03 July, 2025 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજકાલ વાળની સમસ્યા ખૂબ વધી રહી છે; જેની પાછળ આહાર, જીવનશૈલી, પર્યાવરણ, તનાવ વગેરે જવાબદાર છે. આપણે હેરકૅર રૂટીનમાં કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરીએ તો વાળને ફાયદો પહોંચવાને બદલે ઘણી વાર નુકસાન પહોંચી જતું હોય છે. એવામાં જરેનિયમ ઑઇલ તમારા વાળ માટે એક સારો કુદરતી વિકલ્પ હોઈ શકે છે.
શું ફાયદો થાય?
જરેનિયમ તેલ વાળમાં લગાવવાના અનેક ફાયદા છે. એ સ્કૅલ્પમાં બ્લડ-સર્ક્યુશનને વધારે છે, જેના કારણે હેર ફોલિકલ્સ સુધી વધુ પોષક તત્ત્વો પહોંચી શકે છે. પરિણામે હેરગ્રોથમાં મદદ મળે છે. ડૅન્ડ્રફને કારણે સ્કૅલ્પમાં ખંજવાળ આવતી હોય કે વાળ ખરતા હોય તો એમાં પણ જરેનિયમ તેલ લગાવવાથી ફાયદો થાય છે, કારણ કે એમાં ઍન્ટિફંગલ પ્રૉપર્ટીઝ હોય છે. સ્કૅલ્પ વધુપડતું ઑઇલી કે ડ્રાય હોય તો પણ વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. એવામાં જરેનિયમ ઑઇલ સ્કૅલ્પમાં સિબમ એટલે કે નૅચરલ ઑઇલના પ્રોડક્શનને બૅલૅન્સ રાખવાનું કામ કરીને સ્કૅલ્પને હેલ્ધી રાખે છે. જરેનિયમ તેલમાં રહેલી મૉઇશ્ચરાઇઝિંગ પ્રૉપર્ટી વાળને સૉફ્ટ અને સ્મૂધ બનાવે છે.
ઉપયોગ કઈ રીતે કરશો?
જરેનિયમ તેલ ખૂબ શક્તિશાળી તેલ હોય છે એટલે એને સીધું સ્કૅલ્પ પર લગાવવાનું ટાળવું જોઈએ. એને હંમેશાં અન્ય કોઈ તેલ સાથે જ મિક્સ કરીને લગાવવું જોઈએ. એને સીધું સ્કૅલ્પ પર લગાવવાથી સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોને બળતરા, ખંજવાળ અથવા ઍલર્જી થઈ શકે છે. તમે નારિયેળ, જોજોબા કે આર્ગન ઑઇલમાંથી કોઈ એક ઑઇલ બે ટેબલસ્પૂન જેટલું લઈ શકો. એમાં તમે ૫-૬ ટીપાં જરેનિયમ તેલનાં મિક્સ કરીને પછી એને સ્કૅલ્પ પર હળવા હાથેથી લગાવી શકો છો. તમે તમારા રેગ્યુલર શૅમ્પૂમાં પણ જરેનિયમ ઑઇલનાં ત્રણ-ચાર ટીપાં મિક્સ કરીને એનાથી વાળ ધોઈ શકો છો. જરેનિયમ તેલનો ઉપયોગ કરીને તમે હેરમાસ્ક પણ બનાવી શકો. બે ટેબલસ્પૂન નૉર્મલ ઑઇલ લો, જે તમે રેગ્યુલર બેઝિસ પર માથામાં લગાવવા માટે યુઝ કરતા હો. એમાં ૫-૬ ટીપાં જરેનિયમ તેલ નાખો સાથે એક ટેબલસ્પૂન મધ નાખો. આ બધાને મિક્સ કરશો એટલે તમારો હેરમાસ્ક તૈયાર થઈ જશે. તમે બે ટેબલસ્પૂન ઍલોવેરા, એક ટેબલસ્પૂન મધ અને જરેનિયમ તેલનાં ચાર-પાંચ ટીપાં મિક્સ કરીને પણ હેરમાસ્ક બનાવી શકો. આ હેરમાસ્કને ૧૫-૨૦ મિનિટ માટે વાળમાં લગાવેલો રહેવા દો અને પછી એને પાણીથી ધોઈ નાખો.