22 May, 2025 07:06 AM IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર
એક સંશોધન મુજબ બ્યુટી-પ્રોડક્ટ્સમાં પૅરબેન કરતાં પણ જોખમી રસાયણ વપરાતું હોવાનું જાણવા મળ્યું છે. ફૉર્મલ્ડિહાઇડ નામના કેમિકલની બ્યુટી-પ્રોડક્ટ્સમાં હાજરી હોવાથી જો એનો વપરાશ લાંબા સમય સુધી કરવામાં આવે તો કૅન્સર જેવી ગંભીર બીમારી થવાની ભારોભાર શક્યતા છે
રેગ્યુલર રૂટીનમાં વપરાતાં શૅમ્પૂ, બૉડી-લોશન, બૉડી-વૉશ અને સાબુ તમારી સ્કિન માટે પૂર્ણપણે સેફ છે એવું તમે માનો છો? જો તમારો જવાબ હા હોય તો ચેતી જવાની જરૂર છે. હાલમાં અમેરિકાની એક સંસ્થા દ્વારા બ્યુટી-પ્રોડક્ટ્સની ગુણવત્તા અને એમાં રહેલાં ઇન્ગ્રીડિઅન્ટ્સ વિશે કરવામાં આવેલા સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે ઘણી પર્સનલ કૅર પ્રોડક્ટ્સમાં ફૉર્મલ્ડિહાઇડ નામના ખતરનાક રસાયણની હાજરી હોય છે. જો આવી પ્રોડક્ટ્સનો ઉપયોગ દરરોજ અથવા અઠવાડિયામાં ચારથી પાંચ વાર કરવામાં આવે તો એ કૅન્સર જેવી બીમારીનું કારણ બની શકે છે. આ રસાયણ શું છે, એ કેવી રીતે શરીરને નુકસાન પહોંચાડે છે અને એનાથી બચવા આપણે શું કરવું જોઈએ એ વિશે ચર્ચગેટ અને જુહુમાં ડર્મેટોલૉજી ક્લિનિકનું સંચાલન કરતાં તથા આ ક્ષેત્રે ૧૫ વર્ષ કરતાં વધુનો અનુભવ ધરાવતાં ડર્મેટોલૉજિસ્ટ અને ટ્રિકોલૉજિસ્ટ ડૉ. મૃણાલ શાહ સમજાવશે.
ફૉર્મલ્ડિહાઇડ એટલે?
ફૉર્મલ્ડિહાઇડ એક રંગવિહીન અને તીવ્ર વાસ ધરાવતું રસાયણ છે. એ સહેલાઈથી વાયુસ્વરૂપે હવામાં ભળીને શ્વાસ દ્વારા શરીરમાં સહેલાઈથી પ્રવેશ કરી શકે છે. એનો મુખ્ય ઉપયોગ બૅક્ટેરિયા, ફૂગ અને જીવાણુઓનો નાશ કરવા માટે થાય છે તેથી એ ઘણી પર્સનલ કૅર પ્રોડક્ટ્સ અને ઘરગથ્થુ ચીજોમાં પ્રિઝર્વેટિવ તરીકે ઉપયોગમાં લેવાય છે. પહેલાં તો આ કેમિકલ ફક્ત હેરકૅર પ્રોડક્ટ્સમાં વપરાતું હતું, પણ સંશોધન બાદ એ જાણવા મળ્યું કે બ્યુટી અને પર્સનલ કૅર પ્રોડક્ટ્સમાં પણ એનો ઉપયોગ થવા લાગ્યો છે.
બ્યુટી-પ્રોડક્ટ્સ ઉપરાંત લાકડાં ચીપકાવવા માટે વપરાતા ગ્લુ અને ઍધીસિવ મટીરિયલમાં વપરાય છે જેથી એ લાંબા સમય સુધી ટકી રહે. વાયરને ઇન્સ્યુલેટ કરવામાં પણ આ કેમિકલનો ઉપયોગ થાય છે. મેડિકલ લાઇનમાં પણ ડેડ-બૉડીઝને સ્ટોર કરવા તથા ઇન્ડસ્ટ્રિયલ યુઝમાં ફર્ટિલાઇઝર તરીકે અને અન્ય પ્રોડક્ટ્સ બનાવવામાં એનો ઉપયોગ થાય છે. આ પરથી અંદાજ લગાવી શકાય કે બ્યુટી-પ્રોડક્ટ્સમાં ફૉર્મલ્ડિહાઇડ કેમિકલની હાજરી કેટલી હદે નુકસાનકર્તા છે.
