16 May, 2025 12:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગ્રે હેર થાય તો પ્રાકૃતિક ઉપાય તરીકે આપણે સૌથી પહેલાં મેંદી લગાવવાનું પસંદ કરીએ છીએ. વર્ષોથી હેરકલર કરવા માટે ઉપયોગમાં આવતી આ મેંદીથી કન્ડિશનિંગ પણ થતું હોવાથી વાળ સ્મૂધ અને સિલ્કી બને છે. આ જ કારણે એને વધુ પસંદ કરવામાં આવે છે. કેમિકલયુક્ત હેરકલરને બદલે કેમિકલ-ફ્રી મેંદી છાશવારે લગાવવામાં આવે તો એનાં પ્રતિકૂળ પરિણામ પણ થઈ શકે છે. એ પ્રાકૃતિક હોય છે એ વાત ખોટી નથી, પણ એનો વધુપડતો ઉપયોગ વાળને ડૅમેજ કરવાની ક્ષમતા ધરાવે છે.
ડ્રાયનેસ વધશે : મેંદીનો વધુપડતો ઉપયોગ વાળને સિલ્કી બનાવવાને બદલે ડ્રાય કરી શકે છે. એમાં રહેલું ટૅનિન નામનું તત્ત્વ સ્કૅલ્પમાંથી તેલને શોષી લે છે, જેને લીધે વાળનું મૉઇશ્ચર દૂર થાય છે જેને લીધે વાળ તૂટવાની અને સ્પ્લિટ એન્ડ્સની સમસ્યા પણ થઈ શકે છે.
ઍલર્જીનું કારણ : મેંદી ભલે પ્રાકૃતિક પ્રોડક્ટ હોય તો પણ એ લગાવવાથી ઘણા લોકોમાં ઍલર્જી થઈ શકે છે. સ્કૅલ્પમાં બળતરા, ખંજવાળ, રિંગવર્મ થવા, સ્કૅલ્પ લાલાશ પડતું થવું અને સોજા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. કોઈ વ્યક્તિનું સ્કૅલ્પ સેન્સિટિવ હોય તો તેમને ત્વચા સંબંધિત ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે. આથી મેંદી લગાવવા પહેલાં કાનની પાછળ પૅચ-ટેસ્ટ કરી લેવી બહુ જરૂરી છે.
વાળ પાતળા થવા : મેંદી વાળને મજબૂત બનાવે છે એ મિથ છે. એના વધુપડતા વપરાશથી વિપરીત અસર થઈ શકે છે, જેનાથી વાળની થિકનેસ ઓછી થવા લાગે છે. આવું એટલા માટે થાય છે કારણ કે સ્કૅલ્પને મળતું પોષણ મેંદીને લીધે વાળ સુધી પહોંચી શકતું નથી.
બીજો રંગ ચડતો નથી : વારંવાર મેંદી લગાવવામાં આવે તો એ વાળ પર પોતાનું લેયર બનાવી નાખે છે. તેથી જો ભવિષ્યમાં તમારે બીજો કોઈ સિન્થેટિક કલર લગાવવો હોય તો એ લાગતો નથી અને મેંદીનો રંગ નીકળતો નથી એટલું જ નહીં, એ વાળના કુદરતી રૂપને પણ બદલી નાખે છે. જે લોકોના વાળ મુલાયમ અને રેશમી હોય તો રફ અને ડ્રાય થઈ જશે.
ઇમ્પોર્ટન્ટ ટિપ્સ
મેંદી મહિનામાં એક વખત લગાવવાનું આઇડિયલ માનવામાં આવે છે. ઘણા લોકો એના ફાયદાઓ સાંભળીને અઠવાડિયામાં એક વખત લગાવે છે, જેને લીધે સાઇડ-ઇફેક્ટ્સ થાય છે.
માર્કેટમાં મેંદીમાં કેમિકલની ભેળસેળ કરીને પણ વેચાણ કરવામાં આવે છે. આવી મેંદીથી બચવા માટે આયુર્વેદિક સ્ટોરમાંથી મેંદી ખરીદવાનો આગ્રહ રાખવો.
રંગ થોડો ઘાટો જોઈએ તો મેંદીમાં પાણીને બદલે કૉફીનું પાણી અને એની સાથે આમળા પાઉડર, ભૃંગરાજ, બ્રાહ્મી અને શિકાકાઈનો પાઉડર ઉમેરો. બે કલાક રહેવા દો અને પછી વાળમાં અપ્લાય કરો. એ સુકાઈ જાય પછી એને પાણીથી જ ધોવા જોઈએ.
વાળમાં મેંદીને કારણે આવતી ડ્રાયનેસને અટકાવવા માટે નારિયેળ કે બદામનું તેલ લગાવો જેથી મૉઇશ્ચર જળવાઈ રહે.