01 November, 2024 04:30 PM IST | Mumbai | Heta Bhushan
ફ્યુઝન લુક
હવે દરેક પ્રસંગમાં લોકોને બીજા કરતાં જુદા તરી આવવાનું ગમે છે. એકદમ ટ્રેડિશનલ ઇવેન્ટ હોય તો એમાં વેસ્ટર્ન ટચ અપાય છે અને કોઈ પાર્ટી-ઇવેન્ટ હોય તો એમાં એથ્નિક ટચ અપાય છે. બેઝિકલી ફ્યુઝન કરતાં જો તમને આવડે તો કોઈ પણ ગેટ-ટુગેધરમાં હટકે લુક મેળવી શકો. અત્યારે મોટા ભાગે બધાને મૉડર્ન દેખાવાનું ગમે છે એટલે ફ્યુઝન લુક વધુ પસંદ કરે છે. ફ્યુઝન લુક એટલે આપણા ટ્રેડિશનલ ઇન્ડિયન પોશાક અને વેસ્ટર્ન સ્ટાઇલનું અનેરું કૉમ્બિનેશન.
સાડી સાથે ફ્યુઝન શું થાય?
ભારતીય સંસ્કૃતિમાં સાડી ઍની ટાઇમ ઇન ફૅશન ગણાય. સાડી એકદમ સુંદર અને લાવણ્યસભર પોશાક છે. પરંપરાગત સાડીને પણ ડિઝાઇનર જુદી-જુદી રીતે મૉડર્ન લુક આપે છે. મૉડર્ન પૅટર્નનાં બ્લાઉઝ સાડી સાથે ફૅશનેબલ લાગે છે.
તમને ગમતી સાડી સામાન્ય સિમ્પલ બ્લાઉઝ સાથે નહીં, પણ મૉડર્ન પૅટર્નના ઑફ શોલ્ડર, વન શોલ્ડર, બ્રા લેટ, સ્પૅગેટી બ્લાઉઝ સાથે કે ફૅન્સી જૅકેટ સાથે પહેરો.
નૉર્મલ ચણિયા પર નહીં, પણ સિલ્કના પેન્સિલ પૅન્ટ અને ટૉપ સાથે સાડી પહેરો. ધોતી પૅન્ટ અને ક્રૉપ ટૉપ સાથે સાડી પણ મૉડર્ન સ્ટાઇલ છે.
રફલ્સવાળી સાડી આજકાલ ખૂબ ટ્રેન્ડી છે. તમે નૉર્મલ સાડીમાં પણ એક્સ્ટ્રા રફલ્સ ઍડ કરાવીને એને ટી-શર્ટ સાથે પહેરશો તો એકદમ હટકે લુક આપશે.
સાડી સાથે બ્લાઉઝની જગ્યાએ બ્રા-લેટ અને ઉપર બ્લેઝર પહેરો. ધારો કે તમે સાડી પહેરવામાં માહેર ન હો તો હવે તો માર્કેટમાં સ્ટીચ્ડ લેયર સાડી પણ અઢળક મળે છે.
ચણિયા-ચોળી વિથ ટ્વિસ્ટ
ટ્રેડિશનલ ચણિયા-ચોળી સાથે પણ ડિઝાઇનર્સ ઘણાં એક્સપરિમેન્ટ કરી નવા ફ્યુઝન આઉટફિટ ક્રીએટ કરે છે.
ટ્રેડિશનલ વર્કવાળા ચણિયા કે બનારસી લેહંગા પર ક્રીમ ફ્રિલવાળું ટૉપ સરસ લાગે છે અને હટકે દેખાવ આપે છે. ટ્રેડિશનલ લેહંગા પર મૉડર્ન પૅટર્નનું વેસ્ટર્ન સ્ટાઇલનું ટૉપ યુનિક કૉમ્બિનેશન છે.
