ભ્રમરના વાળ સફેદ થઈ ગયા હોય તો ટ્રાય કરો આ હોમમેડ ડાઇ

25 February, 2025 02:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માથાના વાળ સફેદ થઈ જાય અને તમે હેરડાઇ લગાવવાનું શરૂ કરો એટલે થોડા જ સમયમાં તમને ચહેરા પરના વાળમાં પણ સફેદી જોવા મળે છે

પ્રતીકાત્મક તસવીર

માથાના વાળ સફેદ થઈ જાય અને તમે હેરડાઇ લગાવવાનું શરૂ કરો એટલે થોડા જ સમયમાં તમને ચહેરા પરના વાળમાં પણ સફેદી જોવા મળે છે. સ્ત્રીઓને ભ્રમર પર સફેદ વાળ આવી જાય તો એનાથી લુક બહુ મોટી ઉંમરનો લાગવા લાગે છે. ભ્રમર આંખની ખૂબ નજીક આવેલી હોવાથી કેમિકલ ડાઇ એના પર લગાવવી હિતાવહ નથી. વળી માથાના વાળ માટેની ડાઇ ચહેરા પર લગાવવાથી આસપાસમાં ડાઘા રહી જવાની સમસ્યા રહે છે. એવામાં નૅચરલ ચીજોનો ઉપયોગ કરીને સ્કિન ટ્રીટમેન્ટ કરતા બ્યુટિશ્યન ઉલ્હાસ કળમકર આપે છે હોમમેડ આઇબ્રો ડાઇનો વિકલ્પ.

નૅચરલ ડાઇ માટે એક અખરોટ, એક વિટામિન Eની કૅપ્સ્યુલ અને એટલી જ પેટ્રોલિયમ જેલી લો. સૌથી પહેલાં અખરોટ ચીરીને એક દીવાની જ્યોત પર બાળો. એટલું બાળો કે એ કાળુંભઠ થઈ જાય. કાળા પડી ગયેલા ટુકડાને પીસી લો. એ પાઉડરમાં એક વિટામિન Eની કૅપ્સ્યુલ અને એટલી જ માત્રામાં પેટ્રોલિયમ જેલી નાખીને મિક્સ કરી લો.

રોજ રાતે સૂતાં પહેલાં બ્રશ વડે ભ્રમર કે દાઢી-મૂછના વાળ પર આ મિશ્રણ લગાવી દો. સવારે એને કપડાંથી સાફ કરી લો. થોડા દિવસ કરવાથી આઇબ્રો એકદમ કાળી દેખાવા લાગશે અને એનાથી આંખને કોઈ નુકસાન પણ નહીં થાય.

fashion fashion news life and style skin care columnists gujarati mid-day mumbai