નથણી વિના નવવધૂનો શણગાર અધૂરો

25 November, 2024 03:48 PM IST  |  Mumbai | Heta Bhushan

લગ્નની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે દુલ્હનના લુકને ટ્રેડિશનલ લુક આપવાનું કામ કરે છે નાકની નથ. એક સમયે જુનવાણીમાં ખપી ગયેલું આ ઘરેણું હવે નોઝ રિંગ કે નોઝ પિન તરીકે મૉડર્ન ટ્રેડિશનલ લુકમાં મસ્ટ ગણાય છે. ચાલો કેવી-કેવી નથણીઓ હાલમાં ટ્રેન્ડમાં છે એ જાણીએ

નાકની નથણી

નાકની નથણી સ્ત્રીના ચહેરાને વધુ સુંદર અને લાવણ્યસભર બનાવતું ઘરેણું છે. હવે નાકની ચૂની કે નથણી જુનવાણી ગણાતી નથી, પણ એકદમ મૉડર્ન ગણાતી યુવતીઓની એ ખાસ પસંદગી બની રહી છે. એમાંય સ્ત્રીના સોળ શણગારમાં એનું ખાસ મહત્ત્વ હોવાથી લગ્ન સમયે અને પૂજાવિધિમાં ખાસ પહેરવામાં આવે છે. હવે માત્ર દુલ્હન જ નહીં, પણ મૉડર્ન યુવતીઓ પણ ઘરના અને મિત્રવર્તુળના લગ્નપ્રસંગમાં નાકમાં નથ પહેરવાનું પસંદ કરે છે.

હિન્દુ વૈદિક પરંપરા પ્રમાણે નવમી સદીથી નાકની નથ પરિણીત સ્ત્રીની ઓળખ છે. લગ્ન સમયે દરેક નવવધૂ નથ કે નથણી પહેરે છે. નાની એક ડાયમન્ડની સાદી ચૂની પણ મોટા ભાગે દરેક પરિણીત સ્ત્રીઓ પહેરે જ છે. આ ઘરેણાની પણ દરેક જ્ઞાતિ, પ્રદેશ મુજબ ચોક્કસ ખાસિયત હોય છે. દરેક પરંપરા અને પ્રદેશ મુજબ નથની ડિઝાઇન, સાઇઝ, આકારમાં ફેરફાર થતો રહે છે, પણ એટલું નિશ્ચિત છે કે નવવધૂના શણગારમાં નથ તો હોય જ છે.

નથ સોના, ચાંદી, ડાયમન્ડ, એમરલ્ડ, મોતી, પાચી કુંદન, ક્રિસ્ટલ, ઑક્સિડાઇઝ વગેરેમાંથી બને છે. નથ એકદમ નાની એક ડાયમન્ડ કે સોનાની પણ હોય. નાની, મોટી, ગોળાકાર અને ભારે કારીગરીવાળી એમ અનેક સ્ટાઇલમાં નથ બને છે.

મહારાષ્ટ્રિયન નથ
મહારાષ્ટ્રમાં નાકમાં ખાસ પ્રકારની મોતી અને કુંદનથી બનેલી નથ પહેરવામાં આવે છે એને મહારાષ્ટ્રિયન નથ કહે છે. ૩૦૦થી વધુ વર્ષ જૂનો એનો ઇતિહાસ કહે છે કે પહેલાં રાજવી ઘરાનાની સ્ત્રીઓ જ એ પહેરતી હતી. ધીમે-ધીમે એ મહારાષ્ટ્રિયન ટ્રેડિશનની ઓળખ બની ગઈ અને બધા પહેરવા લાગ્યા. નાકની ડાબી બાજુએ પહેરવામાં આવતી આ નથ ચહેરામાં એક સુંદર નજાકત ઉમેરી દે છે. હવે તો ટ્રેડિશનલ મોતી અને કુંદનની તારમાં પરોવીને બનાવેલી નથ સાથે મોર, માછલી, કેરી, ચંદ્ર-તારા જેવી અનેક ડિઝાઇનમાં મળે છે. નૉન મહારાષ્ટ્રિયન સ્ત્રીઓ પણ હોંશે-હોંશે પહેરે છે.

એકદમ નવીનતા
મૉડર્ન મહારાષ્ટ્રિયન વધૂ વરરાજાનું નામ કે વિવાહ લખેલી રાઉન્ડ કુંદન અને મોતીની નથ પહેરવાનું પસંદ કરે છે. હમણાં ન્યુ ઇનથિંગ છે ત્રણ લેયર ચેઇનવાળી મોટી ઓવરસાઇઝ બ્રાઇડલ નથ જે હેવી લુક પસંદ કરતી બ્રાઇડની પહેલી પસંદગી છે. કંઈક અલગ પહેરવાની ડિમાન્ડને લીધે હવે નથના આકારમાં પણ એક્સપરિમેન્ટ થાય છે; માત્ર ગોળ નહીં, પણ ત્રિકોણ અને ચોરસ નથ બને છે. મોટી ગોળ નથમાં નીચેના અર્ધગોળાર્ધમાં કુંદન, મોતી, કોતરણીવાળી એકદમ હેવી બ્રાઇડલ નથ બહુ ડિમાન્ડમાં છે. મોટા ડાયમન્ડ, એમરલ્ડ કે કુંદનથી મઢેલી સામાન્ય કરતાં થોડા મોટા ગોળાકારની એમરલ્ડ અને ડાયમન્ડની નથ અનંત-રાધિકાનાં લગ્નમાં નીતા અંબાણીએ પહેરી હતી. 

