બ્યુટી-વર્લ્ડમાં કુશન ફાઉન્ડેશનનું કમબૅક

19 June, 2025 06:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સમયની વ્યસ્તતા વચ્ચે ચહેરાના ડાઘને છુપાવીને દોષ રહિત ત્વચા જોઈતી હોય તો કુશન ફાઉન્ડેશન તમારા કામની ચીજ છે

પ્રતીકાત્મક તસવીર

મેકઅપ વર્લ્ડમાં ચહેરાના પિગમેન્ટને છુપાવવા અને સ્કિનટોનને ઈવન કરવા માટે અત્યારે અઢળક પ્રકારનાં લિક્વિડ અને લિપસ્ટિક અથવા ક્રીમ ફાઉન્ડેશન ઇનથિંગ છે જ, પણ હવે કુશન ફાઉન્ડેશનનું કમબૅક થયું છે. કુશન ફાઉન્ડેશનનું નામ સાંભળતાં જ આ શું છે એવો સવાલ થતો હશે ત્યારે તમને જણાવી દઈએ કે કુશન ફાઉન્ડેશન એ લાઇટવેઇટ અને લિક્વિડ ફાઉન્ડેશન હોય છે જે એક કૉમ્પૅક્ટ પૅકમાં આવે છે. એમાં અંદર ફાઉન્ડેશનમાં ભીંજાયેલું સ્પન્જ હોય છે. આ પ્રકારનું ફાઉન્ડેશન પહેલાં પણ ભારતમાં વેચાતું હતું, પણ હવે સાઉથ કોરિયાની બ્રૅન્ડે ફૉર્મ્યુલાને અપગ્રેડ કરી છે અને નવા પ્રકારે માર્કેટમાં આવી રહ્યું છે. બદલાતા સમયની પ્રમાણે લોકોના સ્કિન-ગોલ્સ પણ બદલાઈ રહ્યા છે એ રીતે પ્રોડક્ટ્સ પણ અપગ્રેડ કરવી જરૂરી બની ગઈ છે.

ફરીથી ટ્રેન્ડમાં કેમ આવ્યું?

કુશન ફાઉન્ડેશનના ફરીથી ટ્રેન્ડમાં આવવાનું મુખ્ય કારણ એ છે કે હવે યુવતીઓના સ્કિન-ગોલ્સ બદલાઈ ગયા છે. પહેલાં જેવો ફુલ અને હેવી મેકઅપ લુક કોઈને જોઈતો નથી. ડે-ટુ-ડે લાઇફમાં જેટલી મિનિમલ પ્રોડક્ટ્સથી તેઓ સારા દેખાઈ શકે એવી પ્રોડક્ટ્સની પસંદગી લોકો કરી રહ્યા છે અને સ્કિન માટે લાઇટવેઇટ અને નૅચરલ લાગે એવા નો-મેકઅપ લુક આપે એવાં ફાઉન્ડેશન પોતાના ડેઇલી મેકઅપ રૂટીન માટે વસાવી રહ્યા છે. આજની જરૂરિયાત મુજબ કુશન ફાઉન્ડેશન મેકઅપની દુનિયામાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. એ ઓછી પ્રોડક્ટમાં ઍડ્જસ્ટેબલ કવરેજ અને નૅચરલ ફિનિશ આપે છે અને એમાં SPF એટલે કે સન પ્રોટેક્શન ફૅક્ટર અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ હોય છે જે ફ્રી રૅડિકલ્સ નામના નુકસાનકારક અણુથી બચાવે છે અને હાઇડ્રેટેડ રાખે છે. ટૂંકમાં કહીએ તો એ મેકઅપની સાથે સ્કિનકૅર રૂટીન માટે પણ કામની ચીજ સાબિત થઈ શકે છે.

પ્લસ પૉઇન્ટ

કુશન ફાઉન્ડેશનનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ એ છે કે એને વાપરવું અત્યંત સરળ અને સહેલું છે. કૉમ્પૅક્ટ બૉક્સને ખોલીને તમારે સ્પન્જ પર એને હળવેથી પ્રેસ કરીને ચહેરા પર ડૅબ-ડૅબ કરવાનું રહેશે. આમ કરવાથી તમને તરત જ ખબર પડશે કે એનું કવરેજ કેટલું છે. ઇન્સ્ટન્ટ ગ્લો આપનારું આ ફાઉન્ડેશન ટ્રાવેલ દરમિયાન અથવા દિવસ દરમિયાન સહેલાઈથી બૅગમાં સાથે લઈ જઈ શકાય છે. એ માટે બ્રશ કે બ્લેન્ડર લઈ જવાની પણ જરૂર ન હોવાથી એને સાફ કરીને રાખવાની ચિંતા પણ ઓછી થઈ જાય એટલે આ પ્રોડક્ટ તમારા માટે સુપર કન્વીનિયન્ટ સાબિત થઈ શકે છે. સમયની વ્યસ્તતા વચ્ચે કુશન ફાઉન્ડેશન તમારો સમય પણ બચાવશે. ઑફિસની મીટિંગ પહેલાં કે ગેટ-ટુગેધરની પાર્ટી શરૂ થાય એની પહેલાં જો ચહેરાને દોષરહિત બનાવવો હોય તો આ પ્રોડક્ટ તમારા મેકઅપ રૂટીનની બૅગમાં રાખજો.

skin care beauty tips fashion news fashion life and style columnists gujarati mid-day mumbai