ્ટાઇલિંગ કર્યું હતું એ આવનારા દિવસોમાં વેડિંગ લુક માટે અનેક ફૅશન-સ્ટાઇલિસ્ટો માટે ઇન્સ્પિરેશન બની રહેશે. ફૅશન-સ્ટાઇલિસ્ટ શૈલવી શાહ પાસેથી સમજીએ પ્રિયંકા ચોપડાના પાંચેય લુક્સની ખાસિયતો

માતા કી ચૌકી

માતા કી ચૌકીના ફંક્શનમાં પ્રિયંકાએ પરંપરાગત રંગો પસંદ કર્યા હતા. ઑરેન્જ, રેડ અને ગોલ્ડન કલરનો આઉટફિટ રીસાઇકલ્ડ કૉટન સિલ્કમાંથી બનેલો છે જેનું કાપડ હૅન્ડવુવન છે. આ સસ્ટેનેબલ કાપડમાંથી બનેલો આઉટફિટ મંદિરમાં ભગવાનને ચડાવેલાં ફૂલોથી મેળવેલા નૅચરલ કલરથી ડાઇ કરવામાં આવ્યો છે. આ ફૅબ્રિક હાથસાળ પર બનાવવામાં આવે છે અને એકદમ લાઇટ હોય છે. એનાથી સ્કિનને કોઈ પણ પ્રકારનું ઇરિટેશન વગેરે થતું નથી. રસ્ટ ઑરેન્જ સ્લીવલેસ ફિટેડ કુરતી સાથે ગોલ્ડ પલાઝો પૅન્ટ અને એમ્બ્રૉઇડરી કરેલા ઑર્ગેન્ઝાના દુપટ્ટામાં પ્રિયંકા સુંદર લાગી રહી હતી. ઍક્સેસરીઝમાં તેણે ગોલ્ડન કલરની સ્ટેટમેન્ટ ચાંદબાલી અને સાથે મંગળસૂત્ર પહેર્યાં હતાં જે તેના લુકને એન્હૅન્સ કરી રહ્યાં હતાં. મેકઅપ પણ એકદમ લાઇટ હતો. તેણે માત્ર કાજલ અને બ્રાઉનિશ કલરની ન્યુડ લિપ્સ્ટિક લગાવીને નો મેકઅપ લુક અપનાવ્યો હતો. ગ્લાસ બીડ્સ અને ડેલિકેટ મેટલ ગોટાવર્ક કરેલા આ ડ્રેસે પ્રિયંકાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

મેહંદી સેરેમની

પ્રિયંકાએ મેંદી સેરેમનીમાં પહેરેલા રાહુલ મિશ્રાએ ડિઝાઇન કરેલા કૉર્સેટ લેહંગા ગાઉન લુકે આખી દુનિયાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. સ્ટ્રૅપલેસ કૉર્સેટ બ્લાઉઝ વિથ ફ્લોર લેન્ગ્થ એ-લાઇન સ્કર્ટવાળા આ આઉટફિટમાં રેશમથી ફ્લાવર્સની એમ્બ્રૉઇડરી હતી. સાથે ક્રિસ્ટલ અડૉર્નમેન્ટ્સ અને સીક્વન્સનું કામ હતું. આ હૅન્ડ-એમ્બ્રૉઇડરીડ સ્કર્ટ પર ફ્લાવર્સની સાથે નાનાં-નાનાં હમિંગ બર્ડ‍્સ અને લીવ્સ પણ બનેલાં છે. પેસ્ટલ કલરનો આ આઉટફિટ રાહુલ મિશ્રાના ડ્હાલિયા સ્પ્રિંગ કલેક્શનમાંથી છે જે હવે ૨૦૨૫માં આવશે. આ આઉટફિટ સાથે પ્રિયંકાએ હાથમાં બુલ્ગરીનું બ્રેસલેટ અને કાનમાં સિમ્પલ ડાયમન્ડ સ્ટડ્સ પહેર્યાં હતાં. આ ડ્રેસની નેકલાઇન લો છે એટલે ગળામાં પિન્ક કલરના સ્ટોન્સવાળો મોટો નેકલેસ પહેર્યો છે. મેંદીમાં પહેરેલો બુલ્ગરીનો આ નેકલેસ ટૉક ઑફ ધ ટાઉન બની ગયો છે જેની કિંમત લગભગ દસથી બાર કરોડની આસપાસની ગણાઈ રહી છે. પ્રિયંકા બુલ્ગરીની ગ્લોબલ ઍમ્બૅસૅડર છે. આ ફંક્શનમાં પ્રિયંકાએ ફુલ ફેમિનાઇન લુક લીધો હતો. બ્લશ આઇઝ અને પિન્ક લિપ્સ સાથે ટૉન્ગ્ડ હેરસ્ટાઇલ કરી છે. બ્લાઉઝ ઑફ-સ્લીવ હતું અને જો હેર ટાઇ કરે તો સ્કિન વધુ દેખાય. ઓવરઑલ લુકને બૅલૅન્સ કરવા તેણે ટૉન્ગ્ડ હેરસ્ટાઇલ એટલે કે કર્લ્સ કરીને વાળ ખુલ્લા રાખ્યા છે. પ્રિયંકાએ મેંદી પણ એકદમ સિમ્પલ લગાવી હતી જેમાં રિસ્ટથી પૉઇન્ટર ફિંગર સુધી એક જ લાઇન હતી, ફ્રન્ટમાં કશું જ નહોતું. હાથમાં પણ કશું જ પહેર્યું નહોતું, માત્ર વેડિંગ રિંગ પહેરેલી હતી.

