28 January, 2025 02:14 PM IST | Mumbai | Rajul Bhanushali
કૉસ્ચ્યુમ પુરાના, કૉલર નયા
સસ્ટેનેબલ સ્ટાઇલિંગનો ટ્રેન્ડ જ્યારથી આવ્યો છે ત્યારથી ડિટૅચેબલ કૉલર્સ હવે દરેક વૉર્ડરોબની જરૂરિયાત બની ગયાં છે. આ એવાં કૉલર્સ છે જેને મિક્સ ઍન્ડ મૅચ કરીને અલગ-અલગ પ્રકારનાં કપડાં સાથે અટૅચ કરવાથી તમારા આઉટફિટનો આખેઆખો લુક જ બદલાઈ જાય છે. સેલિબ્રિટીઝ તો આવું બહુ કરે છે, તમે ટ્રાય કરો છો કે નહીં?
ગયા વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલ વખતે દીપિકા પાદુકોણે પહેરેલી અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઇન કરેલી આઇવરી વાઇટ રફલ સાડી અને એની સાથે પેર કરેલા સફેદ મોતીના કૉલર્સ યાદ છે? દીપિકાએ પોતાના એ લુક દ્વારા આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ફિલ્મી દુનિયાની સેલિબ્રિટીઝથી લઈને નીતા અંબાણી જેવી સુપર સેલિબ્રિટીને સાડી ડ્રેપ કરવા માટે જાણીતાં ડોલી જૈન પણ ઘણી વાર સાડી સાથે આવા ડિટૅચેબલ કૉલર પહેરેલા લુકમાં જોવા મળતાં હોય છે
ડિટૅચેબલ કૉલર્સ એટલે કે રેડીમેડ કૉલર્સ, જે કોઈ પણ આઉટફિટ સાથે પેર કરી શકાય. કૉલર એ આઉટફિટ સાથે એવી રીતે મૅચ થઈ જાય કે જાણે એ જ આઉટફિટનો એક ભાગ હોય. કોઈ પણ શર્ટ કે ટૉપ કે પછી સાડી જ કેમ ન હોય, ડિટૅચેબલ કૉલર્સ અટૅચ કરો અને ન્યુ આઉટફિટ તૈયાર. પણ એ પેર કેવી રીતે કરવા, કૉમ્બિનેશન શું રાખવું એ બધી ફૅશન રિલેટેડ મૂળભૂત બાબતો એક્સપર્ટ પાસેથી જાણીએ.
આ ડિટૅચેબલ કૉલર્સ એક ટ્રેન્ડિંગ ઍક્સેસરી તરીકે ઉદ્ભવી રહ્યા છે એમ જણાવતાં ફૅશન-ડિઝાઇનર વિદૂષી સરાફ કહે છે, ‘ફૅશનની દુનિયા સતત બદલાતી રહે છે. એમાં આ ડિટૅચેબલ કૉલર્સ એક ટ્રેન્ડિંગ ઍક્સેસરી તરીકે ઉદ્ભવી રહ્યા છે અને પ્રૅક્ટિકાલિટી તેમ જ વિન્ટેજનું અનોખું ફ્યુઝન સાબિત થઈ રહ્યા છે. આ વર્સેટાઇલ વસ્તુ મહિલાઓના વૉર્ડરોબ માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે. ડિટૅચેબલ કૉલરના માધ્યમથી સિમ્પલ આઉટફિટને પણ શાનદાર લુક આપી શકાય છે. આ કૉલર ટૉપ્સ, ડ્રેસિસ, સાડી અને ઈવન અત્યારે વિન્ટર વેઅરમાં પહેરાતાં સ્વેટર્સ સાથે પણ પહેરી શકાય છે. સિમ્પલ પીટર પેન કૉલરથી લઈને ક્લાસિક અને વિન્ટેજ ડિઝાઇન સુધીનાં કપડાંને આ ઍક્સેસરીથી પર્સનલ ટચ આપી શકાય છે અને એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ ક્રીએટ કરી શકાય છે. વારંવાર નવાં કપડાં ખરીદવાં શક્ય નથી હોતાં ત્યારે વૉર્ડરોબમાં જે આઉટફિટ છે એને અપડેટ કરવા માટે આ એક બજેટ-ફ્રેન્ડ્લી વિકલ્પ છે. ફૅશન ઇન્ફ્લુઅન્સર્સ અને ડિઝાઇનર્સ દ્વારા આ ટ્રેન્ડ વધુ લોકપ્રિય થયો છે અને હવે સામાન્ય પબ્લિકમાં પણ અપનાવાઈ રહ્યો છે. ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકાની રેટ્રો ફૅશન આ સાથે પાછી આવી છે જેણે સસ્ટેનેબલ સ્ટાઇલિંગની ડેફિનિશન બદલી નાખી છે. વધતી જતી લોકપ્રિયતાને કારણે આ ડિટૅચેબલ કૉલર્સ હવે દરેક વૉર્ડરોબ માટે જરૂરી બની ગયા છે. લેસ, સૅટિન અને કૉટન જેવાં મટીરિયલ અને પર્લ્સ અથવા રાઇન સ્ટોન્સ જેવી વસ્તુની એમ્બ્રૉઇડરી થયેલી હોય એવા કૉલર્સ માર્કેટમાં અવેલેબલ છે. રફલ્સ અથવા ઓવરસાઇઝડ કૉલર અત્યારે પાર્ટીવેઅર માટે લોકપ્રિય છે તો મિનિમલિસ્ટ અને ન્યુટ્રલ ટોનવાળા કૉલર સાથે પેર કરાતા આઉટફિટ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની રહ્યા છે. ઍલેક્સા ચંગ અને માર્ગોટ રોબી જેવી સેલિબ્રિટીઓએ ડિટૅચેબલ કૉલર સાથેના લુકને પૉપ્યુલર કર્યો છે. મિયુ મિયુ અને ડિઓર જેવી લક્ઝરી બ્રૅન્ડ્સે તેમના કલેક્શનમાં આ ડિટૅચેબલ કૉલર ઍડ કર્યા છે. તેમ જ લોકલ બ્રૅન્ડ્સમાં અફૉર્ડેબલ પ્રાઇસ પર પણ મળી રહ્યા છે.’
જેમ સરસ મજાની ઍક્સેસરીઝ પહેર્યા પછી ઓવરઑલ લુક એન્હૅન્સ થઈ જાય એવું જ આઉટફિટ સાથે આ કૉલર પેર કરવાથી થાય છે. ખૂબ ઓછા ખર્ચામાં વૉર્ડરોબમાં પડેલા જૂના આઉટફિટને તદ્દન નવો લુક આપતા આ ડિટૅચેબલ કૉલર્સ મહિલાઓ માટે સ્ટાઇલ સ્ટેટમેન્ટ સાબિત થઈ રહ્યા છે.