આ વખતે રાખડીમાં શું છે ખાસ?

06 August, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બદલાતા ફૅશન-ટ્રેન્ડની જેમ રાખડીમાં આ વખતે પેસ્ટલ કલર્સનો દબદબો દેખાઈ રહ્યો છે ત્યારે ચાંદીની રાખડીમાં અવનવી ડિઝાઇન્સ બહેનોને આકર્ષિત કરી રહી છે

સિલ્વર ચાર્મ રાખડી, સિલ્વર રાખડી, પેસ્ટલ શેડ્સની રાખડી, ભાઈ-ભાભી રાખડી

રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માર્કેટમાં લેટેસ્ટ ટ્રેન્ડની રાખડીઓ જોવા મળે છે. દર વખતે રાખડીની બદલાતી ફૅશનની સાથે આ વખતે પણ નવાં રંગરૂપમાં રાખડીઓ જોવા મળી રહી છે ત્યારે ચાલો જાણીએ માર્કેટમાં કેવી ડિઝાઇન્સની અને કેવા પ્રકારની રાખડીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

પેસ્ટલ કલર્સનો ક્રેઝ

ટિપિકલ લાલ-પીળા ધાગાવાળી રાખડીઓ કરતાં આ વખતે થોડી હટકે રાખડી માર્કેટમાં ટ્રેન્ડ કરી રહી છે. પેસ્ટલ કલર્સ હવે કપડાં કે ઇન્ટિરીયર સુધી સીમિત રહ્યા નથી. એમનો ક્રેઝ આ વખતે રાખડીમાં પણ જોવા મળી રહ્યો છે. યંગસ્ટર્સ માટે રાખડી હવે ફક્ત પરંપરા જ નથી, એક સ્ટેટમેન્ટ પણ બની ગઈ છે. પેસ્ટલ કલર્સમાં પેસ્ટલ બ્લુ, લાઇટ પિન્ક, પેસ્ટલ કૉફી, બેબી યલો, પિસ્તા જેવા કલર્સની ડિઝાઇનર રાખડીઓ જોવા મળી રહી છે. કેટલીક મીનાકારી અને એમ્બ્રૉઇડરી વર્કવાળી રાખડીઓ પણ એમાં જોવા મળી રહી છે. પેસ્ટલ કલરના દોરા સાથે મિનિમલિસ્ટ મેટલ ચાર્મ્સવાળી રાખડી ભાઈના હાથમાં ચાર ચાંદ લગાવશે. મેટલ ચાર્મ્સમાં ઇન્ફિનિટી, ઓમ અને સાથિયા હોય છે. રાખડીને એથ્નિક ટચ આપવા માટે એમાં મિરરવર્ક, ઝરદોશી અને થ્રેડવર્ક કરેલું હોય છે. આ ઉપરાંત સફેદ કે પેસ્ટલ કલરનાં મોતી સાથે મેટલની ચેઇનવાળી રાખડી પણ  એલિગન્ટ અને એથ્નિક વાઇબ્સ આપે છે. પાતળા પેસ્ટલ દોરા પર મોતીનું વર્ક કરેલું હોય એવી રાખડીઓ પણ અત્યારે માર્કેટમાં જોવા મળી રહી છે. ૩૦થી ૧૫૦ રૂપિયા સુધીમાં પેસ્ટલ થીમની રાખડીઓ સહેલાઈથી મળી જશે. જો તમારે ભાભીને બાંધવા પણ રાખડી લેવી હોય તો કપલ રાખડીમાં પણ પેસ્ટલ શેડ્સમાં ઘણા ઑપ્શન્સ મળી રહેશે.

સિલ્વર રાખડી પણ ટ્રેન્ડમાં

પેસ્ટલ અને ગૂંથેલા ધાગા સાથે નાના સિલ્વર ચાર્મ્સ અને શુદ્ધ ચાંદીમાંથી બનાવેલી રાખડીઓની ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ પર ડિમાન્ડ બહુ જ વધી રહી છે. જો તમને રેશમ કે કૉટનના ધાગાવાળી રાખડી કરતાં કંઈ હટકે, એલિગન્ટ અને ક્લાસિક રાખડી લેવી હોય તો ચાંદીની રાખડી લઈ શકાય. એમાં લેઝર કટિંગથી ભાઈનું નામ લખાવી શકાય એવી પર્સનલાઇઝ્ડ રાખડી પણ બહુ ટ્રેન્ડ કરી રહી છે. ઘણી બહેનો પોતાના ભાઈ માટે બ્રેસલેટ ટાઇપ રાખડીની પસંદગી કરે છે. એને રીયુઝ કરી શકાય છે અને પુરુષો માટે એ સ્ટાઇલ-સ્ટેટમેન્ટ પણ બની રહે છે. ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ પર આ રાખડીઓ ૫૦૦થી ૪૦૦૦ રૂપિયા સુધીમાં મળી રહે છે. આવી રાખડી પહેરાવવી થોડી મૉડર્ન, ટ્રેન્ડી અને લક્ઝરી ફીલ પણ આપે છે.

ટિપ્સ

 ઘણી રાખડીઓ બનાવવામાં સસ્તું મેટલ વાપરેલું હોય છે એને લીધે ત્વચા પર રૅશિઝ થાય છે અને ખંજવાળ આવે છે. જો તમારા ભાઈની સ્કિન સેન્સિટિવ હોય તો લોખંડ કે નિકલ વગરની રાખડી લેવી.

 જો તમારું બજેટ સારું હોય તો શુદ્ધ ચાંદીની રાખડી લેવાનો આગ્રહ રાખવો.

 દોરાવાળી રાખડી લેતી વખતે એની સુંદરતામાં મોહી જતાં પહેલાં એ કેટલી ટકાઉ છે એ ચેક કરી લેવું.

 ચાંદીની રાખડી જ્વેલર્સ પાસેથી અથવા ટ્રસ્ટેડ ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ પરથી લેવી. તમે જ્યાંથી રાખડી લો છો ત્યાંથી સિલ્વરની શુદ્ધતાનું પ્રમાણપત્ર મળે તો એ વધુ વિશ્વાસપાત્ર છે.

 નાનાં બાળકો માટે કાર્ટૂનવાળી રાખડી લો તો એમાં લાઇટિંગ બરાબર થાય છે કે નહીં એ ચેક કર્યા પછી જ એની ખરીદી કરવી.

raksha bandhan festivals fashion fashion news life and style columnists gujarati mid day mumbai