હલ્દી સેરેમની

હલ્દી સેરેમનીનું પીળા કલરની કુરતી વિથ બિલ્લોવી સ્કર્ટ આઉટફિટ અનીતા ડોંગરે દ્વારા કસ્ટમ મેડ છે. આ એક પ્યૉર સમર કલર છે. સ્કર્ટમાં કૅન-કૅન વાપરવામાં આવ્યું નથી. એનો લુક સૉફ્ટ અને ફ્લોઇ છે, ઘેરદાર ઘાઘરાની ઇફેક્ટ આપે છે અને કૅન-કૅન વગર પણ વૉલ્યુમ લાગે છે. ચંદેરી મલ ખૂબ લાઇટ પ્રકારનું ક્લોથ છે. એની ઍમ્બેલિશ્ડ એમ્બ્રૉઇડરી અને લાઇટ ગોલ્ડ ફ્રિલ એલિગન્ટ લાગે છે. પ્રિયંકાએ સિંગલેટ બ્લાઉઝ સાથે વન સાઇડ દુપટ્ટો લીધો છે. આ આઉટફિટની સાથે પ્રિયંકાએ યલો કલરની બંગડીઓ અને વચ્ચે કુંદનનું કડું પહેર્યાં છે જે તેણે પહેરેલા તેનાં લગ્નના મંગળસૂત્ર સાથે બ્લેન્ડ થાય છે. એ સાથે લૉન્ગ ઇઅર-રિંગ્સ પહેર્યાં છે જે ચાંદબાલીની ઇફેક્ટ આપે છે. આ ઇઅર-રિંગમાં વેસ્ટનો ટચ છે. એટલે કે ટ્રેડિશનલ પ્લસ મૉડર્ન ડિઝાઇન બ્લેન્ડ થયેલી છે. વચ્ચેથી પોલા છે એટલે ડિઝાઇન પરથી લાઇટ વેઇટ હશે એવું લાગે છે. હેરસ્ટાઇલમાં પ્રિયંકાએ હેર ફ્રિન્જ કર્યા છે અને હાફ પોની લીધી છે. હલ્દી માટે માટે આ એક સ્માર્ટ હેરસ્ટાઇલ છે. એના કારણે વાળ ખરાબ થવાની શક્યતા નહીંવત્ થઈ જાય છે. મેકઅપની વાત કરીએ તો બ્લશ ઉપરની તરફ લગાવ્યું છે તેથી ચિકબોન હાઇલાઇટ થાય. સાથે કાજલ અને પિન્કિશ ન્યુડ લિપસ્ટિક છે અને લાસ્ટ બટ નૉટ ધ લીસ્ટ, લુકને કમ્પ્લીટ કરતી સ્ટડેડ ડાયમન્ડ બિન્દી પહેરી છે. હલ્દીમાં પ્રિયંકાએ પહેરેલા સનગ્લાસિસે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

સંગીત સેરેમની

સંગીત સેરિમનીમાં ફાલ્ગુની શૅન પીકૉકે ડિઝાઇન કરેલા થ્રી-પીસ આઉટફિટમાં પ્રિયંકા ગ્લૅમરસ લાગી રહી હતી. ટોનલ નેવી કલરના ડ્રેસમાં પાછળના ટ્રેલને કારણે મર્મેડ જેવી ઇફેક્ટ ઊભી થઈ હતી. આ આઉટફિટમાં બ્રાલેટ સ્ટાઇલ બ્લાઉઝ, ફિટેડ લેહંગા સ્કર્ટ અને દુપટ્ટામાં સ્વરૉવ્સ્કી સ્ટોન્સ, ક્રિસ્ટલ્સ અને બીડ્સની એમ્બ્રૉઇડરી કરેલી છે જેને કારણે આ ઈવનિંગ કલર વધુ દીપી ઊઠે છે. ઍક્સેસરીઝમાં બુલ્ગરી ડાયમન્ડ નેકલેસ બ્રેસલેટ સાથે બે રિંગ્સ અને કાનમાં સ્ટડ્સ પહેર્યાં છે. આ આખો લુક એક સ્ટારી નાઇટ ઇફેક્ટ ઊભી કરવામાં સફળ થયો છે. મેકઅપ અને હેરસ્ટાઇલની વાત કરીએ તો હેર સ્ટ્રેટ છે, આઇઝ સ્મોકી છે અને લિપસ્ટિક ડાર્ક પિન્ક છે. કૉન્ટૉ ટાઇપ મેકઅપ છે. કૉન્ટૉ ચિકબોનને લિફ્ટ આપવા માટે કરવામાં આવે છે. મોટા ભાગે નાઇટ ફંક્શન્સમાં આ ટાઇપનો લુક કરવામાં આવે છે. આ થ્રી-પીસ આઉટફિટમાં પ્રિયંકાએ વન સાઇડ દુપટ્ટો ડ્રેપ કર્યો હતો પરંતુ ડાન્સ કરતી વખતે કાઢી પણ નાખ્યો હતો. આ ડ્રેસ સાથે પ્રિયંકાએ ન્યુડ સિલ્વર ઑમ્બ્રે નેઇલ-પૉલિશ લગાવી છે.