કઈ પ્રોડક્ટ્સમાં જોવા મળે છે?
ફૉર્મલ્ડિહાઇડ પૅરબેન કરતાં પણ હાનિકારક છે એમ કહી શકાય. અત્યારે લોકોમાં જાગરૂકતા બહુ જ વધી છે તેથી કોઈ પણ ચીજ ખરીદતી વખતે પ્રોડક્ટના લેબલ પર ઇન્ગ્રીડિઅન્ટ્સ વાંચે છે. તેમને પૅરબેન વિશે જાણકારી છે કે આ પ્રોડક્ટ હેલ્થ માટે જોખમી છે, પણ ફૉર્મલ્ડિહાઇડ એના કરતાં પણ વધુ જોખમી છે એ ફક્ત ગણ્યાગાંઠ્યા લોકોને જ ખબર છે. આ કેમિકલ વિશે પણ લોકોમાં જાગરૂકતા હોવી બહુ જ જરૂરી છે. અમુક બેબી-પ્રોડક્ટ્સમાં પણ ફૉર્મલ્ડિહાઇડ કેમિકલનો વપરાશ થાય છે અને તેમની ત્વચા સંવેદનશીલ હોવાથી ખૂબ જ નાની ઉંમરમાં ગંભીર બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. બૉડી-વૉશ, ફેસ પર લગાવાતાં ફાઉન્ડેશન અને ક્રીમ, નેઇલપૉલિશ અને નેઇલપૉલિશ રિમૂવર, હેર સ્ટ્રેટ કરવા માટે વપરાતી પ્રોડક્ટ્સ, વેટ ટિશ્યુઝ, બેબી-વાઇપ્સ, હૅન્ડ-સૅનિટાઇઝર, ડીઓડરન્ટ અને પરફ્યુમ, શૅમ્પૂ, બૉડી-લોશન, ફેસ-ક્રીમ, સાબુ અને આઇલૅશ ગ્લુ જેવી બ્યુટી-પ્રોડક્ટ્સમાં ફૉર્મલ્ડિહાઇડ કેમિકલ વપરાય છે.
શૉર્ટ-ટર્મ ઇફેક્ટ્સ
બ્યુટી-પ્રોડક્ટ્સમાં ફૉર્મલ્ડિહાઇડનો ઉપયોગ ભારત કરતાં વિદેશોમાં વધુ થાય છે, પણ ઘણી વખત કોઈ વ્યક્તિ ફરવા જાય તો તેને ત્યાંની કોઈ ચીજ પોતાની સાથે લઈ આવવાનું મન હોય છે. જો તેઓ ફૉર્મલ્ડિહાઇડયુક્ત બ્યુટી-પ્રોડક્ટ્સ ખરીદે છે તો એની અસર થવાની જ છે. ભારતમાં પણ ઘણી બ્યુટી-બ્રૅન્ડ્સ એમની પ્રોડક્ટ્સમાં ફૉર્મલ્ડિહાઇડ નાખે છે અને આ કેમિકલ તેમની પ્રોડક્ટની શેલ્ફ-લાઇફને વધારવાનું કામ કરે છે, પણ શરીરને નુકસાન પહોંચાડે છે એ ચીજ કોઈ જાણતું નથી. જો તમે ડેઇલી ઉપયોગ કરો તો એની કેટલીક શૉર્ટ-ટર્મ સાઇડ-ઇફેક્ટ્સ થાય છે. ખાસ કરીને સ્કિનમાં ઍલર્જિક રીઍક્શન થાય છે. જેમ કે ત્વચા લાલાશ પડતી થઈ જવી, અચાનક ખંજવાળ આવવી અથવા રૅશિસ થવા, ઘણી વાર કેમિકલ બર્ન થઈ જાય એટલે કે સ્કિનમાં અચાનક લાલાશ પડતા ડાઘ દેખાય અને એ જગ્યા પર બળતરા થાય, આંખોમાં બળતરા થવી, સતત પાણી આવવાં, ઘણી વાર નાક અને ગળામાં પણ બળતરા થાય છે. આ લક્ષણો દેખાય ત્યારે સમજી જવું કે તમારી સ્કિનકૅર અને હેરકૅર પ્રોડક્ટ્સમાં ગરબડ છે. શૉર્ટ-ટર્મ સાઇડ-ઇફેક્ટ્સની તાત્કાલિક સારવાર કરવાથી સારું થઈ જાય છે, પણ જો એને અવગણશો તો ભવિષ્યમાં ગંભીર પરિણામ આવી શકે છે.
