કેમ લેડીઝ શર્ટનાં બટન ડાબી બાજુએ અને પુરુષોના શર્ટનાં બટન જમણી બાજુએ ખૂલે છે?

05 February, 2025 09:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આની પાછળનાં કારણો પૌરાણિક કાળ સાથે અને રાજા-રજવાડાંઓની જીવનશૈલી સાથે સંકળાયેલાં છે. સાંપ્રત સમયમાં એમાંનું એકેય કારણ પ્રસ્તુત ન હોવા છતાં હજીયે અનેક ફૅશન-ડિઝાઇનરો આ પ્રથાને ફૉલો કરે છે

પ્રતીકાત્મક તસવીર

શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે મહિલાઓના શર્ટનાં બટન કાયમ ડાબી બાજુએ હોય છે જ્યારે પુરુષોના શર્ટનાં બટન જમણી બાજુએ હોય છે? આ નાની પણ મહત્ત્વપૂર્ણ વિગત ઘણા લોકોને રહસ્યમયી લાગી શકે છે. પહેલી નજરે તો આ એક ફૅશન ચૉઇસ જ લાગે છે પરંતુ મજાની વાત તો એ છે કે આવું થવા પાછળ અમુક રસપ્રદ ઐતિહાસિક કારણો અને વ્યવહારિકતા પણ છુપાયેલાં છે

પ્રાચીન સમયમાં ભારતીય સ્ત્રીઓ તો સાડી નામે એક જ વસ્ત્ર ધારણ કરતી પણ આગળ જતાં  બ્રિટિશરોના રાજમાં એલિટ અંગ્રેજી સ્ત્રીઓ અને મિશનરીઓના પ્રયત્ને ભારતમાં પણ સ્ત્રીઓ બ્લાઉઝ પહેરતી થઈ એ ઐતિહાસિક ઘટનાથી તે આજ સુધી આપણા પહેરવેશમાં સાડી સાથે બ્લાઉઝ એક સર્વસામાન્ય વસ્તુ બની ગઈ છે. ખરેખર તો આપણામાંના ઘણાને ખબર જ નથી કે આપણા પહેરવેશમાં કઈ વસ્તુ કઈ-કઈ સંસ્કૃતિના ભાગે આવેલી છે. આવી જ એક ઘટના મહિલાઓના પૅન્ટ કે જીન્સ અને શર્ટ પહેરવાની પણ છે. ક્યારેય વિચાર્યું છે કે મહિલાઓ શર્ટ પહેરે છે એનાં બટન કાયમ ડાબી બાજુ જ શું કામ હોય છે? આવો જાણીએ કેટલીક રસપ્રદ વાતો.

ડાબી બાજુનાં બટન : ફૅશન કે સગવડ

બટન મૂકવાની ખરી શરૂઆત તો એ સમયથી જ થાય છે જ્યારે પુરુષો અને મહિલાઓની જીવનશૈલી અને જરૂરિયાતોને અનુકૂળ થવા માટે કપડાં બનાવવામાં આવ્યાં હતાં. પૌરાણિક સમયમાં પુરુષો મોટે ભાગે યુદ્ધમાં જતા અને તેમની તલવાર જમણા હાથે પકડતા. એટલા માટે મોટા ભાગે તેમનાં વસ્ત્રોનાં બટન જમણી બાજુએ રાખવામાં આવતાં જેથી તેઓ એ વસ્ત્ર ખોલતી વખતે પોતાનો હથિયારધારી હાથ ફ્રી રાખી શકે અને ડાબા હાથે કામ ચલાવી શકે.

બીજી તરફ એ વખતમાં મહિલાઓ મોટા ભાગે ઘરકામ અને બાળઉછેરમાં વ્યસ્ત રહેતી. મહિલાઓ પોતાના બાળકને મોટા ભાગે ડાબા હાથમાં પકડી રાખીને જમણા હાથે કામ કરી શકતી. એવામાં જો તેમને બટન ખોલવાની જરૂર હોય તો તે જમણા હાથથી સરળતાથી કરી શકતી. આ કારણોસર તેમના શર્ટનાં બટન ડાબી બાજુએ રાખવામાં આવ્યાં.