વેડિંગ સેરેમનીનો ડ્રેસ

લગ્ન વખતે પ્રિયંકાએ પહેરેલો ટર્કોઇશ માચા મિન્ટ ડ્રેસ એક માસ્ટરપીસ આઉટફિટ છે. બેઝિક ગ્રીન કલરના ફૅબ્રિકમાં એમ્બ્રૉઇડરી વડે ઑમ્બ્રે ઇફેક્ટ ઊભી કરવામાં આવી છે જે બહુ કૉમન નથી અને એટલે જ એ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયું છે. મિન્ટ ગ્રીન કલરના ફૅબ્રિકમાં અપરસાઇડ સિલ્વર કલરનું વર્ક છે અને ડાઉનસાઇડ ટર્કોઇશ કલરનું વર્ક છે જેના કારણે આ ઑમ્બ્રે ઇફેક્ટ ઊભી થાય છે. મરીન કલર્સનો ઉપયોગ થયો છે એટલે એમ પણ કહી શકાય કે મર્મેડ ઇફેક્ટ આપવામાં આવી છે. ધિસ ઇંગ્લિશ કલર ઇઝ અ ન્યુ ટ્રેન્ડ. લગ્નના અન્ય પ્રસંગોમાં પ્રિયંકાની કલર પૅલેટ ઇન્ડિયન હતી એટલે કે તેણે ટ્રેડિશનલ કલર્સ પહેરવાનું પસંદ કર્યું હતું પરંતુ ફેરામાં તેણે આ ઇંગ્લિશ કલર પહેર્યો. ભારતીય સ્ટાઇલનો ડ્રેસ અને ઇંગ્લિશ કલર એટલે કે બે સંસ્કૃતિનું મિલન. બ્લાઉઝની વાત કરીએ તો એમાં વન સાઇડ બીડ્સની સ્ટ્રિપ છે પરંતુ કમર પર બેલ્ટ સ્ટાઇલ અપનાવવામાં આવી છે જે બ્લાઉઝ સાથે જ અટૅચ્ડ છે. આ એક સ્માર્ટ સ્ટાઇલ છે. ઑફ-શૉલ્ડર બ્લાઉઝ છે એટલે બેલ્ટના કારણે એક ઇલ્યુઝન ક્રીએટ થાય છે અને સ્કિન વધારે નથી દેખાતી. સાથે વન સાઇડ શિયર દુપટ્ટો લીધો છે જેમાં ક્રિસ્ટલ અને સીક્વન વર્ક છે. અગેઇન પ્રિયંકાએ આ ફંક્શનમાં બુલ્ગરીનો એમરલ્ડ એડન નેકપીસ પહેર્યો છે, કાનમાં ડાયમન્ડ સ્ટડ્સ છે અને હાથમાં રિંગ સિવાય બીજું કશું જ નથી. ફેરા વખતનો પ્રિયંકાનો લુક મોનોક્રોમ લુક છે. મેકઅપ અને હેરની વાત કરીએ તો તેણે મેસી બન કર્યો છે અને બનમાં સાથે સફેદ કલરનાં ઝીણાં ફ્લાવર્સ પણ લગાવ્યાં છે. બારાતમાં નાચતી વખતે તેણે સનગ્લાસિસ પહેર્યા એ પણ કોઈ જ્વેલરીથી કમ નહોતા. અહીં તેણે અગેઇન મિનિમલ મેકઅપ લુક અપનાવ્યો છે. પિન્ક લિપસ્ટિક આઇઝમાં સિમ્પલ ગોલ્ડ કલર અને ગ્રીન કલરની નાનકદી બિન્દી. આ પણ એક સ્માર્ટ મૂવ છે. લુકમાં કશું જ એક્સ્ટ્રા નથી. બધું જ ફોકસ માત્ર અને માત્ર આઉટફિટ અને એના ઑમ્બ્રે કલર પર જ રહે છે.

priyanka chopra fashion news fashion bollywood news columnists mumbai gujarati mid-day