16 April, 2026 05:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
3D ફ્લોરલ ફૅશન બની રહી છે સ્ટાઇલ સ્ટેટમેન્ટ
પ્લેન કે પ્રિન્ટેડ ફૂલોના સ્થાને જ્યારે કપડાં પર હૂબહૂ વાસ્તવિક લાગે એવાં મલ્ટીડાઇમેન્શનલ ફૂલો ધરાતી થ્રી-ડાઇમેન્શનલ (3D) ફ્લોરલ ડિઝાઇન ખીલી ઊઠે છે ત્યારે આ લુક લક્ઝુરિયસ અને સૉફિસ્ટિકેટેડ લાગે છે. દરેક ફૅશન-લવરને એક વાર તો આવો ડ્રેસ પહેરવાની ઇચ્છા થાય જ. જો તમે પણ કોઈ ખાસ ઇવેન્ટ કે પાર્ટી માટે આવો લુક પ્લાન કરી રહ્યા હો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે જેથી ગ્લૅમરસ દેખાઓ.
ફૅબ્રિકની પસંદગી
3D ફ્લોરલ ડ્રેસમાં સૌથી મહત્ત્વની બાબત એનું ફૅબ્રિક છે. સામાન્ય રીતે આ ડ્રેસમાં ફૂલોનું વજન અને એનું સ્ટ્રક્ચર જળવાઈ રહે એ માટે નેટ, ઑર્ગન્ઝા અથવા ટ્યુલ જેવા ફૅબ્રિકનો ઉપયોગ થાય છે. જો ફૅબ્રિક બહુ સસ્તું કે હલકું હશે તો ફૂલોનો શો આવશે નહીં. હંમેશાં એવું મટીરિયલ પસંદ કરો જે સૉફ્ટ હોય પણ ફૂલોના આકારને પકડી રાખવાની ક્ષમતા ધરાવતું હોય.
ફૂલોની પ્લેસમેન્ટ મહત્ત્વની
3D એમ્બ્રૉઇડરી કે ઍપ્લિક વર્ક આખા ડ્રેસ પર હોવું જરૂરી નથી. જો તમે હાઇટમાં ટૂંકા હો તો માત્ર નેકલાઇન અથવા સ્લીવ્ઝ પર 3D ફૂલો હોય એવો ડ્રેસ પસંદ કરવો. જો ફૂલો બહુ મોટાં હોય અને આખા ડ્રેસ પર ફેલાયેલાં હોય તો એ તમારી ફ્રેમને નાની બતાવી શકે છે. સ્ટ્રૅટેજિક પ્લેસમેન્ટ એટલે કે કમરના ભાગે કે ખભા પર ફૂલોનો ગુચ્છો તમારી ઊંચાઈને વધુ દેખાડીને સ્લિમ લુક આપી શકે છે.
કલર પેલેટ
સમર માટે પેસ્ટલ શેડ્સ જેવા કે પાઉડર બ્લુ, મિન્ટ ગ્રીન અથવા સૉફ્ટ પિન્ક એવરગ્રીન છે. 3D ડિઝાઇનમાં કલર કૉમ્બિનેશન સૉફ્ટ રાખવાથી ડ્રેસની ક્લાસિક અપીલ જળવાઈ રહે છે. જો તમે ડાર્ક કલર પસંદ કરો છો તો ધ્યાન રાખવું કે એ બહુ લાઉડ ન લાગે, નહીં તો ડ્રેસની સુંદરતા દબાઈ જશે.
ઍક્સેસરીઝમાં લેસ ઇઝ મોર
જ્યારે તમારો ડ્રેસ પોતે જ એક માસ્ટરપીસ હોય અને એમાં હેવી 3D વર્ક હોય ત્યારે ઘરેણાં ઓછામાં ઓછાં પહેરવાં. મોટા નેકલેસ ટાળીને માત્ર સ્ટાઇલિશ ઇઅરરિંગ્સ અથવા એક સ્ટેટમેન્ટ રિંગ પહેરવી હિતાવહ છે. તમારી ઍક્સેસરીઝ ડ્રેસ સાથે કૉમ્પિટિશન કરવાને બદલે એને કૉમ્પ્લીમેન્ટ કરવી જોઈએ. હાઈ-હીલ્સ આ લુકને પર્ફેક્ટ ફિનિશ આપે છે.