21 August, 2025 02:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સનગ્લાસિસ, કૅપ, બેલ્ટ, બૅગ, સ્કાર્ફ
ઘણા લોકો પોતાના લુકને સ્ટાઇલિશ બનાવવા માટે જ્વેલરીનો સહારો લે છે પરંતુ જો તમે જ્વેલરીના શોખીન ન હો તો એનો અર્થ એ નથી કે તમારો આઉટફિટ બહુ જ સિમ્પલ લાગશે. આઉટફિટના હિસાબે યોગ્ય ઍક્સેસરીઝ પસંદ કરીને તમે સરળ આઉટફિટને પણ ગ્લૅમરસ, ક્લાસી કે યુનિક બનાવી શકો છો.
સ્કાર્ફ
હળવાફુલ સિલ્કના સ્કાર્ફને ગળામાં રાખશો તો ફ્રેન્ચ સ્ટાઇલનો ટચ મળે છે. ટી-શર્ટ અને જીન્સ સાદાં હોય તો આ સ્કાર્ફ તમારા લુકને અપગ્રેડ કરશે. મિડી ડ્રેસ અને બ્લેઝર પર પણ એ સૂટ થશે. ઘણા લોકો આ સ્કાર્ફને લેયરિંગ માટે યુઝ કરે છે ત્યારે કોઈ યુવતી વાળમાં કે બૅગ પર બાંધીને પણ સ્ટાઇલ કરે છે. કૅઝ્યુઅલ ડે આઉટ માટે અથવા ટ્રાવેલિંગ માટે તમારા આઉટફિટને અલગ લુક આપવાનું કામ એક સ્કાર્ફ કરી દેશે.
બેલ્ટ
બેલ્ટ્સ બૉડીને ડિફાઇન કરીને આઉટફિટને વધુ સ્ટ્રક્ચર્ડ બનાવે છે. સ્ટેટમેન્ટ બકલવાળા બેલ્ટ્સ થોડી બોલ્ડનેસ ઉમેરે છે. લેધર બેલ્ટ કમરને ડિફાઇન કરે છે. શર્ટ ડ્રેસ, ઓવરસાઇઝ્ડ શર્ટ અથવા હાઈ-વેસ્ટ જીન્સ સાથે ક્રૉપ ટૉપ્સ પહેરો તો આ બેલ્ટ તમારા આઉટફિટના લુકને એન્હૅન્સ કરવાનું કામ કરશે. ઑફિસ, સેમી-ફૉર્મલ પાર્ટી કે ફ્રેન્ડ્સ સાથે ડિનરનો પ્રોગ્રામ હોય તો બેલ્ટ તમારા લુકને ડિફાઇન કરવાનું કામ કરશે.
બૅગ
બૅગ માત્ર સામાન રાખવાની ચીજ નથી પણ એ તમારા લુકનો ફોકલ પૉઇન્ટ બની શકે છે. જો તમે ઑફિસ જતા હો તો આઉટફિટ સાથે મૅચ થાય એવી ટોટ બૅગ તમારી પર્સનાલિટીને વધુ ફૉર્મલ બનાવવાનું કામ કરશે. જો તમે કૅઝ્યુઅલ જીન્સ-ટી-શર્ટ્સ કે ક્રૉપ ટૉપ પહેર્યાં હોય અને શૉપિંગમાં કે કૉન્સર્ટમાં જવું હોય તો એની સાથે ક્રૉસબૉડી બૅગ વધુ સૂટ થશે. રાત્રે પાર્ટીમાં જવાનું હોય અથવા કોઈ પણ ઈવનિંગ ફંક્શનમાં જવાનું હોય તો ક્લચ તમારી પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરશે.
કૅપ
કૅપ કૅઝ્યુઅલ વેઅરમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. પરિવાર કે ફ્રેન્ડ્સ સાથે કૅઝ્યુઅલ આઉટિંગ માટે હંમેશાં સેફ ઑપ્શન ગણાય છે. જીન્સ અથવા કાર્ગો પૅન્ટ સાથે લૂઝ ટી-શર્ટ પહેરો ત્યારે એની સાથે બેઝબૉલ કૅપનું કૉમ્બિનેશન સ્પોર્ટી વાઇબ આપશે. કૉલેજ જતી વખતે આ લુક તમને યુનિક બનાવશે. ટ્રાવેલિંગ દરમિયાન ફોટોમાં પણ જો કૅપ પહેરેલી હશે તો એ તમારા લુકને ઇન્સ્ટન્ટ્લી આઇ-કૅચિંગ બનાવશે. કૅઝ્યુઅલ આઉટિંગ માટે બીની કૅપ સ્ટાઇલિશ દેખાડશે ત્યારે વાઇડ બ્રિમ હૅટ તમારા રિસૉર્ટ વેઅરને સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બનાવવાનું કામ કરશે.
સનગ્લાસિસ
તમારા લુકમાં ઇન્સ્ટન્ટ ગ્લૅમર ઍડ કરવું હોય તો બોલ્ડ કે ક્લાસિક ફ્રેમના સનગ્લાસિસ પહેરવા જોઈએ. એનાથી તમારી ઓવરઑલ પર્સનાલિટી ઝળકે છે. બોલ્ડ અને સેલિબ્રિટી લુક માટે ઓવરસાઇઝ્ડ સનગ્લાસિસની પસંદગી કરવી. ક્લાસિક લુક જોઈએ તો એવિએટર બેસ્ટ ઑપ્શન છે. રેટ્રો ટચ જોઈતો હોય તો કૅટ આઇના સનગ્લાસિસ મસ્ત લાગશે. મૉડર્ન અને સ્માર્ટ લુક માટે જ્યોમેટ્રિક ફ્રેમ્સ પણ અજમાવી શકાય. સનગ્લાસિસ બધા જ આઉટફિટ પર પર્ફેક્ટ લાગે છે અને ઇવેન્ટના હિસાબે તમે ગમે ત્યારે પહેરી શકો છો.
હજી પણ ઘણુંબધું
વેસ્ટર્ન કે કૅઝ્યુઅલ આઉટફિટ સાથે મૅચ થતી હેર-ઍક્સેસરીઝ પણ ટ્રેન્ડી વાઇબ આપશે. હેડ-બૅન્ડ, સ્ક્રન્ચી, ટિકટૉક પિન્સનો ઉપયોગ પિકનિક, શૉપિંગ અને કૉલેજ જતી વખતે કરી શકો છો. આ ઉપરાંત આઉટફિટ્સ સાથે મેળ ખાતાં ફુટવેઅર પણ તમારા લુકને નવો ઍન્ગલ આપી શકે છે. જીન્સ અને ડ્રેસ સાથે સ્નીકર્સ, ફૉર્મલ ડ્રેસ સાથે લોફર્સ અને ડેનિમ કે શૉર્ટ્સ સાથે બૂટ્સ પર્ફેક્ટ રહેશે. આઉટફિટને ઇન્સ્ટન્ટ સ્માર્ટ લુક આપવા માટે બ્લેઝર કે જૅકેટ પણ પહેરી શકાય એટલું જ નહીં, ફોન કવર્સ અને રીયુઝેબલ વૉટર બૉટલ પણ સટલ સ્ટાઇલ-એલિમેન્ટ્સ બની શકે છે. યોગ્ય ઍક્સેસરીઝ પસંદગી કરીને જ્વેલરી વગર સ્ટાઇલિશ દેખાવું શક્ય છે