ચહેરાને ગોળનો ફેસમાસ્ક લગાવી ચમકાવો

17 May, 2025 06:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગોળ ખાવાથી શરીરને ફાયદો થાય એ તો આપણને બધાને જ ખબર છે, પણ શું તમને ખબર છે કે આપણી ત્વચા માટે પણ ગોળ સારો છે? ન ખબર હોય તો જાણી લો એના ફાયદા અને ગોળનો ફેસમાસ્ક બનાવવાની રીત

પ્રતીકાત્મક તસવીર

ચહેરાની સુંદરતા વધારવા માટે ગોળનો ફેસમાસ્ક કે ફેસપૅકમાં ઉપયોગ કરવાથી સ્કિનને અનેક રીતે ફાયદો મળે છે. ગોળમાં કુદરતી રીતે જ ગ્લાઇકોલિક ઍસિડ હોય છે. અનેક બ્યુટી પ્રોડક્ટ્સમાં એનો ઉપયોગ થાય છે. ગ્લાઇકોલિક ઍસિડ ત્વચાને એક્સફોલિએટ કરે છે એટલે કે ડેડ સ્કિનને હટાવીને ચહેરાને નિખારવાનું કામ કરે છે. ગોળમાં ઍન્ટિ-ઇન્ફ્લેમૅટરી એટલે કે બળતરા અને સોજો મટાડતા ગુણો હોય છે. એને કારણે ખીલની સમસ્યામાં આ ફેસમાસ્ક રાહત આપવાનું કામ કરે છે. ગોળમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ હોય છે જે સ્કિન સેલ્સને હેલ્ધી રાખીને, લોહીને શુદ્ધ કરીને ચહેરા પરના ડાઘ, કરચલીઓ દૂર કરીને એને ગ્લોઇંગ બનાવે છે. ગોળમાં કુદરતી રીતે જ એવાં તત્ત્વો હોય છે જે હવામાંથી મૉઇશ્ચરને લઈને ત્વચામાં જાળવી રાખવાનું કામ કરે છે.

કઈ રીતે બનાવશો?     

ગોળનો ફેસમાસ્ક અનેક રીતે બની શકે છે. તમે તમારી સ્કિનટાઇપ અને તમને શું ફાયદો જોઈએ છે એના હિસાબે નીચે જણાવેલી રીતથી ઘરે ફેસમાસ્ક બનાવી શકો છો.

તમને ગ્લોઇંગ સ્કિન જોતી હોય તો એ માટે એક ટેબલસ્પૂન ગોળના પાઉડરમાં થોડું મધ અને લીંબુનો રસ મિક્સ કરીને ફેસપૅક બનાવો.

તમને પિમ્પલ્સ, ઍક્નેની સમસ્યા વારંવાર થતી હોય તો ગોળના પાઉડર સાથે હળદર અને દહીંનો ઉપયોગ કરીને ઍન્ટિ-ઇન્ફ્લેમૅટરી માસ્ક બનાવી શકો જે તમને તમારી સમસ્યામાંથી રાહત આપવાનું કામ કરશે.

જો તમને એક્સફોલિએશન કરીને ડેડ સ્કિન હટાવવી હોય તો ગોળના પાઉડર સાથે ઓટમીલ અને ગુલાબજળ મિક્સ કરીને એ ફેસપૅકનો ઉપયોગ કરી શકો.

ઉપર જણાવેલા ફેસપૅકને ચહેરા પર લગાવતાં પહેલાં ચહેરાને સાફ પાણીથી ધોઈને લૂછી નાખો. એ પછી ચહેરા પર આ ફેસમાસ્ક લગાવો. ફેસમાસ્ક લગાવ્યા પછી એને ચહેરા પર ૧૫ મિનિટ માટે રહેવા દો. એ પછી ચહેરાને પાણીથી ધોઈ નાખો.

અહીં ધ્યાન રાખવું કે તમને અગાઉથી જ કોઈ ત્વચા સંબંધિત સમસ્યા છે કે ઉપર જણાવેલી કોઈ સામગ્રીથી ઍલર્જી હોય તો આ ફેસમાસ્ક ટ્રાય કરવાનું ટાળજો અથવા તો પહેલાં ડર્મેટોલૉજિસ્ટની સલાહ લઈ લેજો.

beauty tips skin care health tips life and style columnists gujarati mid-day mumbai fashion fashion news