કુમાઉની પહાડી નથ
હિમાચલી નથ, પહાડી નથ, ગઢવાલી નથ તરીકે ઓળખાતી મોટી ગોળાકાર કુમાઉની નથ ગઢવાલ, હિમાચલ, ઉત્તરાખંડ જેવા પહાડી પ્રદેશની નવવધૂનું સૌથી મહત્ત્વનું ઘરેણું છે. મોટા ભાગે રિયલ ગોલ્ડમાં જ આ નથ બને છે, પણ હવે સેમી પ્રેશિયસ જ્વેલરીમાં પણ આ ડિઝાઇન મળે છે. એનો ગોળાકાર ઘણો મોટો હોય છે. એમાં મોતી, મીનાકારી મોતી, જાનીદાર કોતરણીવાળી, મોર, ફૂલ જેવી જુદી-જુદી ડિઝાઇન બને છે. 

નવવધૂ માટે બ્રાઇડલ નથ
નવવધૂના શણગારને સુંદર ઓપ આપે છે નાકમાં પહેરેલી સુંદર મોટી ગોળાકાર નથ. પોતાના લગ્નપ્રસંગે દરેક નવવધૂ નાકની નથણીની પસંદગી પર વિશેષ ધ્યાન આપે છે અને પોતાની પસંદગી અને ચહેરા અનુસાર સુંદર નથ પસંદ કરે છે. લગ્ન સમયે અચૂક પહેરાતી બ્રાઇડલ નથમાં અનેક  વરાઇટી ઉપલબ્ધ છે. બ્રાઇડલ નથનો આકાર મોટો હોય છે અને એમાં ડિઝાઇનનો સ્કોપ પણ વધારે હોય છે. એક જુઓ અને એક ભૂલો તેવી અફલાતૂન ડિઝાઇન કુંદન, મોતી, રત્નો, ડાયમન્ડ વગેરેથી બનાવવામાં આવે છે.

ચાંદીની અને ઑક્સિડાઇઝ નથ
કંઈક અલગ અને હટકે પહેરવાની શોખીન યુવતીઓ ફૂલ, મોર, ચક્ર જેવા મોટિફ ધરાવતી પ્રમાણમાં થોડી મોટી ડિઝાઇનની નોઝ પિન પહેરવાનું પસંદ કરે છે. રિયલ સિલ્વર, જર્મન સિલ્વર અને આર્ટિફિશ્યલ મેટલમાં અગણિત ડિઝાઇનમાં આ નોઝ પિન મળે છે જે નવરાત્રિમાં બહુ જ ડિમાન્ડમાં હોય છે. નાકને  શોભાવતું આ ઘરેણું હંમેશાં દરેક સ્ત્રી પહેરવાનું પસંદ કરે છે. એની ડિઝાઇન અને સ્ટાઇલમાં સતત જુદા-જુદા બદલાવ થતા રહે છે. અનેક ડિઝાઇનમાં એ ઉપલબ્ધ હોય છે. પ્રેશિયસ, સેમી-પ્રેશિયસ અને આર્ટિફિશ્યલ દરેક રેન્જમાં નથ મળે છે. નાનકડી નથ અને માત્ર નોઝ રિંગમાં અનેક વરાઇટીઓ મળે છે જે રોજબરોજ અને નાના પ્રસંગોમાં પહેરાય છે.

બ્રાઇડલ નથ સાથે ચેઇન
નથ સાથે જોડાયેલી ચેઇન જે ગાલ પરથી પસાર થઈને કાન પાસે બુટ્ટી કે વાળમાં જોડવામાં આવે છે એમાં પણ અનેક વિવિધતા જોવા મળે છે. આ ચેઇન નથને આધાર આપે છે અને ચહેરાને સુંદરતા. સિંગલ ચેઇન, ડબલ ચેઇન, મોતીની ચેઇન, ઝૂલતાં મોતી કે કુંદનવાળી હેવી ચેઇન, ત્રિપલ ચેઇન, ફૂલ કુંદનની ચેઇન કે કિમ કર્ડાશિયને પહેરી એવી હેવી ડાયમન્ડ ચેઇન વગેરે અનેક વરાઇટી મળે છે.

fashion news fashion life and style nita ambani columnists heta bhushan mumbai