કાંદાની છાલ અને ચાની ભૂકીથી નૅચરલી વાળ કાળા થઈ જાય?

07 January, 2025 03:41 PM IST  |  Mumbai | Rajul Bhanushali

સોશ્યલ મીડિયામાં આ અજીબ કૉમ્બિનેશનને બાળીને એનું દ્રાવણ બનાવીને કુદરતી હેરડાઇ તરીકે યુઝ કરવાનો નુસખો ખૂબ પ્રચલિત છે ત્યારે સવાલ એ થાય કે શું આ નુસખો અસરકારક છે?

કાંદાની છાલ અને ચાની ભૂકીથી નૅચરલી વાળ કાળા થઈ જાય.

સોશ્યલ મીડિયામાં આ અજીબ કૉમ્બિનેશનને બાળીને એનું દ્રાવણ બનાવીને કુદરતી હેરડાઇ તરીકે યુઝ કરવાનો નુસખો ખૂબ પ્રચલિત છે ત્યારે સવાલ એ થાય કે શું આ નુસખો અસરકારક છે? આમ તો આ નૅચરલ ડાઇ ઇફેક્ટિવ છે, પણ એના ઉપયોગમાં શું ધ્યાન રાખવું એ નિષ્ણાત પાસેથી જ જાણી લો


આજકાલ પચીસ-છવીસ વર્ષની વયે વાળમાં સફેદી ધરાવતી લટો દેખાવા લાગી છે. એવામાં કુદરતી રીતે વાળને કાળા બનાવે એવી ડાઇની જરૂરિયાત વધી છે. વિવિધ શેડની કેમિકલવાળી ડાઇ લાંબા ગાળે વાળની ક્વૉલિટીને ખરાબ કરે છે એટલે જો તમે વાળને વધુ સફેદ કરે એવાં હાનિકારક કેમિકલ્સ વિનાની ડાઇની શોધમાં હો તો ઘરઘરાઉ નુસખારૂપે કાંદા અને ચાની ભૂકીનો નુસખો અચૂક સોશ્યલ મીડિયા પર જોયો હશે. મુખ્યત્વે કાંદાની સૂકી છાલ અને ચાની ભૂકીને શેકીને કાળો પાઉડર બનાવી લેવામાં આવે છે. એ પછી બધા લોકો પોતપોતાની રીતે એમાં જાતજાતની ઘરેલુ સામગ્રીઓ નાખે છે.