લૉન્ગ-ટર્મ ઇફેક્ટ્સ
સૅલોંમાં જ્યારે હેર-ટ્રીટમેન્ટ કરાવીએ છીએ ત્યારે ફૉર્મલ્ડિહાઇડ રિલીઝ થાય છે. ખાસ કરીને હેર સ્ટ્રેટનિંગ ટ્રીટમેન્ટ માટે વપરાતી બ્રાઝિલિયન પ્રોડક્ટ્સમાં આ રસાયણનું પ્રમાણ વધુ હોય છે. પ્રોડક્ટ અપ્લાય કર્યા બાદ મશીનથી વાળ સ્ટ્રેટ કરે ત્યારે ધુમાડો નીકળે છે અને આ ધુમાડો શ્વાસ વાટે શરીરમાં પ્રવેશે છે અને એ ધીરે-ધીરે ફેફસાં અને શ્વસનતંત્રને નબળાં પાડવાનું કામ કરે છે. એને લીધે ઘણા કેસમાં દમ એટલે કે અસ્થમાની તકલીફ થાય છે એટલું જ નહીં, કેટલાક કિસ્સાઓમાં નાક અથવા ફેફસાંના કૅન્સરનું જોખમ વધી જાય છે. લ્યુકેમિયા થવાની સંભાવનામાં પણ વધારો થાય છે. લ્યુકેમિયા એક પ્રકારનું બ્લડ-કૅન્સર છે. એમાં ખાસ કરીને વાઇટ બ્લડ-સેલ્સ અસામાન્યપણે વધી જાય છે અને એને લીધે બીમારીઓ સામે લડવાની ક્ષમતામાં ઘટાડો કરે છે.
કેવી રીતે બચવું?
અમેરિકન સંસ્થાએ આ મામલે કરેલો અભ્યાસ ફક્ત એક ચેતવણી જ નથી પણ સ્વાસ્થ્ય તથા બજારમાં મળતી બ્યુટી-પ્રોડક્ટ્સની પારદર્શકતા પર પણ સવાલો ઊભા કરે છે. જે પ્રોડક્ટ્સ આપણને સુંદર અને સાફ દેખાવામાં મદદ કરે છે એ ભવિષ્યમાં સ્વાસ્થ્ય માટે ધીમું ઝેર બની શકે છે. તેથી આ મામલે લોકોમાં જાગરૂકતા હોવી બહુ જ જરૂરી છે. તમે જે પ્રોડક્ટ્સ વાપરો છો એ હેલ્થને બગાડતી તો નથીને એ બાબતે ધ્યાન રાખવું જોઈએ. ઘણી વાર પ્રોડક્ટ્સના પૅકેજિંગમાં ઇન્ગ્રીડિઅન્ટ્સની યાદીમાં ફૉર્મલ્ડિહાઇડ શબ્દનો પ્રયોગ થતો નથી. એને બદલે DMDM હાઇડાન્ટોઇન, ઇમિડેઝોલિડિનિલ યુરિયા, ક્વોટર્નિયમ-15, બ્રોનોપૉલ અને ડાયએઝોલિડિનિલ યુરિયા જેવા નામનો પ્રયોગ કર્યો હોય છે. જો તમને બ્યુટી-પ્રોડક્ટ્સમાં આ નામ દેખાય તો એ ખરીદવી નહીં. પ્રોડક્ટ પર નૉન-ટૉક્સિક, કેમિકલ-ફ્રી, પ્રિઝર્વેટિવ-ફ્રી, ન્યુટ્રલ અથવા ઑર્ગેનિક લખ્યું હોય તો જ ખરીદવી જોઈએ. પ્રોડક્ટ કેટલી સેફ છે એની ચકાસણી કરવા માટે EWG એટલે કે એન્વાયર્નમેન્ટલ વર્કિંગ ગ્રુપ જેવી વેબસાઇટ વિઝિટ કરો. શક્ય હોય ત્યાં સુધી પ્રચલિત ઘરગથ્થુ નૅચરલ પ્રોડક્ટ્સ વાપરવાનો આગ્રહ રાખવો.