20 February, 2025 07:15 AM IST | Mumbai | Heta Bhushan
મંડલા આર્ટવાળાં વુડ કોસ્ટર્સ, અગાતે સ્ટોન કોસ્ટર્સ
કૉફી-ટેબલ, ડાઇનિંગ ટેબલ, ટિપોઈ, સાઇડ ટેબલ કે ઑફિસ-ટેબલના ટેબલ ટૉપને કોઈ પણ ડાઘા, ધબ્બા કે ચા-કૉફીના ગોળ રિંગ જેવા ડાઘાથી બચાવવા માટે કે વૉટર રિંગ્સ ન થાય એ માટે ચાના કપ, કૉફીના મગ કે કોલ્ડ ડ્રિન્કના ગ્લાસની નીચે મૂકવામાં આવતાં ગોળ, ચોરસ કે અન્ય કોઈ શેપના નાનકડા ફ્લૅટ પીસને કોસ્ટર્સ કહે છે. એને ડ્રિન્ક કોસ્ટર્સ, બેવરેજ કોસ્ટર કે બિયર મૅટ્સ પણ કહેવાય છે.
કોસ્ટર્સ નાનકડી પણ ખૂબ ઉપયોગી વસ્તુ છે. રેસ્ટોરાં અને હોટેલમાં જ નહીં, હવે દરેક ઘરમાં એનો ઉપયોગ થાય છે. અમુક લોકો એને ખાસ પર્સનલ કલેક્શન માટે ખરીદે છે. અમુક લોકોને ડાઘા પડે એ બિલકુલ પસંદ ન હોવાથી કોસ્ટર્સ તેમના માટે જરૂરી વસ્તુ છે અને અમુક લોકોને ગિફ્ટમાં મળે છે કારણ કે ગિફ્ટિંગ માટે પણ આ બહુ સરસ ઑપ્શન છે.
હૅન્ડ પેઇન્ટેડ કોસ્ટર્સ.
વરાઇટી અધધધ
કોસ્ટર્સ પ્લાસ્ટિક, સિરૅમિક, વુડ, મેટલ, MDF, ઍક્રિલિક, લેધર, ફૅબ્રિક, જૂટ, સ્ટોન જેવાં અનેક મટીરિયલમાંથી બનાવવામાં આવે છે અને ચાર, છ કે આઠના સેટમાં સરસ કોસ્ટર-હોલ્ડર સાથે મળે છે. આજકાલ ટ્રેન્ડમાં છે હટકે અને ઇકો-ફ્રેન્ડ્લી કોસ્ટર્સ. જો આવા પીસ તમારા ઘરના ડાઇનિંગ ટેબલ કે હાઈ ટી પાર્ટી કે કિટીપાર્ટીમાં હશે તો ચોક્કસ આઉટસ્ટૅન્ડિંગ પીસ સાબિત થશે. કોસ્ટર્સ તો એક જુઓ અને એક ભૂલો એવી અનેક વરાઇટીમાં મળે છે. આજે એવાં ઇકો-ફ્રેન્ડ્લી કોસ્ટર્સની વાત કરીએ જે પર્યાવરણને બિલકુલ નુકસાન પહોંચાડતાં નથી. અમુક એટલી લાંબી લાઇફ ધરાવે છે કે એક વાર ખરીદ્યા પછી ફરી કદાચ જલ્દી કોસ્ટર્સ ખરીદવાની જરૂર જ ન રહે એવા લૉન્ગ ટાઇમ સસ્ટેનેબલ વિકલ્પ છે.
પેપમૅશેનાં ઇકો-ફ્રેન્ડ્લી કોસ્ટર્સ.
