બ્યુટી-પાર્લરમાં થ્રેડિંગ કરાવવાથી વધી શકે હેપેટાઇટિસનું જોખમ

13 August, 2025 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લગભગ મોટા ભાગની મહિલાઓ દર મહિને બ્યુટી-પાર્લરમાં જઈને આઇબ્રો કરાવતી હોય છે, પણ થોડા દિવસ પહેલાં જ એક ડૉક્ટરે એવો દાવો કર્યો છે કે એક મહિલાને થ્રેડિંગથી હેપેટાઇટિસનું ઇન્ફેક્શન લાગી ગયું અને તેનું લિવર કામ કરતું બંધ થઈ ગયું

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

સોશ્યલ મીડિયા પર એક MBBS ડૉક્ટરે એવો દાવો કર્યો છે કે તેમની પાસે એક મહિલા નબળાઈ, ઊબકા આવવા અને આંખો પીળી થવાની ફરિયાદ લઈને આવી હતી. ટેસ્ટ કરતાં ખબર પડી કે તેનું લિવર કામ કરવાનું બંધ કરી રહ્યું છે અને એનું કારણ શરાબ પીવાની આદત કે કોઈ દવાની સાઇડ-ઇફેક્ટ્સ નહીં, બ્યુટીપાર્લરમાં જઈને આઇબ્રો કરાવવાનું હતું. વારંવાર ઉપયોગમાં લેવાયેલી થ્રેડિંગ સામગ્રીને કારણે યુવતીની ત્વચા પર કટ્સ આવી ગયા હતા જ્યાંથી હેપેટાઇટિસ B અથવા Cના વાઇરસ તેના લોહીમાં પ્રવેશી ગયા.

આને લઈને નિષ્ણાતોનું કહેવું છે કે હેપેટાઇટિસ B અને C એવા વાઇરસ છે જે લોહીના માધ્યમથી ફેલાય છે. થ્રેડિંગ કરતી વખતે તમને ત્વચા પર જો કાપો પડી ગયો હોય તો એ ઇન્ફેક્ટેડ બ્લડ માટે પ્રવેશનો રસ્તો બની જાય છે. થ્રેડ, હાથ કે ઉપયોગ કરવામાં આવેલાં બીજાં ઉપકરણ કોઈના પણ માધ્યમથી વાઇરસ પહોંચી શકે છે, કારણ કે આપણે ખબર હોતી નથી કે એ સંક્રમિત છે કે નહીં. હેપેટાઇટિસનું ઇન્ફેક્શન થયા પછી જો સારવાર કરવામાં ન આવે તો એ લિવરને નુકસાન હોંચાડી શકે છે. એટલે આઇબ્રો કરાવવાને અને લિવર ફેલ થવાને કોઈ સીધો સંબંધ નથી, પણ તમે જે પણ બ્યુટી-પાર્લરમાં જાઓ છો ત્યાં હાઇજીનનું ધ્યાન રાખવામાં આવે છે કે નહીં એની ખાતરી કરવી જરૂરી છે. તમારે એક ચેક કરવું જોઈએ કે દર વખતે થ્રેડ નવો યુઝ થાય છે કે નહીં. આઇબ્રો કર્યા પહેલાં અને પછી પાર્લરવાળી તેના હાથ ધુએ છે કે નહીં.

વિકલ્પ અજમાવો

સામાન્ય રીતે બ્યુટી-પાર્લરમાં આઇબ્રો કરવા માટે નવો થ્રેડ જ વાપરવામાં આવતો હોય છે. એમ છતાં જો તમને હાઇજીનને લઈને કોઈ સમસ્યા હોય તો તમે ઘરે પણ સરળતાથી તમારી આઇબ્રો કરી શકો છો. માર્કેટમાંથી તમને આઇબ્રો રેઝર મળી જશે. રેઝરમાં થ્રેડિંગ અને વૅક્સિંગની જેમ નેણના વાળ ખેંચીને ન કાઢવા પડે એટલે એમાં દુઃખ પણ ઓછું. એવી જ રીતે જેમની સ્કિન વધારે પડતી સેન્સિટિવ હોય તેમને પણ રેઝર સારું પડે. ઘણી વાર થ્રેડિંગ, વૅક્સિંગ કર્યા પછી રેડનેસ અને સ્વેલિંગ થઈ જતાં હોય છે પણ રેઝર એકદમ સ્મૂધલી તમારા વાળને હટાવે છે. એ સિવાય ઘરે જ રેઝરથી આઇબ્રો કરતાં ફાવી જાય તો દર મહિને બ્યુટી-પાર્લરમાં જવાનો સમય કાઢવાની કે વારંવાર આઇબ્રો માટે ખર્ચો કરવાની જરૂર ન પડે. અચાનક ક્યારેય કોઈ ફંક્શનમાં જવાનું થાય તો પણ બે મિનિટમાં રેઝરથી આઇબ્રો કરીને તમે નીકળી શકો.

fashion news fashion beauty tips life and style social media columnists gujarati mid day mumbai health tips