28 May, 2025 06:59 AM IST | Mumbai | Rajul Bhanushali
હોમમેડ હેર ઍક્સેસરીઝ
હેર ઍક્સેસરીઝની બોલબાલા વધી રહી છે. અગાઉ પ્રસંગ વખતે તૈયાર થતા ત્યારે લોકો હેર ઍક્સેસરીઝ પહેરતા પરંતુ હમણાં-હમણાં રૂટીનમાં પણ નાની નાજુક હેર ઍક્સેસરીઝ પહેરવાનું ચલણ વધ્યું છે. પાર્ટી કે પ્રસંગમાં પહેરવાનું ચલણ પણ વધ્યું છે, પરંતુ આ હેર ઍક્સેસરીઝ માર્કેટમાં અત્યંત મોંઘી મળે છે. સોશ્યલ મીડિયામાં હમણાં-હમણાં DIY એટલે કે ડૂ ઇટ યૉરસેલ્ફ ઍક્સેસરીઝ બનાવવાના ઘણાબધા વિડિયો વાઇરલ થઈ રહ્યા છે. આવો એમાંથી થોડાક વિશે જાણીએ. ઘરમાંથી જ મળી જતા બેઝિક સામાનમાંથી સરળતાથી ઘરે જ સુંદર મજાની હેર ઍક્સેસરીઝ બનાવી શકાય છે. બસ, થોડીક મહેનત અને થોડીક કલ્પનાશક્તિની જરૂર છે.
હમણાં વાઇરલ થયેલા એક વિડિયોમાં એક મહિલા નદીકિનારેથી શંખ અને છીપલાં વીણીને ઘરે લઈ આવી છે. એ બરાબર સાફ કરીને એના પર ગોલ્ડન કલરનો સ્પ્રે મારે છે. ત્યાર બાદ અંબોડો વાળીએ ત્યારે જે ચિપિયા વાપરવામાં આવે એ ચિપિયા પર ગ્લુની મદદથી તે રંગ કરેલાં શંખ અને છીપલાં ચિપકાવી નાખે છે. અને લો, તમારી હેર ઍક્સેસરી થઈ ગઈ તૈયાર. ધ્યાન એટલું રાખવાનું કે ગ્લુ એવું હોવું જોઈએ કે શંખ-છીપલાં ચિપિયા પર ચિપકાવ્યા પછી તરત નીકળી ન જાય. પછી તો ચોટલો વાળો કે અંબોડો, આપણે ચિપિયા ભરાવીએ એમ એકદમ સરળતાથી તમે એ વાળમાં લગાવી શકો છો. આજકાલ ફ્રેશ ફ્લાવર લગાવવાનું પણ ચલણ છે. પારિજાત ખૂબ નાજુક અને ખૂબ સુંદર ફૂલ છે પરંતુ એનું આયુષ્ય બહુ હોતું નથી. આ પારિજાતનાં આર્ટિફિશ્યલ ફૂલ ઇઅરબડમાંથી ઘરે સરળતાથી બનાવી શકાય છે અને એને હેર ઍક્સેસરી તરીકે યુઝ કરી શકાય છે.
ઇઅરબડનો જે રૂવાળો ભાગ હોય છે એને કાપી લેવો. ત્યાર બાદ એને ફૂલ આકારમાં એકબીજા સાથે સ્ટિક કરી લેવો. ફૂલ આકારનો શેપ આપીને પછી ટોચના ફૂલ પર પીળા રંગથી રંગ કરી લેવો. એ માટે તમે સ્કેચપેન, વૉટર કલર કે પછી સિમ્પલ નેઇલ-પૉલિશ પણ વાપરી શકો છો. રંગ બરાબર સુકાઈ જાય એટલે એને હેરપિન પર ચોંટાડી દેવાં. લો, આ સુંદર મજાનાં પારિજાતનાં આર્ટિફિશ્યલ ફૂલ તમારા કેશની શોભા વધારવા માટે તૈયાર થઈ ગયાં.
આપણી પાસે જૂની ક્લિપ્સ પડી હોય જેના પરથી કલર ઊખડી ગયો હોય કે પછી એ થોડી ખરાબ થઈ ગઈ હોય એને પણ આ રીતે યુઝ કરી શકાય છે. ઘરમાં પડેલા કોઈ પણ ફૅબ્રિકમાંથી નાનકડો ટુકડો લો. એના નાના-નાના ટુકડા કટ કરી લો. પછી એને સીવીને સાવ નાનકડું ફૂલ બનાવી લો. એને તમારા ઘરમાં પડેલી જૂની હેરક્લિપ પર ગ્લુની મદદથી ચોંટાડી દો અને સુંદર મજાની વેસ્ટમાંથી બેસ્ટ હેરક્લિપ તૈયાર થઈ ગઈ. આ હેરક્લિપ્સ નાની છોકરીઓને તો સુંદર લાગે જ છે, સાથે યુવતીઓ પણ આજકાલ પોનીટેલ સાથે પહેરવા લાગી છે. ફૂલના શેપની જગ્યાએ સ્ટાર કે શક્કરપારા કે પછી અન્ય શેપ પણ આપી શકાય. આ જ પ્રકારે તમારા જૂના પડેલા હેરબૅન્ડને તમે ડેકોરેટ કરીને તદ્દન નવું સ્વરૂપ આપી શકો છો. ઘરમાં પડેલી નકામી વસ્તુઓ જેમ કે કોઈ લેસનો ટુકડો કે પછી કોઈ તૂટેલા બ્રેસલેટમાંથી નીકળેલાં મોતી કે પછી બાળકોના કલર જ કેમ ન હોય, તમારી કલ્પનાશક્તિને કામે લગાડો અને સફાઈપૂર્વક એને ડેકોરેટ કરો.
આજકાલ તો ઍક્સેસરીઝને જુદી-જુદી રીતે યુઝ કરવાની ફૅશન પણ ચાલી છે. તમારો મોતીનો હાર તમે ગળામાં પહેરી પહેરીને કંટાળી ગયા હો તો એને હવે અંબોડામાં કે પોનીટેલમાં પહેરવાનું ચાલુ કરો. એવી જ રીતે કોઈ સુંદર મજાનો નેકલેસ પડ્યો છે અને એની ફૅશન જતી રહી છે એટલે હવે ગળામાં પહેરવાનું નથી ગમતું તો મેસી બન કે લૂઝ બન કરો અથવા સાગર ચોટલો વાળો ત્યારે એને એમાં સજાવો.
મોંઘી-મોંઘી હેર ઍક્સેસરીઝ ન ખરીદવી હોય તો એવા અનેક આઇડિયા છે જેનો ઉપયોગ કરીને તમે તમારી હેર ઍક્સેસરીઝ ઘરે જ બનાવી શકો છો.