પ્લાન્ટેબલ કોસ્ટર્સ
યુનિક કન્સેપ્ટ ધરાવતાં પ્લાન્ટેબલ કોસ્ટર્સની થીમ હોય છે ‘ડોન્ટ યુઝ ઍન્ડ થ્રો, પ્લાન્ટ ઇટ’. પ્લાન્ટેબલ કોસ્ટર્સમાં ટમેટા, તુલસી, મરચાં, ગલગોટા, ગાજર વગેરેનાં બીજ છુપાયેલાં હોય છે જેને કોસ્ટર તરીકે વાપરી લીધા બાદ ઉગાડવામાં આવે છે અને એક બ્યુટિફુલ ગ્રીન પ્લાન્ટ એમાંથી ઊગે છે. બાયોડીગ્રેડેબલ મટીરિયલ જેવાં કે રીસાઇકલ્ડ પેપર, કોકોનટ કોયરમાંથી એ બનાવવામાં આવે છે. પેપર પ્લાન્ટેબલ કોસ્ટર્સ કસ્ટમ ડિઝાઇન પણ કરી શકાય છે. એમાં જે બીજ જોઈએ એ મૂકી શકાય છે અને ઉપર ફંક્શન પ્રમાણે બર્થ-ડે કે ઍનિવર્સરી મેસેજ પણ લખી શકાય છે. પેપરમાંથી બનાવેલાં પ્લાન્ટેબલ કોસ્ટર્સનો આકાર ગોળ હોય છે અને ભલે એનો વન ટાઇમ યુઝ હોય, પણ આ કોસ્ટર બે સરસ મેસેજ આપે છે – એક, છોડ વાવો અને બીજો, કચરો ઓછો કરો.
ઉગાડી શકાય એવાં કાગળનાં કોસ્ટર્સ.
કૉર્ક કોસ્ટર્સ
કૉર્ક એક મૉઇશ્ચર શોષી લેતું નૅચરલ મટીરિયલ છે જે સર્ફેસ ભીની થતાં અટકાવે છે. કૉર્ક પ્રમાણમાં થોડું સૉફ્ટ અને ફ્લેક્સિબલની હોવાની સાથે-સાથે હીટ રેઝિસ્ટન્ટ ક્વૉલિટી પણ ધરાવે છે એટલે કોસ્ટર બનાવવા માટે બેસ્ટ ચૉઇસ સાબિત થાય છે. કૉર્કનાં નૅચરલ બ્રાઉન કલરનાં કોસ્ટર્સ વધારે બને છે અને એના પર બ્લૅક કલરથી ડિઝાઇન કરવામાં આવે અને ફન અને મોટિવેશનલ મેસેજ લખવામાં આવે છે અને ક્યારેક કૉર્કને રંગીને પણ ડિઝાઇન કરવામાં આવે છે. કૉર્ક કોસ્ટર મોટા ભાગે ગોળ કે ચોરસ શેપમાં મળે છે. ક્યારેક હાફ રાઉન્ડ કે લંબચોરસ પણ બનાવવામાં આવે છે. કૉર્કનાં ઢાંકણ, જેને બૂચ કહેવાય છે, એના નાના-નાના પીસમાંથી પણ કૉર્ક કોસ્ટર બને છે.
માર્બલ સ્ટોન કોસ્ટર્સ
અગાતે સ્ટોન કોસ્ટર્સ
અગાતે સ્ટોન એક નૅચરલ સ્ટોન છે. વૉલ્કેનિક પથ્થરોની અંદર લાવારસ ઠરી જાય પછી બને છે. એની અંદર નૅચરલ કલર્સ હોય છે અને લાવારસને કારણે વેવ્સ જેવી ડિઝાઇન બને છે અને અગાતે નામનો અર્થ જ એ થાય છે કે દરેક સ્ટોનની નૅચરલ ડિઝાઇન અલગ હોય છે એટલે કે એકસરખા બે સ્ટોન હોતા નથી. અગાતે સ્ટોન કોસ્ટર્સમાં યુનિક પૅટર્ન અને રંગને કારણે એક નૅચરલ બ્યુટી હોય છે. વૉલ્કેનિક સ્ટોન હોવાથી એનામાં હીટ રેઝિસ્ટન્સ ક્વૉલિટી પણ છે. એ હાર્ડ સ્ટોન હોવાથી એને કોઈ ઘસરકાને લીધે કે ડ્રિન્ક ઢોળાવાને કારણે લાંબા સમય સુધી નુકસાન થતું નથી. નૅચરલ સેમી પ્રેશિયસ અગાતે સ્ટોનમાં બ્લુ, પર્પલ, પિન્ક રંગોના અદ્ભુત શેડ્સ અને વેવની પૅટર્ન હોય છે અને અનઈવન નૅચરલ આકાર હોય છે જે એની સુંદરતાને ઓર નિખાર આપે છે. પ્રમાણમાં બીજાં ઇકો-ફ્રેન્ડ્લી કોસ્ટર્સથી થોડાં વધારે એક્સપેન્ઝિવ આ કોસ્ટર્સ લૉન્ગ લાસ્ટિંગ છે અને એકદમ બ્યુટિફુલ, ડેકોરેટિવ અને સાથે-સાથે યુઝફુલ ડેકોર પીસની પણ ગરજ સારે છે.