આ પ્રકારની ડાઇ નૅચરલ ભલે હોય, પણ શું એ વાળ માટે હેલ્ધી છે? આ વિશે બ્યુટિશ્યન ગીતા સરાવ્યા કહે છે, ‘દરેક વાતના પ્રોઝ ઍન્ડ કૉન્સ હોય છે. અન્યન પીલ અને ચા સ્કિન, હેર અને ઈવન ડાઇજેસ્ટિવ સિસ્ટમ માટે યુઝફુલ છે. અન્યન પીલમાં ફ્લેવનૉઇડ નામનો એક કમ્પાઉન્ડ હોય છે જે ઍન્ટિઑક્સિડન્ટ, ઍન્ટિઇન્ફ્લમૅટરી અને બાયોઍક્ટિવ કમ્પાઉન્ડ છે. આ ફ્લેવનૉઇડ આખા અન્યનમાં જેટલું હોય એમાંથી ૮૦ ટકા જેટલું એની પીલમાં હોય છે. આ કમ્પાઉન્ડ હેર ફોલિકલ્સને સ્ટ્રૉન્ગ કરે છે, હેરલૉસ રિડ્યુસ કરે છે અને હેરગ્રોથમાં પણ વૃદ્ધિ કરે છે. બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં ફ્લેવનૉઇડનો ભરપૂર ઉપયોગ થાય છે. મોટા ભાગનાં કન્ડિશનરમાં પણ એ હાજર હોય છે. આ ફ્લેવનૉઇડ સ્કૅલ્પ પર એક પ્રોટેક્ટિવ લેયર બનાવે છે અને ડિઝીસથી બચાવે છે. અન્યન પીલની ઍશનો ઘણીબધી ક્રીમ્સમાં પણ ઉપયોગ થાય છે. એને કેવી રીતે વાપરવું એ સમજવું જરૂરી છે. અન્યન પીલને અને ચાને કોરેકોરાં શેકીને એકદમ કાળાં કરી નાખવાં અને પછી પીસી લેવાં. ત્યાર બાદ એ પાઉડરને ચાળીને એમાં એલોવેરા જેલ મિક્સ કરીને ડાઇની જેમ લગાડવું. બીજી રીતમાં પીલ અને ચાને એકસાથે બૉઇલ કરવાં. એમાં બેપાંચ લવિંગ પણ નાખી દેવાં. ઊકળી-ઊકળીને એ પાણી એકદમ બ્લૅક થઈ જાય પછી એને ચાળીને વાળમાં અપ્લાય કરવું. ત્રીજી રીતમાં બે બદામ અને અન્યન પીલ શેકીને બ્લૅક કરી નાખવાનાં. પછી એને ગ્રાઇન્ડ કરીને એમાં વિટામિન Eની કૅપ્સુલ અને બે ચમચી જેટલું કોકોનટ ઓઇલ નાખવાનું અને ત્યાર પછી વાળમાં અપ્લાય કરવું. આ નૅચરલ ડાઇ ટ્રાય કરતાં પહેલા ઍલર્જી ટેસ્ટ કરવી જરૂરી છે કારણ કે અન્યનમાં સલ્ફર હોય છે અને એ કોઈકને ન સદે એવું પણ બને. જો કોઈની સ્કિન અતિશય ડ્રાય હોય તો તેમને તકલીફ થઈ શકે. આ ટ્રાય કરતાં પહેલાં સ્કિનના એક નાનકડા પૅચમાં લગાવી જોવું. જો ઇચિંગ કે ઇરિટેશન જેવું કંઈ જ ન થાય તો એનો આગળ ઉપયોગ કરવો. આ એક વેરી હેલ્ધી કલરિંગ એજન્ટ છે. ટી લીવ્ઝમાં કૅફીન હોય છે જે હેરલૉસ માટે કામ આવે છે. હેરલૉસ માટે જવાબદાર ડિહાઇડ્રોટેસ્ટોસ્ટેરોન (DHT) હૉર્મોનને એ કાઉન્ટર કરી નાખે છે. એટલે હેરલૉસ અટકી જાય છે. એ ઉપરાંત એનો પોતાનો સ્ટ્રૉન્ગ કલર છે જે વાળના કલરને એન્હૅન્સ કરે જેથી ગ્રે હેર છુપાઈ જાય છે અને વાળમાં શાઇન આવી જાય છે. જેમને સ્પ્લિટ એન્ડ થતા હોય અને અત્યંત ઑઇલી સ્કૅલ્પ હોય તેમના માટે પણ ઉપકારક છે.’

કોણે વાપરવું?

પ્રેગ્નન્સીમાં કે પછી બ્રેસ્ટ-ફીડિંગ કરાવતી મધર્સ હોય તેમણે ડૉક્ટરની સલાહ લીધા પછી જ આ આ પ્રયોગ કરવો. એ ઉપરાંત અતિશય ડ્રાય સ્કિન હોય તેમણે પણ ધ્યાન રાખવું. અન્યન સ્કૅલ્પમાંથી મૉઇશ્ચર ઍબ્સૉર્બ કરી લેતું હોય છે એટલે સ્કિન વધુ ડ્રાય થવાની શક્યતા છે. અન્યન પીલ અને ચાની ડાઇ વાપરવામાં આવે ત્યારે હાઇડ્રેશનનું પૂરું ધ્યાન રાખવું. આનો એક ઍન્ગલ એ પણ છે કે અન્યન હોવાને કારણે ખૂબ તીવ્ર વાસ આવતી હોય છે એનું ધ્યાન રાખવું પડે.

fashion fashion news beauty tips columnists life and style mumbai gujarati mid-day social media