રાજકીય પ્રભાવ અને પરંપરા

બીજી એક થિયરી મુજબ વિક્ટોરિયન યુગમાં ધનવાન કુટુંબની મહિલાઓ પોતે પોતાના હાથે   કપડાં નહોતી પહેરતી, તેમની મદદ માટે અનેક દાસીઓ રહેતી. મોટા ભાગના લોકો જમણા હાથે કામ કરતા હોવાથી બટન ડાબી બાજુએ મૂકવાથી દાસીઓ માટે તેમને શર્ટનાં બટન લગાવવાનું સરળ બની રહેતું.

નેપોલિયનનો સંપર્ક

કહેવામાં આવે છે કે ફ્રાન્સના સૈન્યના વડા નેપોલિયન બોનાપાર્ટે આ પરંપરાને પ્રભાવિત કરી હતી. એવું માનવામાં આવે છે કે મહિલાઓએ તેના પ્રખ્યાત પોઝ, જેમાં તે એક હાથ શર્ટની અંદર રાખી ઊભો રહેતો એ સ્ટાઇલની મજાક ઉડાવી. ત્યાં સુધી કે અમુક તો તેની નકલ પણ કરતી. આથી તેણે મહિલાઓના કપડાંનાં બટન ડાબી બાજુએ રાખવાનો આદેશ આપ્યો જેથી આ મજાક અટકાવી શકાય. જોકે આ કથા માટે કોઈ સ્પષ્ટ પુરાવા નથી પરંતુ એ ફૅશનના ઇતિહાસમાં એક રસપ્રદ વળાંક ઉમેરે છે.

ઘોડેસવાર અને પવનની અસર

આ એક થિયરી એવી પણ છે કે ભૂતકાળમાં મોટા ભાગની મહિલાઓ ઘોડેસવારી કરતી. તેમની સુવિધા માટે આવી ફૅશન અસ્તિત્વમાં આવી. આવા સંજોગોમાં પવન શર્ટને ઉડાડી ન શકે એ માટે શર્ટનાં બટન ડાબી બાજુએ રાખવામાં આવતાં. સાથે એવું પણ મનાતું કે બટનની આ સ્થિતિને લીધે હવા શર્ટમાં ઊંધી દિશાથી ઘૂસતી જે તેમને રાઇડિંગ કરવામાં મદદ મળતી.

પરંપરા વિરુદ્ધ આધુનિક વલણ

જોકે આજના સમયમાં આવાં કારણો બહુ મહત્ત્વનાં નથી રહ્યાં. આજકાલ મોટા ભાગની મહિલાઓ પોતે જ કપડાં પહેરે છે, તલવાર યુદ્ધ અતીત બની ચૂક્યું છે અને બહુ ઓછી મહિલાઓ સાઇડ-સૅડલ ઘોડેસવારી કરે છે. છતાં આ પરંપરા હજી પણ ટકી રહી છે. હવે તો આધુનિક યુનિસેક્સ ફૅશનની ઉન્નતિ સાથે કેટલાક ડિઝાઇનરો બન્ને બાજુએ બટન બનાવડાવે છે અથવા ઘણી વાર બહુ ટ્રેન્ડી એવા શર્ટમાં તો બટન જ નથી હોતાં.

ઇતિહાસ અને ફૅશનનો સમન્વય

પુરુષો અને મહિલાઓના શર્ટમાં બટનનો સ્થાનગત આવો ફરક એ દર્શાવે છે કે ઇતિહાસ કેવી રીતે સાવ જ સામાન્ય દેખાતાં તત્ત્વો પર પણ અસર કરે છે. ચાહે એ વ્યવહારિક જીવન હોય કે રાજકીય નિર્ણયો કે સંસ્કૃતિને લીધે જોડાયેલી ફૅશન પરંપરાઓનું પરિણામ હોય, આ શૈલી આજે પણ એક રસપ્રદ ચર્ચાનો વિષય છે જ.

fashion news fashion life and style gujarati mid-day mumbai columnists