જૂટનાં ઇકો-ફ્રેન્ડ્લી કોસ્ટર્સ.
માર્બલ સ્ટોન કોસ્ટર્સ
માર્બલ - આરસપહાણ એક સુંદર સ્ટ્રૉન્ગ નૅચરલ પથ્થર છે. એમાંથી સરસ ગોળ અને ચોરસ શેપનાં ઇકો-ફ્રેન્ડ્લી કોસ્ટર્સ બનાવવામાં આવે છે. માર્બલ સ્ટોનમાં બીજા રંગીન સ્ટોન ‘ઇન લે મેથડ’થી ફિક્સ કરી એકદમ યુનિક ફૂલછોડ, વેલપત્તીની નાજુક ડિઝાઇન કરવામાં આવે છે જે એને સુંદરતા આપે છે. માર્બલ સ્ટોન હીટ, વૉટર અને સ્ક્રૅચ રેઝિસ્ટન્ટ છે એટલે એ લાંબો સમય સુધી ચાલે છે. માર્બલ સ્ટોનનો લક્ઝુરિયસ લુક એને ફૉર્મલ અને એલિગન્ટ ચૉઇસ બનાવે છે.
મેટલ કોસ્ટર્સ
સ્ટીલ, કૉપર, બ્રાસમાંથી બનાવેલાં એકદમ મૉડર્ન ડિઝાઇનનાં ગોળ, ચોરસ, ષટકોણ, પાન, ફ્લાવર કે અન્ય જુદા-જુદા શેપનાં મેટલ ટી કોસ્ટર એક વાર ખરીદ્યા પછી વર્ષોવર્ષ વાપરી શકાય છે. મૉડર્ન એજ ડિઝાઇનના ટેબલ પર બિલકુલ જુનવાણી ન લાગે એવાં કોસ્ટર્સ એની સ્ટ્રેન્ગ્થ અને ડ્યુરેબિલિટીને કારણે પહેલી પસંદ પામે છે. એના પર સ્ક્રૅચ પડતા નથી, ગરમી કે ઠંડી કે પાણી કે અન્ય લિક્વિડથી એને નુકસાન થતું નથી. ડલ સ્ટીલનાં સ્લિક પ્લેન ફિનિશનાં કોસ્ટર્સ બહુ એલિગન્ટ લાગે છે. એનાં હોલ્ડર પણ બહુ યુનિકલી ડિઝાઇન્ડ હોય છે જે એકદમ ઓછી જગ્યા રોકે છે. એન્ગ્રેવ્ડ ડિઝાઇન્સ કે કોતરણી પણ મેટલ કોસ્ટર્સમાં ડીટેલિંગ સાથે બને છે. જૂના જમાનાની ટાંચ મારીને કરવામાં આવતી હતી ડિઝાઇન ઇફેક્ટ કે મિની કથરોટ શેપની ડિઝાઇનનાં કોસ્ટર્સ એથ્નિક ઇફેક્ટ આપે છે. એકદમ યુનિક પાન, લોટસ, ફ્લાવર, સર્વિંગ પૅન જેવા શેપનાં કોસ્ટર્સ પણ આકર્ષક લાગે છે.
થર્સ્ટી સ્ટોન કોસ્ટર્સ
નામ પ્રમાણે આ ઇકો-ફ્રેન્ડ્લી કોસ્ટર્સ ૧૦૦ ટકા નૅચરલ સૅન્ડ સ્ટોનમાંથી બનાવવામાં આવે છે અને ઠંડા ડ્રિન્કમાંથી ગ્લાસની બહારની તરફ કન્ડન્સેશનને કારણે જે પાણી ઝરે છે એ બધું થર્સ્ટી સ્ટોન શોષી લે છે. નૅચરલ સ્ટોનમાંથી બનેલાં આ કોસ્ટર્સ લાંબો સમય સુધી રોજેરોજ ઉપયોગમાં લઈ શકાય છે. એને ઘસારો લાગતો નથી અને ગરમ ડ્રિન્ક્સ પણ એના પર મૂકી શકાય છે.