03 July, 2025 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બ્લૅક ઍન્ડ વાઇટ, કલર
રંગ બદલતી છત્રીઓ ખાસ કરીને બાળકોને ખૂબ પસંદ આવે છે. તેમના માટે ફક્ત એ છત્રી નથી, પણ મજેદાર જાદુ જેવો અનુભવ આપે છે. આવી છત્રીઓ પર જેવો વરસાદ પડે કે એના પરની યુનિકૉર્ન, ડાયનોસોર, રેઇન્બો, બટરફ્લાય, કાર્સ, ઍનિમલ્સ વગેરેની પૅટર્ન દેખાવા લાગે છે, જે બાળકોના વિઝ્યુઅલ ઇમૅજિનેશનને આકર્ષિત કરે છે. આવી છત્રીઓ સામાન્ય છત્રીથી યુનિક દેખાતી હોવાથી બાળકો પોતાની જાતને સ્પેશ્યલ સમજે છે.
એટલું જ નહીં, છત્રીઓ ફક્ત વરસાદથી બચવાનું સાધન રહી નથી પણ સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની ચૂકી છે. એ સમય ગયો જ્યારે ફક્ત કાળા રંગની છત્રીઓ આવતી. હવે તો ફ્લોરલ, જ્યોમેટ્રિક, કાર્ટૂન, ગૅલૅક્સી પ્રિન્ટની એકથી એક રંગબેરંગી અને આકર્ષક ડિઝાઇનવાળી છત્રીઓ આવે છે. ટ્રાન્સપરન્ટ છત્રીઓ પણ બહુ ટ્રેન્ડમાં છે. એમાં હવે રંગ બદલતી છત્રીઓનો ઉમેરો થતાં લોકો એને ખૂબ પસંદ કરી રહ્યા છે.
ખાસ કરીને યંગસ્ટર્સ માટે રંગ બદલતી છત્રી સ્ટાઇલ, યુનિકનેસ અને એક્સપ્રેશનનું એક સાધન છે. વરસાદ પડતાં પ્લેન છત્રી પર રંગબેરંગી પૅટર્ન ઊભરી આવે અને એ બધાનું ધ્યાન ખેંચે છે. યુવાઓને એ વસ્તુ પસંદ છે જે તેમને ભીડથી અલગ બનાવે. આજકાલના યુવાનોને કલર બદલતી છત્રી જેવી ઍસ્થેટિક અને ટ્રેન્ડી વસ્તુ ખૂબ પસંદ છે. જેમ લોકો પોતાનાં આઉટફિટ અને શૂઝ દ્વારા પોતાની સ્ટાઇલ દેખાડે છે એ રીતે આવા પ્રકારની છત્રીઓ પણ તેમના માટે સેલ્ફ-એક્સપ્રેશનનું એક માધ્યમ બની ચૂકી છે.
કઈ રીતે કામ કરે?
કલર-ચેન્જિંગ અમ્બ્રેલા એવા પ્રકારની છત્રીઓ છે જેની સપાટીનો રંગ પાણી અથવા તો સૂરજનાં કિરણોના સંપર્કમાં આવતાં બદલાઈ જાય છે. આ છત્રીને ખાસ ટેક્નૉલૉજીથી બનાવવામાં આવે છે, જેમાં વિશેષ પ્રકારની થર્મોક્રોમિક અથવા હાઇડ્રોક્રોમિક ઇન્કનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે બે પ્રકારની કલર-ચેન્જિંગ છત્રીઓ આવે છે, એક હાઇડ્રોક્રોમિક એટલે કે પાણીથી રંગ બદલનારી અને બીજી ફોટોક્રોમિક એટલે કે સૂર્યનાં કિરણોથી રંગ બદલનારી છત્રી. હાઇડ્રોક્રોમિક છત્રીઓની વાત કરીએ તો જ્યારે એ સૂકી હોય ત્યારે એની ડિઝાઇન કે પૅટર્ન દેખાતી નથી, પણ એના પર જેવો વરસાદ પડે એટલે છત્રી પર રંગીન ડિઝાઇન દેખાવા લાગે છે. તમારી છત્રી જેવી સુકાય કે એ તરત પહેલાં જેવી સાદી થઈ જાય છે. એવી જ રીતે ફોટોક્રોમિક છત્રીઓ તડકામાં UV કિરણોના સંપર્કમાં આવતાં જ કલર અને ડિઝાઇન બદલી નાખે છે. સૂર્યનાં કિરણો એના પરથી હટી જાય એટલે એ તરત નૉર્મલ, હતી એવી થઈ જાય છે.
એક સમયે આ પ્રકારની છત્રીઓ લિમિટેડ બ્રૅન્ડ્સ જ વેચતી હતી, પણ હવે તો ઑનલાઇન સાઇટ્સ અને ઑફલાઇન મોટા સ્ટોર્સ પર એ ઈઝીલી અવેલેબલ છે. એ પણ નૉર્મલ પ્રાઇસ રેન્જમાં, જે સામાન્ય માણસ પણ અફૉર્ડ કરી શકે. આ પ્રકારની છત્રીઓ ૩૦૦થી ૧૫૦૦ની રેન્જમાં અવેલેબલ છે.