06 May, 2025 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજકાલ વાળ સફેદ થવાની સમસ્યા ખૂબ સામાન્ય બની ગઈ છે. યુવાનો પણ સફેદ થતા વાળની સમસ્યાથી હેરાન છે. એવામાં ઇન્ટરનેટ પર એવા ઘણા વિડિયો ફરે છે જેમાં એવો દાવો કરવામાં આવે છે કે જે-તે ઘરેલુ નુસખાથી વાળ કુદરતી રીતે ફરી કાળા થઈ શકે છે. જોકે એમાં કેટલું તથ્ય છે એ જાણ્યા વગર આડેધડ વાળ પર વિવિધ વસ્તુઓ લગાવવાથી વાળને નુકસાન થઈ શકે છે.
વિડિયો જોઈને સફેદ થતા વાળને ફરી કાળા કરવાના ચક્કરમાં પડતાં પહેલાં એ વસ્તુ જાણી લેવી જરૂરી છે કે કયા કેસમાં તમારા સફેદ વાળ કુદરતી રીતે કાળા થઈ શકે એવી શક્યતા છે અને કયા કેસમાં એ શક્ય નથી. નિષ્ણાતોનું કહેવું માનીએ તો મોટા ભાગના કેસમાં સફેદ વાળને કુદરતી રીતે કાળા કરવાનું લગભગ અશક્ય છે. આપણા વાળને કાળો રંગ આપવાનું કામ મેલૅનિન કરે છે. મેલૅનિનનું ઉત્પાદન મેલૅનોસાઇટ્સ નામના વિશેષ કોષો કરે છે. મેલૅનોસાઇટ્સ ક્ષતિગ્રસ્ત થાય છે ત્યારે મેલૅનિનનું ઉત્પાદન ઘટી જાય છે અને વાળ સફેદ થઈ જાય છે. મેલૅનિનનું ઉત્પાદન ઘટવાનાં અનેક કારણો હોય છે - જેમ કે વધતી ઉંમર કે જિનેટિક્સ. એટલે તમારી ફૅમિલીમાં નાની ઉંમરથી વાળ સફેદ થવાની સમસ્યા હોય તો એવા કેસમાં વાળ ફરી કાળા થઈ શકે નહીં. હવે જે લોકોના વાળ વધુપડતું સ્ટ્રેસ લેવાને કારણે, શરીરમાં પોષક તત્ત્વોની કમીને કારણે કે પછી બીમાર પડ્યા પછી સફેદ થવા લાગ્યા હોય તો એવા કેસમાં સફેદ વાળને કુદરતી રીતે કાળા કરી શકાય છે. જોકે એ પણ ધાર્યા જેવું રિઝલ્ટ આપે એની કોઈ ગૅરન્ટી હોતી નથી.
અનેક વિડિયોમાં એવો દાવો કરવામાં આવે છે કે કાંદાનો રસ કે પછી નારિયેળ તેલ અને લીંબુનો રસ લગાવવાથી સફેદ વાળ કાળા થાય છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે હજી સુધી એવા કોઈ વિશ્વસનીય પુરાવાઓ નથી મળ્યા જેનાથી એ સાબિત થાય કે આ વસ્તુઓ મેલૅનિનનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. ઘણી વાર કૉલેજન સપ્લિમેન્ટ્સ વાપરવાની સલાહ આપવામાં આવે છે. જોકે એનાથી વાળની ગુણવત્તા સુધરી શકે, વાળ ફરી કાળા ન થઈ શકે. શરીરમાં વાળ માટે આવશ્યક ન્યુટ્રિશનની કમીને કારણે વાળ સફેદ થયા હોય તો ડાયટમાં અમુક વસ્તુનો સમાવેશ કરીને વાળને વધુ સફેદ થતા રોકી શકો. એ માટે તમે આહારમાં વિટામિન B12, કૉપર, ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ, આયર્ન, ઝિન્કથી ભરપૂર આહાર લઈ શકો. એમાં લીલાં પાંદડાંવાળી ભાજી, ડ્રાયફ્રૂટ્સ, નટ્સ, સીડ્સનો પણ સમાવેશ કરી શકો.