લૉન્ગ સ્કર્ટ પર ફૅન્સી ક્રૉપ ટૉપ અને ઉપર લૉન્ગ ડિઝાઇનર વર્કવાળું કૉન્ટ્રાસ્ટ કલરનું જૅકેટ, નેટનું જૅકેટ કે ટ્રાન્સપરન્ટ જૅકેટ હંમેશાં હિટ ફ્યુઝન ફૅશન છે. લેયરવાળા રફલ્સવાળા સ્કર્ટ પર ટેસલ્સવાળું ટૉપ યુનિક મૉડર્ન લુક ક્રીએટ કરે છે. ફૅન્સી સીમર સ્કર્ટ પર વન શોલ્ડર વન બલૂન સ્લીવ ટૉપ ફ્યુઝનમાં સરસ ઑપ્શન છે.
ન્યુ પૅટર્નના ડ્રૅપ સ્કર્ટ સાથે ફૅન્સી ક્રૅપ ટૉપ કે ટ્યુબ ટૉપ અને લૉન્ગ જૅકેટ લેટેસ્ટ ફૅશન છે. લૉન્ગ અમ્બ્રેલા સ્કર્ટ, ધોતી પૅન્ટ, ટ્યુલિપ સલવાર, પલાઝો પર અસીમેટ્રિકલ પૅટર્નની કુરતી, કફ્તાન સ્ટાઇલ ટૉપ, વન શોલ્ડર લૉન્ગ ટૉપ, લૉન્ગ જૅકેટ યુનિક ઇન્ડો વેસ્ટર્ન લુક ક્રીએટ કરે છે.
અનારકલી સાથે ફ્યુઝન સ્ટાઇલ
અનારકલી ડ્રેસ ટ્રેડિશનલ આઉટફિટ તરીકે ઑલ ટાઇમ ફૅશનમાં જ છે એમાં થોડા વેસ્ટર્ન સ્ટાઇલના તડકા ઉમેરવાથી ટ્રેડિશનલ ડ્રેસમાં પણ ફ્યુઝન ફીલ આવે છે.
દુપટ્ટો ન રાખવો, દુપટ્ટાની જગ્યાએ જૅકેટ કે કૅપ ઍડ કરવું, દુપટ્ટા સાથે બેલ્ટ પહેરવો, મૉડર્ન ફ્રન્ટ કટવાળા અનારકલી ડ્રેસ સાથે સિલ્ક પૅન્ટ અને હાઈ શૂઝ પહેરવાં, અનારકલી ડ્રેસમાં હોલ્ટર નેક, બૅકલેસ કે સ્લીવલેસ પૅટર્ન ફ્યુઝન લુક આપે છે.
ચૂડીદાર કુરતામાં વેસ્ટર્ન તડકો
સિમ્પલ ચૂડીદાર કે સલવાર કુરતા અને કુરતી પૅન્ટમાં પણ વેસ્ટર્ન સ્ટાઇલ થોડી ઍડ ઑન કરી શકાય છે. ટ્રેડિશનલ બનારસી લૉન્ગ કુરતો સ્લીવલેસ હોય કે ફ્લોરલ પૅટર્નના ડ્રેસમાં ઑફ શોલ્ડર પૅટર્ન કે ટ્રેડિશનલ બાંધણી કુરતો સ્પૅગેટી ડીઝાઇનમાં સીવડાવી દુપટ્ટા સાથે પહેરવામાં આવે તો પણ મૉડર્ન વાઇબ્સ આપે છે. ફૅન્સી પૅટર્નના કુરતા, દુપટ્ટાના સ્થાને ટ્રાન્સપરન્ટ જૅકેટ, દુપટ્ટો અને બેલ્ટ, ફૅન્સી પૅટર્નનાં પૅન્ટ કે કુરતામાં ફૅન્સી સ્લીવ્સ થોડો વેસ્ટર્ન ટચ આપી ફ્યુઝન આઉટલુક મેળવી શકાય છે.
આ બધાં ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ ઑપ્શન્સમાંથી તમને ગમતો ઑપ્શન ટ્રાય કરી આ દિવાળી ફૅમિલી અને ફ્રૅન્ડ્સ સાથે ફૅશન-આઇકૉન બનીને ઊજવો.