03 September, 2025 01:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દુનિયાભરમાં બ્યુટી અને ફૅશનની દુનિયા રોજ નવા ટ્રેન્ડ્સ સાથે આગળ વધી રહી છે. તાજેતરમાં જ K-બ્યુટીમાંથી એક નવો ટ્રેન્ડ આવ્યો છે જે સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે, આ ટ્રેન્ડ છે ફ્રૂટ-પીલ નેઇલ્સનો. એના નામ પરથી જ સમજાય છે કે આ નેઇલ આર્ટ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે એ ફળોની છાલ જેવી દેખાય. જેમ કે દ્રાક્ષ, સફરજન, નારંગી, કેરી કે તરબૂચની છાલ જેવું દેખાય એવી નખ પર આર્ટ કરવામાં આવે છે. છાલ જેવી રિયલિસ્ટિક ઇફેક્ટ આપતા આ ટ્રેન્ડને જ ફ્રૂટ-પીલ નેઇલ્સ કહેવાય છે. અગાઉ નખ પર સિમ્પલ કલર, ફ્રેન્ચ ટિપ્સ અથવા સૉલિડ નેઇલપૉલિશ લગાવવામાં આવતી હતી, પરંતુ હવે આર્ટિસ્ટ્સ વિવિધ રંગો, લેયર્સ અને સ્પેશ્યલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરીને નખોને વધુ કુદરતી, લાઇવ્લી અને આકર્ષક બનાવે છે. જેમ મોટા ભાગના અનોખા બ્યુટી-ટ્રેન્ડ્સ સાઉથ કોરિયાથી શરૂ થાય છે એમ આ ટ્રેન્ડ પણ K-બ્યુટીમાંથી જ ઉદ્ભવ્યો છે. ઇન્સ્ટાગ્રામ અને પિન્ટરેસ્ટ જેવી સોશ્યલ મીડિયા સાઇટ્સ પર આ નેઇલ આર્ટ બહુ પૉપ્યુલર થઈ રહી છે.
ફ્રૂટ-પીલ નેઇલ્સના પ્રકાર
ફળોના વિવિધ રંગો અને ટેક્સ્ચરના આધારે ઘણી ડિઝાઇન્સ બનાવી શકાય છે. સિટ્રસ ઇન્સ્પાયર્ડ નેઇલ્સમાં નારંગી, લીંબુ કે મોસંબી જેવાં ફળોની છાલ જેવા રંગો લગાવીને એમાં રિયલિસ્ટિક ઇફેક્ટ્સ અપાય છે. આ ઉપરાંત વૉટરમેલન, પીચ, મૅન્ગો, દ્રાક્ષ, અંજીર, સફરજન અને સ્ટ્રૉબેરીની છાલ જેવી અનોખી ડિઝાઇન્સ બનાવી શકાય છે. આ ટ્રેન્ડ ખાસ એટલા માટે છે કારણ કે એ નખને યુનિક બનાવે છે. દરેક નખને અલગ-અલગ ફળની છાલની ઇફેક્ટ આપીને રંગીન, આકર્ષક અને ફોટોજેનિક બનાવી શકાય છે. લોકો પોતાનાં મનપસંદ ફળોને નખ પર દર્શાવી શકે છે.
કેવી રીતે કરશો?
જો તમે નેઇલ આર્ટ વિશે વધુ માહિતી નથી રાખતા તો પ્રોફેશનલ નેઇલ-આર્ટિસ્ટ પાસે જઈને કરાવવું જોઈએ. તે તમને પ્રૉપર ટેક્સ્ચર, શેડિંગ અને ગ્રેડિએન્ટ એટલે કે બે કલર્સ જ્યાં બ્લેન્ડ થતા દેખાય એવી ઇફેક્ટ આપીને ફ્રૂટ-પીલની રિયલિસ્ટિક ઇફેક્ટ આપશે. જો તમને નેઇલ આર્ટ કઈ રીતે કરવી એનું નૉલેજ હોય તો વિવિધ નેઇલપૉલિશના રંગો, સ્પન્જ અને ડૉટિંગ ટૂલ્સની મદદથી નાના-મોટા પ્રયોગો કરી શકો છો. અંતે એક ટ્રાન્સપરન્ટ ટૉપ કોટ લગાવવાથી આખી ડિઝાઇન ચમકદાર અને ટકાઉ બને છે. ફ્રૂટ-પીલ નેઇલ્સ એટલા આકર્ષક અને રંગીન છે કે એનો ટ્રેન્ડ લાંબા સમય સુધી પૉપ્યુલર રહેવાની સંભાવના છે. જો તમે નખમાં કંઈક નવું અને તાજગીભર્યું અજમાવવા માગતા હો તો ફ્રૂટ-પીલ નેઇલ્સ ચોક્કસ અજમાવી શકો.